કાલે ચિત્ર સ્પષ્ટ થાય તે પહેલાં આજે ચકાસણીમાં કોના ફોર્મ થયા રદ્દ, જાણો કયા-કેટલાં ઉમેદવારો વચ્ચે જામ્યો જંગ
આવતીકાલે 9 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. જેથી આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી મહાનગર પાલિકાના ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
- 9 તારીખે ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ
આવતીકાલે બપોરે ત્રણ વાગે ચિત્ર સ્પષ્ટ થશે
21મીએ મતદાન અને 23મી ફેબ્રુઆરીએ પરિણામ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતની 6 મહાનગર પાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ વધુને વધુ તેજ બની રહ્યો છે. મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.જેથી આજે તમામ મહાનગર પાલિકામાં હવે ચૂંટણી સંદર્ભની તમામ પ્રક્રિયાઓ હાથ ધરાઈ રહી છે. જેમાં આજે 8 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ભરેલાં ચૂંટણી ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. આવતીકાલે 9 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. જેથી આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી મહાનગર પાલિકાના ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
576 બેઠકો માટે 4 હજાર 885 ઉમેદવારો મેદાનમાં
આગામી 21મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન થશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત કુલ 6 મહાનગર પાલિકાઓમાં કુલ 576 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જેના માટે ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 4 હજાર 885 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આ ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરવામાં આવી છે. આવતીકાલે 9 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
6 મનપામાં ક્યા-કેટલાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા
અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 192 બેઠક માટે 1161 ઉમેદવારે ફોર્મ છે. તો ભાવનગરમાં 13 વોર્ડ માટે 448 ફોર્મ ભરાયા છે. જ્યારે જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડ માટે 427 ફોર્મ ભરાયા, રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડ માટે 629 ફોર્મ ભરાયા, સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડ માટે 1041 ફોર્મ ભરાયા, વડોદરા મહાનગર પાલિકાના 19 વોર્ડ માટે 547 ફોર્મ ભરાયા છે.જેની આજે ચકાસણી પૂર્ણ કરવામાં આવશે.એટલે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આગમી 23 ફેબ્રુઆરીએ તમામ 6 મનપાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. જેથી ફોર્મ ભર્યાની સાથે હવે ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. રેલીઓ સભાઓની સાથો-સાથ ગ્રાઉન્ડ લેવલ પર થઈને મતદારોને રિઝવવા માટે ડોર ટૂ ડોર પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રચાર-પ્રસારને વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે. અને ઉમેદવારો પાર્ટીના વિકાસ કાર્યો આગળ મુકી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કેટલાં ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા
રાજકોટ મનપાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આજે ઉમેવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી છે. તે સમયે કોંગ્રેસના બે ઉમેદવારનાં ફોર્મ રદ્દ કરવામાં આવ્યાં છે. વોર્ડ નં.1 ઉમેદવાર ભરતભાઇ શિયાળ અને વોર્ડ નં.4 ઉમેદવાર નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.
સુરતના વોર્ડ નંબર 21ના ઉમેદવાર સામે ફરિયાદ
ભાજપાના ઉમેદવાર અશોક રાંદેરીયા સામે ફરિયાદ કરવામાં આવી. કોંગ્રેસના ઉમેદવાર રેણુકા ગોવાલીયાએ આ અંગે ફરિયાદ કરી છે. અશોક રાંદેરીયા પર માહિતી છુપાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બીજી પત્ની અને દીકરીની માહિતી ન આપી હોવાનો આક્ષેપ કરાયો છે. ઉમેદવારી પત્રમાં કોઈ પ્રકારની વિગત નહીં દર્શાવાઈ હોવાનું સામે આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે