ભાજપને ભારે પડશે 'બનાસની બેન' : ગેનીબેન નબળા પડ્યા પણ ભાજપનો ટાર્ગેટ નહીં થવા દે પૂરો

 Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનું બિગૂલ વાગી ચૂક્યું છે. ત્યારે આ વખતે બનાસકાંઠામાં કોના માથે બંધાય છે જીતનો સાફો એ જોવા જેવું રહેશે. આ ટક્કર છે સૌથી રસપ્રદ....જેમાં બનાસની બેન ભાજપને ભારે પડી શકે છે...

ભાજપને ભારે પડશે 'બનાસની બેન' : ગેનીબેન નબળા પડ્યા પણ ભાજપનો ટાર્ગેટ નહીં થવા દે પૂરો

Lok Sabha Election 2024: ગુજરાતમાં વડોદરા (Vadodara loksabha) ના વિવાદો બાદ સૌથી વધારે લોકસભાની ચૂંટણીમાં રસાકસી એ બનાસકાંઠા લોકસભાની (Banaskatha loksabha) બેઠક પર છે. ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે અહીં ફાયરબ્રાન્ડ નેતા અને 3 ટર્મથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ગેનીબેન ઠાકોર હાલમાં જીતના દાવા કરી રહ્યાં છે પણ હારે તો પણ ભાજપનો ટાર્ગેટ અહીં પૂરો થવો અઘરો છે. રેખાબેન ચૌધરીનો પરિવાર ભલે ભાજપમાં વર્ષોથી સક્રિય હોય અને બનાસ ડેરી અને શંકર ભાઈ ચૌધરીનો સપોર્ટ હોય પણ અહીં જાતિગત સમીકરણો અલગ છે. બનાસકાંઠામાં ભાજપ ગેનીબેનને હળવાશથી લઈ શકે એમ નથી. ગત ચૂંટણીમાં પરથીભટોળ ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં ઠાકોર સમાજની દીકરી છે. ઠાકોર સમાજ એક દીકરીને જીતાડવા માટે એક થયો તો ભાજપ માટે આ ચિંતાનો વિષય છે. ગેનીબેન છેલ્લી 3 ટર્મથી અહીંથી ધારાસભ્ય છે જ્યારે રેખાબેન ચૌધરીએ પહેલીવાર રાજકારણમાં પગ મૂક્યો છે. ગેનીબેનને હરાવવા ભાજપે ઓપરેશન લોટસ વતી કમરકસી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં આ બેઠકને જીતવા માગે છે. 

શંકર ચૌધરીને કરી ચૂક્યા છે ઘરભેગાઃ
ગેનીબેન ઠાકોર 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. વાવ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા. કોંગ્રેસે હવે ગેનીબેન ઠાકોર (GENIBEN THAKOR) ને ભાજપના શિક્ષિત ઉમેદવાર ડૉ.રેખાબેન ચૌધરી સામે ઉતાર્યા છે. ડૉ.રેખાબેન (REKHABEN CHAUDHARY) આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે. તેમના પરિવારનો સમાજ પર પ્રભાવ છે. જ્યારે ગેનીબેન ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે. તેઓ રાજકીય અને સામાજિક પ્રભાવ ધરાવે છે. અહીં પાર્ટી કરતાં ઉમેદવારની જ્ઞાતિ એક મહત્વનું પરિબળ ગણે છે મતદારો. હાલમાં બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતક્ષેત્ર પૈકી 4 પર ભાજપ, 2 કોંગ્રેસ અને એક અપક્ષ ધારાસભ્ય છે, જેમનું ભાજપને સમર્થન છે. અહીંના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો. ચૌધરી, ઠાકોર મતદારોનો પ્રભાવ છે.

ગત લોકસભામાં પરથી ભટોળ ઉમેદવાર હતા. જેઓએ વર્ષો બનાસ પર દબદબો ધરાવ્યો છે એ 3.63 લાખ વોટથી હાર્યા હતા. ગેનીબેન આ લોકસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય અને મજબૂત ઉમેદવાર છે. જેમને એકવાર શંકરભાઈ ચૌધરીને પણ હરાવ્યા છે. ગેનીબેનને હરાવી 5 લાખની લીડથી જીતવું અહીં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. એટલે જ ભાજપ અહીં જાતિગત સોગઠાં ગોઠવી રહી છે. ભાજપને અહીં ઠાકોર સમાજના મત મળી રહે એ જરૂરી છે નહીં તો તમામ સમીકરણો ખોરવાઈ જશે. ભાજપ અહીં ગેનીબેન ઠાકોરને હળવાશથી લઈ શકે એમ નથી કારણ કે ઉત્તર ગુજરાતમાં આજે પણ કોંગ્રેસની સ્થિતિ કથળી નથી.  સરહદી જિલ્લા બનાસકાંઠા (BANASKANTHA) માં 1951થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. જેમાં કોંગ્રેસ 10 અને ભાજપે 6 વખત જીત મેળવી છે.

લેબજી ઠાકોરને કેસરિયા કરાવ્યાઃ
ભાજપે જાતિગત સોગઠાં ગોઠવવા માટે ઓપરેશન લોટસ ચલાવી કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં જોડવા માટે પ્રયાસો કર્યા છે. ભાજપે બનાસકાંઠા જિલ્લામાં લેબજી ઠાકોરને ભાજપમાં લેતાં ગેનીબેન બગડ્યા હતા.  રેખાબેન ચૌધરીને ચૌધરી સમાજના મતો તો મળી રહેશે પણ બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર 3.5 લાખ ઠાકોર સમાજના મત છે. 2 લાખ ચૌધરી સમુદાયના વોટ છે. બનાસકાંઠા (BANASKANTHA)જીતવું હોય તો ઠાકોર સમાજના મતની ભાજપને જરૂર પડતાં ભાજપે લેબજી ઠાકોર માટે લાલજાજમ પાથરી દીધી છે. ગઈ વિધાનસભામાં આ લેબજી ઠાકોરે બળવો કરીને ડીસા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી હતી. ભાજપે વિધાનસભામાં લેબજી ઠાકોરની અગણના કરી હતી અને તેઓ ચૂંટણીમાં 45 હજાર મતો લઈ ગયા હતા. હવે ભાજપને ખબર છે કે લોકસભાની સીટ જીતવી હશે તો લેબજી ઠાકોરની જરૂર પડશે એટલે જ ભાજપે એમના માટે સોફ્ટ કોર્નર રાખી કેસરિયો પહેરાવ્યો છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને લોકસભાની સીટના ઉમેદવાર જાહેર કરતાં ભાજપે આ બેઠક પર પોતાના સોગઠાં ગોઠવ્યાં છે. ભાજપે બનાસકાંઠા બેઠક પર પ્રથમવાર મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. બનાસકાંઠામાં જાતિગત રાજકારણ ચરમસીમાએ છે. ડો . રેખાબેન ચૌધરી એ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે અને ભાજપે શિક્ષિત અને યુવા ચહેરાને પ્રાધાન્ય આપ્યું છે. હવે ભાજપને અહીં ઠાકોર સમાજના વોટની અપેક્ષા હોવાથી લેબજી ઠાકોરને અહીં ગેનીબેન સામે ઉભા કર્યા છે. બની શકે કે ભાજપ અહીં અલ્પેશ ઠાકોરને પણ જવાબદારી સોંપી શકે છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સીટ માટે કોઈ નવું નામ નથી. 

ભાજપે ચલાવ્યું ઓપરેશન લોટસઃ
બનાસકાંઠા (BANASKANTHA) બેઠક પર બંન્ને પાર્ટીઓએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. એક તરફ છે કોંગ્રેસના ફાયરબ્રાંડ નેતા ગેનીબેન ઠાકોર અને બીજી તરફ છે ભાજપના રેખાબેન ચૌધરી. એક સમયે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી પરંતુ 1998થી સ્થિતિ ભાજપ માટે સારી થતી ગઈ છે. જોકે આ વખતે મોદીના ચહેરાને જ ભાજપ આગળ કરીને મત મેળવવાનો પ્રયત્ન કરશે તો બીજી તરફ બનાસની બેન ગેનીબેન સ્લોગન સાથે કોંગ્રેસ મેદાને છે. સવાલ એ છે કે આખરે કોણ બાજી મારશે ? ભાજપે અહીં ઓપરેશન લોટસ ચલાવી  ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને બીજા કોંગ્રેસી આગેવાનો ભાજપમાં લઈ લીધા છે. એટલે આ આગેવાનોને કારણે કોંગ્રેસની જે મત બેંક હતી તેમાં પણ ગાબડા પડ્યા છે. આમ ઓપરેશન લોટસથી ભાજપ ગેનીબેનને નબળા પાડી રહી છે પણ ઠાકોર સમાજ કોના પક્ષમાં રહે છે એ સૌથી મહત્વનું છે. કારણ કે અહીં ઠાકોર સમાજના મહિલા ઉમેદવાર છે. 

2019માં ભાજપને મળી હતી 3.63 લાખની લીડઃ
આપણે બનાસકાંઠા (BANASKANTHA)બેઠક પર વોટ શેરની વાત કરીએ તો 2022ની વિધાનસભામાં ભાજપના વેવ વચ્ચે પણ ભાજપને અહીં 45 ટકા વોટ તો કોંગ્રેસને 36 ટકા વોટ મળ્યા હતા. 2017ની વિધાનસભામાં ભાજપને 43 ટકા તો કોંગ્રેસને 45 ટકા મત મળ્યા હતા. 2012ની વિધાનસભામાં ભાજપને અહીં 41 ટકા તો કોંગ્રેસને 42 ટકા મત મળ્યા હતા. ભાજપ માટે સારી બાબત એ છે કે લોકસભામાં આ ચિત્ર બદલાઈ જાય છે. 2019ની લોકસભામાં ભાજપને અહીં 62 ટકા તો કોંગ્રેસને ફાળે 28 ટકા મત ગયા હતા. 2014ની લોકસભામાં પણ ભાજપને અહીં 75 ટકા તો કોંગ્રેસને 34 ટકા મળ્યા હતા. ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સરકારના મંત્રી પરબતભાઈ પટેલ અને બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ વચ્ચેના જંગમાં પરબતભાઇ પટેલ 3.63 લાખની વિક્રમી લીડથી મોદી લહેરમાં જીતી ગયા છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપ ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરી હતી પરંતુ તે પણ મોદી પ્રવાહમાં ખાસ પ્રભુત્વ ઠાકોર સમાજ પર અજમાવી શક્યા નહતા. કોંગ્રેસ સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ હતી.

ભાજપ જેમને સડેલી કેરી કહેતું એ આફૂસ કેરી બન્યાઃ
બનાસકાંઠા લોકસભાની બેઠકની ચૂંટણીના પ્રચાર દરમિયાન હવે બંને પક્ષોના ઉમેદવાર પોત પોતાનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર અને ભરતભાઇ ધૂંખ ફરીથી ભાજપમાં જોડાયા છે. જેને પગલે કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ તીખા તેવર દર્શાવતા નિવેદન કર્યા છે. તેઓએ કહ્યું હતું કે, જે ભાજપમાં ગયા એ હારેલા હતા. તેઓ ત્યાં જઇને શું જીતાડી દેશે.  આજે અમારે જરુર હતી ત્યારે એ સામે પક્ષે જઇને બેઠા છે. સામે પક્ષેથી જ જેને સડેલી કેરી કહેતું હતું તે આજે હાફુસ બની ગઈ છે. જેના માટે સમાજ ભૂખ્યોને તરસો દોડ્યો એ બંને સમાજની બેન સાથે ઉભા પણ ન રહ્યા, જે ગયા છે તે બધા હારેલા ગયા છે અને હારેલા બીજાને શું જીતાડી શકવાના તમે ગેનીબેનને નહીં દબાવી શકો કારણ કે ચૂંટણી સમયે મિલકત દર્શાવવાના સોગંધનામામાં મિલકતમાં કોઈ જ વધારો નથી થયો... મારે ફક્ત મારા ભાઈઓ માટે ચૂંટણી લડવાની છે. 

બેન મામેરું એકવાર ભરાય 2 વાર નહીં...
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના (GENIBEN THAKOR) મામેરુ ભરવાની અપીલ સામે બ્રહ્મ સમાજના આગેવાને પણ ઝાટકણી કાઢી છે. વાવમાં યોજાયેલી સભામાં બ્રહ્મ સમાજના આગેવાને રતનજી એ કહ્યું મામેરુ એક વખત ભરાય બે વખત ના ભરાય.. ગેનીબેન ઠાકોર પર કટાક્ષ કરતાં કહ્યું મામેરૂ એવું ભરજો કે છલકાઈ જાય. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે તેમની સભામાં મામેરુ ભરવાની વાત કરી હતી. અહીં ત્રણ પરગણા બ્રહ્મ સમાજ ભાજપની સાથે રહેશે અને જીતાડવામાં મદદ કરશે તેવું નિવેદન સમાજના અગ્રણીએ કર્યું હતું. ગેનીબેન ઠાકોરના મત વિસ્તારમાં ગેનીબેનના વિરુદ્ધમાં નિવેદનને પગલે આ મામલો ચર્ચામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news