રાજકારણ: 1991થી ભાવનગર પર ભાજપનું શાસન પણ શહેર વિકાસમાં પાછળ રહી ગયું, આપ ભાજપને અટકાવશે

Loksabha Election 2024: ભાવનગર બેઠક પર કોગ્રેસ માત્ર પાંચ વાર જીત મેળવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમ જીત વર્ષ 1967ની લોકસભા ચૂંટણીમાં મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર પી.એમ મહેતા આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બન્યા હતા.

રાજકારણ: 1991થી ભાવનગર પર ભાજપનું શાસન પણ શહેર વિકાસમાં પાછળ રહી ગયું, આપ ભાજપને અટકાવશે

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. રાજકીય પાર્ટીઓ પુરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે. ઉમેદવારો ઘરે ઘરે ફરી પોતાને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. વાત આપણે ગોહિલવાડની કરીએ તો, ભાવનગરમાં બન્ને પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. ભાજપે મહિલા પર મદાર રાખ્યો છે તો કોંગ્રેસ અને આપના ગઠબંધનમાંથી બોટાદના ધારાસભ્ય મેદાનમાં છે. ત્યારે પ્રજા પણ જે પણ ચૂંટાઈને જાય તેની પાસેથી અનેક આશા-અપેક્ષાઓ રાખી રહી છે. શું છે ભાવનગરવાસીઓની આશા અને અપેક્ષાઓ? ભાવનગરમાં 1991થી ભાજપનું શાસન છે. કોંગ્રેસને ભાવનગરીઓ તક પણ આપતા ન હોવા છતાં આ શહેર આજે પણ વિકાસથી વંચિત છે.

  • ભાવનગરમાં જામ્યો લોકસભા ચૂંટણીનો માહોલ 
  • બન્ને પાર્ટીના ઉમેદવારનો પુરજોશમાં પ્રચાર 
  • પ્રજા કોને ચૂંટીને દિલ્લી દરબારમાં મોકલશે?
  • શું છે ગોહિલવાડના લોકોની આશા-અપેક્ષાઓ?
  • ભાવનગર વિકાસમાં કેમ રહી ગયું પાછળ?

પ્રજાવસ્તલ રાજવી અને જેમણે દેશની આઝાદી સમયે સૌથી પહેલું પોતાનું રજવાડું અર્પણ કરી દીધું હતું તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરી એટલે ભાવનગર... એ ભાવનગર જ્યાં દરિયાના ઘૂઘવાટા છે, કૃષ્ણકુમારસિંહજીની અણમોલ વિરાસત છે અને વિશ્વ ફલક પર ચમકતું અલંગ બંદર છે. તો અનેક ઐતિહાસિક ઈમારતો જે રાજાશાહીને યાદ અપાવી દે છે. જેનો એક સમયે સુવર્ણકાળ હતો તે ભાવનગર હાલ વિકાસમાં પાછળ છૂટી ગયું હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં લોકશાહી સ્થપાય અને પ્રજાનું શાસન આવે તે માટે દેશમાં સૌથી પહેલું રજવાડું આ જ શહેરના મહારાજાએ અર્પણ કર્યું હતું. પરંતુ તેમણે જે કલ્પના પોતાના આ શહેર માટે કરી હતી તેવું શહેર કદાચ હાલ દેખાતું નથી. 

રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ ભાવનગર ઘણું પાછળ રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે. તેની પાછળનું કોઈ કારણ હોય તો જનપ્રતિનિધો જ છે. ગાંધીનગર અને દિલ્લી દરબારમાં પહોંચતા જનતાએ ચૂંટેલા નેતાઓએ ઉડીને આંખે વળગે તેવા કોઈ કામ નથી કર્યા કે જેનું ગૌરવ આજે લઈ શકાય.. વર્ષ 1991થી આ સીટ પર ભાજપ જીત મેળવતુ આવ્યુ છે. ભાજપે વર્ષ 2014માં કોળી સમાજમાંથી આવતા મહિલા ઉમેદવાર ભારતીબેન શિયાળને ટિકિટ આપી હતી. પરંતુ હવે ભારતી બેનને સ્થાને નીમુબેન બાભણીયાને ટીકીટ ફાળવવામાં આવી છે. 

ભાવનગર બેઠક પર કોગ્રેસ માત્ર પાંચ વાર જીત મેળવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમ જીત વર્ષ 1967ની લોકસભા ચૂંટણીમાં મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર પી.એમ મહેતા આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1967ની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર જે.એન મહેતાની જીત થઇ હતી. કોંગ્રેસના પૂર્વ સાંસદ ગીગાભાઇ ગોહીલ વર્ષ 1980 અને 1984માં ભાવનગર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા. ભાવનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસ છેલ્લે વર્ષ 1989માં જીત મેળવી હતી. ત્યાર બાદ કોંગ્રેસ ભાવનગર લોકસભા બેઠક પર જીત મેળવી શક્યું નથી.

શું છે ભાવનગરની આશા-અપેક્ષાઓ?

  • અન્ય શહેરો કરતા વિકાસમાં પાછળ કેમ?
  • એવા નેતાની જરૂર જે શહેરને બનાવી શકે જાજરમાન
  • ભાવનગરમાં વિકાસની રહેલી છે અનેક તકો
  • ભાવનગર કેમ છોડી રહ્યા છે યુવાનો?
  • શું છે શહેરીજનોનો મિજાજ?

લોકસભાનો માહોલ બરાબર જામ્યો છે. ભાજપના નિમુબહેન બાંભણિયા અને કોંગ્રેસ-આપના ગઠબંધનમાંથી ઉમેશ મકવાણા મેદાનમાં છે. બન્ને હાલ પુરજોશમાં પ્રચાર કરી મત માગી રહ્યા છે. ભાવનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. પ્રજાએ ભૂતકાળમાં ભાજપના અનેક ઉમેદવારોને સાંસદ બનાવી દિલ્લી દરબારમાં મોકલ્યા છે. પરંતુ આ વખતે જંગ રસાકસીવાળો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેના કારણે આ વખતે કદાચ મતોનું ધ્રુવીકરણ ન થાય. અને ભાજપને તેનું નુકસાન ઉઠાવવું પડે. જો કે કેટલું નુકસાન અને કેટલો લાભ થશે તે તો ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે પરંતુ હાલ જનતા પોતાના જનપ્રતિનિધિઓ પાસેથી અનેક આશાઓ રાખી રહી છે. તે જાણવા માટે અમે ભાવનગરના કેટલાક વેપારીઓ પાસે પહોંચ્યા...

ભાવનગરમાં અલંગને છોડી દઈએ તો એવો કોઈ મોટો ઉદ્યોગ નથી જે વિપુલ માત્રામાં લોકોને રોજગાર આપી શકે. તેથી શહેરના વેપારીઓ અને લોકો ઉદ્યોગ-ધંધા વિકસાવવાની માગ કરી રહ્યા છે.  ભાવનગરવાસીઓના મતે શહેરને એવા કોઈ સારા નેતા નથી મળ્યા જે શહેરને વિકાસમાં ચમકાવી શકે. ભાવનગર અન્ય શહેરોની સરખામણીએ સતત પાછુ જ ધકેલાઈ રહ્યું છે. વિશાળ દરિયા કિનારો ધરાવતા ભાવનગર જિલ્લામાં વિકાસની અનેક તકો રહેલી છે, પરંતુ સરકાર અને ચૂંટાયેલા નેતાઓએ કંઈ ધ્યાન ન આપતા શહેરને જોઈએ તેવો વિકાસ થઈ શક્યો નથી. વેપારીઓ અને શહેરના નાગરિકો ઈચ્છી રહ્યા છે કે મજબૂત, મક્કમ અને લડાયક મિજાજના કોઈ નેતા આવે તો શહેરની તસ્વીર બદલાઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news