ગુજરાતમાં ભર ઉનાળે આકાશી આફત, વાવાઝોડા સાથે વરસાદ, વીજળી પડતાં બેના મોત
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટી અસર આજે જોવા મળી છે. બે દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ આજે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બરફના કરા વરસ્યા હતા. રાજ્યમાં ભર ઉનાળે આકાશી આફત ઉતરી આવતાં જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. વાવાઝોડા વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. રાજ્યમાં વીજળી પડતાં બેના મોત નીપજ્યા છે.
Trending Photos
સૌરાષ્ટ્ર :ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટી અસર આજે જોવા મળી છે. બે દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ આજે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બરફના કરા વરસ્યા હતા. રાજ્યમાં વાવાઝોડા વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. વીજળી પડતાં બેના મોત નીપજ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મોલાસણમાં વીજળી પડતાં યુવકનું મોત નીપજ્યું છે જ્યારે રાજકોટના ખાખડાબેલામાં મહિલાનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાવનગર, માળીયા મિયાણા, પડધરી, વાંકાનેર જેવા વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, અનેક ઠેકાણે બરફના કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી, તો બીજી તરફ કેરીને તથા ખેતરના ઉભા પાકને નુકશાન થવાની ભીતી થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. તો હાલ રાજ્યભરમાં બપોરે 3 વાગ્યા બાદ અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી હતી.
ભર ઉનાળામાં રાજ્યના 11 જિલ્લાના 38 તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, તો સાથે જ અનેક વિસ્તારોમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આ વિશે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઘણા વર્ષો બાદ એપ્રિલ મહિનામાં આવુ વાતાવરણ જોવા મળ્યું છે. સાંજના આંધીવંટોળ, ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. 17 સુધી આ વાતાવરણ યથાવત રહેશે. દરિયા કિનારામાં પવન ફૂકાઈ શકે છે, પણ ભૂભાગમાં પણ આ અસર જોવા મળી શકે છે. આ વરસાદમાં જ આંધી-વંટોળ વધુ આવી શકે છે. પવનની ગતિ વધી છે. પવનની ગતિ જે તરફ છે, ત્યાં વરસાદ વધુ રહેશે. પવનની દિશામાં જે વિસ્તારો આવશે ત્યાં વરસાદ પડશે.
રાજકોટમાં મહિલાનું મોત
ખરાબ વાતાવરણમાં અને વરસાદી કરાની વચ્ચે રાજકોટમાં એક મહિલાનુ મૃત્યુ થયુ હોવાના સમાચાર મળ્યા છે. પડધરીના ખાખડાબેલા ગામે પવન સાથે ભારે વરસાદ પડતા મહિલા પર એક વૃક્ષ પડ્યું હતું. જેના કારણે મહિલાનું મોત નિપજ્યું છે.
પડધરીમાં વૃક્ષ અને દિવાલ ધારાશાહી
સુરેન્દ્રનગરમાં લોકોને પણ કમોસમી આફતનો સામનો કરવો પડ્યો હતો. મેથાણ ગામે કરા પડ્યા હતા. પડધરીના ખાખડાબેલા ગામે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. કરા પડતા મકાનની દિવાલો ધારાશાહી થઈ ગઈ હતી. ખાખડાબેલા ગામે બરફના કરા પડવાથી ભારે નુકશાન થયું હતું. પડધરીથી મીતાણા રોડ ઉપર વાવાઝોડુ આવતાની સાથે રોડ પર લીમડાનું એક વૃક્ષ ધરાશાહી થઈ ગયું હતું. આ સમયે પડધરી મીતાણા રોડ ઉપર ટ્રાફીક જામ થઇ ગયો હતો. લગભગ 1કલાક સુધી વાહનની અવરજવર બંધ રહી હતી.
વંટોળ-આંધીથી પરેશાન થયા લોકો
કમોસમી વરસાદથી એક તરફ ખેડૂતોના માથે સંકટ આવીને ઉભુ થયું છે. તો બીજી તરફ, અનેક વિસ્તારોમાં ફૂંકાયેલા આંધી અને વંટોળને કારણે લોકોને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયું હતું. અનેક જગ્યાઓએ ધૂળની ડમરીઓ ઉડતા લોકોના આંખમાં માટી જવાના બનાવ બન્યા હતા. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું જેવી સ્થિતિ બની ગઈ છે. વિરમગામના આસપાસના વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાયું હતું. રાજ્યભરમાં બપોરે 3 વાગ્યા બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી રહી છે. ગાંધીનગર માણસા હાઇવે ઉપર ધૂળની ડમરીઓને કારણે અને કાળા ડિબાંગ વાદળો આકાશમાં આવતાં વાહનચાલકોને દિવસે લાઈટો શરૂ કરવી પડવી હતી.
મોદીની સભા સ્થળે નુકશાન
સુરેન્દ્રનગર જિલ્લામાં એકાએક ભારે પવન સાથે વાવાઝોડું આવતા પીએમ નરેન્દ્ર મોદીના સભા સ્થળે નુકશાન થયું છે. સભા સ્થળ પર ડોમના પડદા ફાટ્યા, તો સ્પીકરો પણ ઉડ્યા હતા. ડોમમાંથી અનેક પડદા અને પતરાઓ ઉડ્યા હતા.
લલિત કગથરાના કાર્યાલયના છાપરા ઉડ્યા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ભારે પવન સાથે પડેલાના વરસાદની અસર કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના કાર્યાલયને થઈ હતી. પડધરીમાં ભારે પવનના કારણે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા કાર્યાલય ના છાપરા અને બેનર ઉડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, હજુ પણ 48 કલાક સુધી વાદળ છાયા વાતાવરણની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ અગમચેતીના ભાગરૂપે ગઈકાલે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ હતી. તો બીજી તરફ, સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો, અને દરિયાના મોજા ઉંચે ઉછળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે