ગુજરાતના આ ગામડાઓના છોકરાવને કોઈ પરણવા તૈયાર નથી, અહીં કોઈ વહુ બનતા તૈયાર નથી
Water Crises : પાટણના સરહદી ગામડાઓમાં ઉનાળો આવે એટલે જાણો લોકોને એમ લાગે છે કે તેમની કસોટીના દિવસો શરૂ થઈ ગયા છે, પાણી માટે કેવા કેવા વલખા મારવા પડે છે
Trending Photos
Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાની શરૂ થતાં પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડવા ટેન્કરોનો સહારો લેવો પડી રહ્યો છે, છતાં કેટલાક ગામોમાં પાણી પહોંચતું નથી. એપ્રિલ મહિનાથી જ અહીંના લોકોની હાલત કફોડી બની જાય છે. વેરડા ખોદી પાણી મેળવવા લોકો મજબૂર થઈ રહ્યાં છે. ત્યારે સ્થિતિ એવી છે કે આ ગામોના યુવકોને પરણવા કોઈ તૈયાર નથી.
પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા સમયે પાણીની ભારે અછત સર્જાય છે. તેવામાં ચાલુ વર્ષે નહીંવત વરસાદ પડવાના કારણે ઉનાળાની શરૂઆતે જ પાણીના પોકાર પડવા પામ્યા છે. સાથે પશુઓની હાલત પણ દયનીય બની રહી છે. પાણી માટે રઝળપાટ બાદ પણ પાણી ના મળતા છેવટે ખાડા ખોદી પાણી મેળવવા લોકો મજબૂર બન્યાં છે. હા આ સત્ય હકીકત છે. સરહદી તાલુકાના સાંતલપુરના છાણીયાસર ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી ખાડા ખોદી પાણી મેળવી રહ્યાં છે અને દૂષિત, ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. તો આ દૂષિત પાણી પીવાથી લોકોને બીમારીનો ભોગ પણ બનવું પડે છે. પરંતુ આ ગ્રામજનો માટે બીજો કોઈ રસ્તો નથી. તંત્ર ટેન્કરો દ્વારા પાણી આપવાની પોકળ વાતો કરે છે, પણ આ ગામના લોકો વેરડા ખોદી પાણી મેળવી રહ્યા છે તે સત્ય હકીકત છે.
સ્થાનિક મહિલા સકીના બાનું કહે છે કે, જો વાત કરીએ તો આ વિસ્તારમાં કોઈ પાણી માટેની યોજનાઓનો લાભ આ ગામમાં આજદિન સુધી મળ્યો નથી. અહીં ગામમાં બોર બનાવામાં આવેલ છે. પણ તે પણ ફેલ હાલતમાં પડ્યો છે. ત્યારે આ ગામમાં ઘણા વર્ષોથી લોકોને પીવાના પાણી માટે રઝળપાટ કરવી પડે છે. તેને લઈ આ ગામમાં કોઈ છોકરીઓના લગ્ન કરવા માટે પણ તૈયાર થતું નથી. હાલ તો આ ગામના લોકો ગામ તળાવમાંથી વેરડા ખોદી દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે અને તે દૂષિત પાણીને ગાળીને લોકો તેનો ઘર ઉપયોગમાં લે છે અને તેમાંથી જે ગંદુ પાણી નીકળે તે પાણી પશુઓને પીવડાવે છે.
ગામના પૂર્વ સરપંચ રામજીભાઈ કહે છે કે, ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાને લઇ મુશ્કેલી વેઠી રહ્યા છે. ગામ દ્વારા તંત્રમાં અનેક રજૂઆતો કરી સ્થાનિક રાજકીય આગેવાનોને પણ રજુઆત કરી, પણ પાણી માટે કોઈ હલ નીકળ્યો નથી. ગામની 2000 હજારથી વધુની વસ્તી છે અને પશુઓની સંખ્યા પણ વધુ છે. જે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર ટળવળી રહ્યા છે. મજબૂરીમાં પાણી માટે ગામ તળાવમાં વેરડા ખોદી મહિલાઓ પાણી લેવા મજબુર બની છે.
હાલ ગામમાં સ્થિતિ એવી છે કે, હાલ ગામમાં અનેક ઘરોમાં પ્રસંગો લેવાયા છે, તમામ તૈયારીઓ થઇ ગઈ છે, પણ પાણીની સમસ્યાને લઇ લોકોમાં ભય છે કે પ્રસંગમાં લોકો આવે તો પાણી કેવી રીતે પૂરું પડવું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે