ગુજરાતની આ સરકારી શાળામાં ગમે ત્યારે આવી ચઢે છે દીપડો, ભયમાં ભણતું ગુજરાતમાં ભવિષ્ય
Leopard Fear In Government School : પંચમહાલમાં આવેલી એક શાળા જંગલને સાવ અડીને આવેલી છે, અહી દીપડાના સતત આંટાફેરા હોય છે, આવામાં જર્જરિત શાળાને કારણે વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે, જ્યાં ગમે ત્યારે દીપડો આવી શકે છે
Trending Photos
Panchmal News જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : ગુજરાતમાં જર્જરિત શાળાઓમાં બેસીને બાળકો અભ્યાસ કરતા હોય તે સામાન્ય વાત બની ગઈ છે.પરંતુ માસૂમો દીપડાના આંટાફેરા વચ્ચે ભણતા હોય એવું સાંભળ્યું છે.ગુજરાતના ક્યાં જિલ્લાના બાળકો દીપડાની દહેશત વચ્ચે ભણે છે, જોઈએ આ અહેવાલમાં..
- મોજરી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત
- ઓરડા જર્જરિત હોવાથી બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર
- જંગલ વિસ્તારમાં દીપડાની દહેશત વચ્ચે બાળકોનું ભણતર
- છેલ્લા દોઢ વર્ષથી નવીન ઓરડા ન બનતા હાલાકી
- વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે કરી રહ્યા છે અભ્યાસ
આપણે અત્યાર સુધી જર્જરિત શાળાઓ જોઈ, જ્યાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરતા હોય, પરંતુ આજે આપણે એક એવી શાળાની વાત કરીશું, જ્યાં શાળા તો જર્જરિત છે. પરંતુ શાળા નજીક દીપડાના પણ આંટાફેરા હોય છે.
જીહાં, જ્યાં માસૂમ ભુલકાઓ ભણી રહ્યા છે ત્યાં દીપડો પણ ક્યારેક આંટો મારવા આવી જાય છે. વાત છે પંચમહાલ જીલ્લાના મોરવા હડફમાં આવેલી મોજરી ગામની પ્રાથમિક શાળાની. આ શાળામાં 1થી 8 ધોરણ આવેલા છે, જ્યાં 250થી વધુ બાળકો અભ્યાસ માટે આવે છે. પરંતુ આ બાળકો દીપડાની દહેશત વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
મોજરી ગામ જંગલ વિસ્તારમાં નજીક આવેલું છે, અને તેમાં પણ આ ગામની પ્રાથમિક શાળા તો જંગલ વિસ્તારને અડીને જ બનેલી છે. જેથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેર રહેતા હોય છે. આમ તો પહેલા દીપડાની કોઈ દહેશત રહેતી નહોતી, કેમ કે બાળકો શાળાના ઓરડામાં બેસીને અભ્યાસ કરતા હતા. જેથી દીપડાનો કોઈ ડર રહેતો ન હતો. પરંતુ હવે આ શાળાના ઓરડાંઓ જર્જરિત બની જતાં બાળકોને અંદાજે દોઢ વર્ષથી ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. જેના કારણે ગમે ત્યારે દીપડા જેવા જંગલી જાનવરો માસૂમ બાળકો પર હુમલો કરી શકે છે.
- જંગલ નજીક જર્જરિત શાળા
- શાળામાં 250થી વધુ બાળકો ભણે છે
- શાળા પાસે દીપડાના આંટાફેરા
મોજરી પ્રાથમિક શાળાના અમુક ઓરડાં ઘણા સમયથી જર્જરિત હતા. જેથી દોઢ વર્ષ પહેલાં જર્જરિત ઓરડાઓને તોડી પાડવા આદેશ કરાયો હતો. જે બાદ શાળાના જર્જરિત ઓરડાઓ ડીસમેન્ટલ કરી દેવાયા છે. ઓરડાઓ તોડી પડાયા તેને અંદાજે દોઢ વર્ષથી વધુ સમય થવા જતાં આજદીન સુધી નવા ઓરડા બન્યા નથી... નવા ઓરડા ન બનતા બાળકોને ખાનગી મકાનમાં બેસાડાયા છે. પરંતુ અહીં પણ જંગલ વિસ્તારના ઝાડી ઝાંખરાઓ વધુ હોવાથી દીપડા ઉપરાંત ઝેરી જાનવરોનો ખતરો પણ બાળકો પર તોળાઈ રહ્યો છે.
મોજરી ગામના પ્રાથમિક શાળામાં આમ તો તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. શાળામાં કોમ્પ્યુટર લેબ છે અને સ્માર્ટ બોર્ડ પણ છે. પરંતુ ઓરડાઓ ન હોવાથી આ તમામ સુવિધાઓ નકામી બની ગઈ છે. દોઢ વર્ષ પહેલાં સરકાર દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરીને નવા વર્ગખંડ બનાવવાની કામગીરી કરાઈ હતી. પરંતુ આજદીન સુધી ઓરડાં ન બનતાં વાલીઓ દ્વારા વહેલી તકે શાળાના ઓરડા બનાવવા માગ કરાઈ છે.
જર્જરિત શાળાના ઓરડા બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા તો કરાઈ, પરંતુ સરકારી કામગીરીની આંટીઘુંટીમાં કામગીરી અટવાઈ જતાં આજે બાળકોના જીવ પર જોખમ ઉભુ થયુ છે. ત્યારે આશા રાખીએ કે સરકાર સુધી અમારો આ અહેવાલ પહોંચી જાય અને જલદીથી ઓરડાં બનાવી દેવામાં આવે, બાકી જ્યારે દીપડો હુમલો કરશે અને કોઈ માસૂમ બાળકનો જીવ જશે ત્યારે હંમેશાની જેમ મોડે મોડે સરકાર જાગવાની જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે