ગુજરાતના ઈતિહાસમાં પેટ્રોલ-ડીઝલમાં સૌથી મોટો ઘટાડો, જાણો સરકાર પર કેટલો બોજો વધશે
Trending Photos
- ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાને કારણે રાજ્ય સરકારની તિજોરી ઉપર દર મહિને 500 કરોડથી વધુનું નુકસાન જશે
- ગુજરાતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા ઘટાડા સાથે ગઈકાલ મધરાતથી વેચાણ શરૂ થયું
હિતલ પારેખ/ગાંધીનગર :પેટ્રોલ-ડીઝલના ભાવ (petrol diesel) માં ધરખમ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારે વેટ ઘટાડતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. એક તરફ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને રાજ્ય સરકારે 7 રૂપિયાનો ઘટાડો કરતા અમદાવાદમાં પેટ્રોલ (petrol price) 95 રૂપિયા 13 પૈસા થયું છે. તો ડીઝલ (diesel price) માં કેન્દ્ર સરકારે 10 રૂપિયા અને રાજ્ય સરકારે 7 રૂપિયાનો ઘટાડો કરતા ભાવ 89 રૂપિયા 12 પૈસા થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણયને શહેરીજનોએ આવકર્યો છે. સાથે જ લોકોની દિવાળી સારી જશે.
સરકારને 500 કરોડનું નુકસાન જશે
બીજી તરફ, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાને કારણે રાજ્ય સરકારની તિજોરી ઉપર દર મહિને 500 કરોડથી વધુનું નુકસાન જશે. નાણાં વિભાગના અગ્ર સચિવ જેપી ગુપ્તાએ ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કરવાને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે પણ તાત્કાલિક અસરથી વેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા ઘટાડા સાથે ગઈકાલ મધરાતથી વેચાણ શરૂ થયું છે. ગુજરાતના ઇતિહાસમાં પેટ્રોલ-ડીઝલ ઉપર આ સૌથી મોટો અત્યાર સુધીનો ઘટાડો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેટ 1/3 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સરકારના નિર્ણય પર કોંગ્રેસનો સવાલ
પેટ્રોલ - ડિઝલના ભાવ ઘટાડા અંગે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર વાર કર્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, પેટાચૂંટણીમાં જનતાએ ભાજપની નીતિથી ભાજપને પરાજય આપ્યો છે. પરાજય પારખીને ભાજપે ભાવ ઘટાડ્યા છે. હજુ સરકાર ટેક્સ ઘટાડી શકે તેમ છે. સરકાર પેટ્રોલ-ડીઝલને GST માં સામેલ કરે તો 50 રૂ. લીટર પેટ્રોલ-ડીઝલ મળે. લોકોને ભ્રમિત કરવા માટે થઈને મામૂલી ભાવ ઘટાડ્યા છે. 5 રાજ્યોની ચૂંટણી આવે છે એટલે આ ભાવ ઘટાડ્યા છે. વિશ્વના બજારમાં ક્રૂડનો ભાવ ઓછો હોવા છતાં ભાવ ઘટતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે