કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોત

Pneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...  

કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોત

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવએ કહેર મચાવ્યો છે. છેલ્લા 4 દિવસથી ન્યુમોનિયા તાવના લીધે 12 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના સદસ્યએ દાવો કર્યો છે અને ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન છે તેવા આક્ષેપો કર્યા છે. તો લખપતના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવ્યું. જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર પણ કરવામાં આવી છે.

લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા ચાર દિવસમાં ભેદી બીમારી બાદ પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેના બાદ સમાજ સહિત આખા તાલુકામાં ગમગીની છવાઇ જવા પામી છે. તાવ આવ્યા બાદ આ દર્દીઓનાં મૃત્યુ થયા છે તેવી વાત ચર્ચાઈ રહી છે. નાનકડા એવા ભેખડા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી.

મૃત્યુ પામનાર લોકોમાં 18 વર્ષીય જત શકુર મામદ, 20 વર્ષીય જુનુસ મામદ જત, 18 વર્ષના મુસ્તાક લુકમાન જત, 50 વર્ષના જત સુલેમાન લાણા તેમજ 7 વર્ષીય અમીનાબાઇ જતનો સમાવેશ થાય છે. ચાર લોકો ન્યુમોનિયા તાવ આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે. તેમજ સુલેમાન લાણા જતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની વાત ગ્રામજનોએ કરી હતી.

લખપત તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હુસેન રાયમાએ જણાવ્યું હતું કે તાવના દર્દીઓને પહેલાં સારવાર માટે વર્માનગર ખાતે ખાનગી દવાખાનામાં દાખલ કરાયો હતો. ત્યાં દર્દીઓને ફરક ન પડતાં દયાપર સી.એચ.સી.લઈ જવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ત્યાંથી ભુજની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી એક દર્દીને અમદાવાદ સુધી પણ સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું. દર્દીઓને કોઈ પણ સ્થળે તાવ ન મટતાં તેમનું મૃત્યુ થયું હતું.

જિલ્લા પંચાયતના સભ્ય મામદ જુંગ જતે જણાવ્યું હતું કે, આ બિમારીનું સચોટ નિદાન ડોક્ટરો કરી શક્યા નથી એવું લાગી રહ્યું છે. સવારે ભેખડા ગામની બાજુમાં આવેલા સાન્ધ્રો ગામે એક 12 વર્ષીય આધમ જાકીર હુસેન જતનું પણ મૃત્યુ થયું હતું. તે આધમ જતના દાદા ખેરૂ જત જે જત સમાજના પીઢ અગ્રણી છે. લોકોના મનમાં અને મુખે એક જ વાત છે કે આ તો કેવા પ્રકારનો તાવ છે જેની સારવાર ભુજ-અમદાવાદ સુધી ન થઈ. 

ઉલ્લેખનીય છે કે બીમારીમાં મૃત્યુ પામનાર દર્દીઓને તાવ, શરદી, કફ, ન્યુમોનિયાની સાથે યુવાન દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઇ હતી. જેથી શ્વાસોશ્વાસમાં તકલીફ પડી હતી અને ફેફસાં-લીવર સહિતને નુકસાન થતાં દર્દીઓ મોતને ભેટયા છે. બીજું બાજુ લખપત તાલુકામાં તાવના કેસો વચ્ચે તાલુકાના મેડી ગામે તાવનાં દર્દી જત અબ્દુલા સિધિકનું મૃત્યુ થયું હતું. તેમજ મોરગરવાંઢના 48 વર્ષીય મુકિમ હિયાત જતનું બે દિવસ તાવ આવતાં મોત થયું હતું. આમ જત સમાજના એકસાથે તાવ જેવી બિમારીથી આઠ વ્યક્તિનાં મોત થયા છે. તાલુકામાં આરોગ્ય વિભાગ ક્યા પ્રકારનો તાવ દર્દીઓને હતો તેની માહિતી આપી શકતો નથી. 

આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી ન્યુમોનિયાના કારણે આ મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું નથી અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે કે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવી શકે કે મૃત્યુ પામનાર લોકોના મૃત્યુ ન્યુમોનિયાના કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર.હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news