રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન
  • આવતીકાલે સાંજે સ્પેશિયલ ચાર્ટર પ્લેનથી બંને ટીમના ખેલાડીઓ અમદાવાદ પહોંચી જશે
  • ભારત vs ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની ટિકિટનું ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ વેચાણ કરાશે

અતુલ તિવારી/અમદાવાદ :દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે. ઉદઘાટન બાદ પહેલીવાર મોટેરા સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મેચ રમાશે. ઉદ્ધાટન સમયે BCCI અને GCAના હોદ્દેદારો હાજર રહેવાના છે. જે માટે આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદ પહોંચી જશે અને 21 માર્ચ સુધી ભારત અને ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ અમદાવાદમાં રોકાશે. જે માટે આજથી જ સ્ટેડિયમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 24 ફ્રેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ બાદ ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાનાર છે. જે માટે મેચની ટિકિટનું ઑનલાઈન બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. તો 20 ફેબ્રુઆરીથી મોટેરા સ્ટેડિયમની બોક્સ ઓફિસથી ટિકિટનું ઓફલાઈન વેચાણ પણ શરૂ થઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવશે. તેઓ 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કોન્વોકેશનમાં હાજરી આપશે. તો 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. 

19 ફેબ્રુઆરીથી પ્લેયર મેચ રમશે 
આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં આગમન થશે. આવતીકાલે સાંજે સ્પેશિયલ ચાર્ટર પ્લેનથી બંને ટીમના ખેલાડીઓ અમદાવાદ પહોંચી જશે. 21 માર્ચ સુધી ભારત અને ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ અહી જ રોકાશે. તો આ માટે 19 ફેબ્રુઆરીથી બંને ટીમના ખેલાડી પ્રેક્ટિસ શરૂ કરશે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત હોટેલમાં તમામ પ્લેયર્સ રોકાશે. 24 ફ્રેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ બાદ ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં રમાશે. બે ટેસ્ટ મેચ બાદ 5 T20 મેચનું પણ અમદાવાદના મોટેરા ક્રિકેટ મેદાનમાં રમાશે. 12, 14, 16, 18 અને 20 માર્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20 મેચનું  આયોજન કરાયું છે. 

ઓફલાઈન ટિકિટ મળશે 
તો ભારત vs ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની ટિકિટનું ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ વેચાણ કરાશે. 24 ફેબ્રુઆરીથી શરૂ થતી પિંક બોલ-ડે નાઈટ ત્રીજી ટેસ્ટ મેચની ટિકિટ મોટેરા સ્ટેડિયમ ખાતેથી પણ મળી રહેશે. 20 ફેબ્રુઆરીથી મોટેરા સ્ટેડિયમની બોક્સ ઓફિસેથી ટિકિટનું ઓફલાઈન વેચાણ કરાશે. જ્યાં સુધી ટિકિટ હશે ત્યાં સુધી અથવા મેચના આગલા દિવસ એટલે કે 23 ફેબ્રુઆરી સુધી ઓફલાઈન ટિકિટનું વેચાણ થનારું છે. જોકે, આ બાબતની ખાસ નોંધ લેવી પડશે કે, મેચના દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીએ ટિકિટનું વેચાણ મોટેરા સ્ટેડિયમ ખાતે નહિ કરવામાં આવે. 24 ફેબ્રુઆરીએ ટિકિટ બાકી રહી હશે તો નવરંગપુરા સ્ટેડિયમ કમ્પાઉન્ડ ખાતેથી ટિકિટનું વેચાણ કરાશે. 

વાહન પાર્કિંગ માટે પણ ટિકિટ લેવી પડશે 
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેક્ષકોએ મેચની ટિકિટ ઑનલાઈન બુક કરાવવી પડશે. સાથે જ પાર્કિંગનો સ્લોટ પણ ઑનલાઈ બુક કરાવવો પડશે. એપના માધ્યમથી પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ટુ વ્હીલર માટે 30 રૂપિયા જ્યારે કાર માટે 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ રાખવામાં આવ્યો છે. પાર્કિંગ માટે 27 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જો અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હશે તો વાહન ટૉ કરવામાં આવશે. મેચને ધ્યાનમાં રાખીને ખાસ બેઠક કરવામાં આવી. જેમાં થયેલી ચર્ચા પ્રમાણે, મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ ઉપર, દરેક પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગની સ્ટેડિયમ સુધીના રસ્તા ઉપર ટ્રાફિક પોલીસના 1155 અધિકારી - કર્મચારી તૈનાત રહેશે. મેચ જોવા માટે ખાનગી વાહનમાં આવતા પ્રેક્ષકોએ ટિકિટની જેમ જ ફરજિયાત પાર્કિંગ પણ ઓનલાઈન બુક કરાવવું પડશે. ઓન લાઈન પાર્કિંગ બુક નહીં કરાવનારને પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવા દેવામાં આવશે નહિ. જ્યારે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં રોડ ઉપર ટ્રાફિકને અડચણરુપ રીતે જો કોઈ પણ વાહન પાર્ક કરેલું હશે તો ટ્રાફિક પોલીસ તે વાહન ટો કરી લેશે.

વરરાજાને લઈને ભાગી ઘોડી, જાનૈયા વચ્ચે થયેલી ફજેતીનો વીડિયો થયો વાયરલ

મોટેરા સ્ટેડિયમની સફર વિશે...
ગુજરાત ક્રિકેટ એસોસીએશન (GCA) દ્વારા અમદાવાદના મોટેરામાં તૈયાર કરાયેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વર્ષ 2014માં GCAના પ્રેસિડેન્ટ તરીકે અને મુખ્યમંત્રી તરીકે તેમણે વિચાર મૂક્યો હતો કે 25 વર્ષ જૂનું મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણપણે તોડીને તેની જગ્યાએ નવું સ્ટેડિયમ બનાવીએ. જે શ્રેષ્ઠતમ સુવિધાઓ સાથે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોય. ત્યારબાદ, GCAના પ્રમુખ તરીકે તેમના અનુગામી અને હાલમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિશાળ પ્રોજેક્ટની ધૂરા સંભાળી અને GCAના ભૂતપૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને BCCIના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તથા GCAના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી જય શાહે સંપૂર્ણ સહયોગ સાંપડ્યો. સપ્ટેમ્બર 28, 2019ના રોજ GCAનું નેતૃત્વ સંભાળવા માટે ઉપાધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની આગેવાનીમાં ટીમ ચુંટાઈ અને આ ટીમે મોટેરા સ્ટેડિયમને આખરી ઓપ આપ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news