રાજકોટઃ નામાંકીત ડોક્ટર દંપત્તિના પુત્રના અપહરણના પ્રયાસનો ભેદ ઉકેલાયો, પાંચની ધરપકડ

રાજકોટમાં ગત 14 જૂનના રોજ નિર્મલા રોડ નજીક નાગરિક બેક સહકારી સોસાયટીમાં ડોકટર દંપતીના પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજકોટઃ નામાંકીત ડોક્ટર દંપત્તિના પુત્રના અપહરણના પ્રયાસનો ભેદ ઉકેલાયો, પાંચની ધરપકડ

ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટનાં નિર્મલા રોડ પર બે દિવસ પહેલા નામાંકીત ડોકટર દંપતીના પુત્રના અપહરણના પ્રયાસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢયો છે. અપહરણમાં 7 શખ્સોની સંડોવણી ખુલતા પાંચ શખ્સોની ધરપકડ કરી છે. અપહરણનો પ્રયાસ કરનાર માસ્ટર માઈન્ડ અન્ય કોઈ નહિ પરંતુ ડોકટર દંપતિના જ પરીવારનો જાણભેદુ હોવાનું સામે આવ્યું છે. 

દંપતિ પુત્રના આપહરણનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટમાં ગત 14 જૂનના રોજ નિર્મલા રોડ નજીક નાગરિક બેક સહકારી સોસાયટીમાં ડોકટર દંપતીના પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રીના સવા નવ વાગ્યે ડો. જીજ્ઞેશ ખંધેડીયાનો ધોરણ-11માં ભણતાં 16 વર્ષના પુત્રને તમારૂ કુરિયર આવ્યું છે તેવો કોલ અપહરણકર્તાઓએ કર્યો હતો. તબીબ પુત્ર બહાર નીકળતા જ તેને ઈકો કારમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તબીબ પુત્રએ પ્રતિકાર કરતા અપહરણકારો કાર લઇ ત્યાંથી નાશી છૂટ્યો હતા. જે બાદ આશરે દોઢ કલાક બાદ તબીબને જાનથી મારીનાખવાની ધમકી અને રૂ.80 લાખ આપવાનો અપહરણકારોએ કોલ કર્યો હતો.

સમગ્ર મામલે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, sog સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા ડોકટર જીજ્ઞેશના ભાઈ મુકેશને ત્યાં એપ્રિટન્સ તરીકે કામ કરતાં કેવલ સહિત સાત શખ્સોની અપહરણના પ્રયાસમાં સંડોવણી ખુલી હતી. જેથી પોલીસે આરોપીઓ ભાગી જાય તે પૂર્વે જ અપહરણ કરવાનું પ્લાનિંગ કરનાર કેવલ સંચાણીયા, ઇકો કારમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સંજય કાંતિભાઈ ઠાકોર, ઇકો અને સીમકાર્ડની વ્યવસ્થા કરી આપનાર સુરેશ બચુજીભાઈ ઠાકોર, સીમકાર્ડ આપનાર ચિરાગ ઠાકોર, તેમજ ઇકો કારના માલિક તથા ડ્રાઈવર સંજય મનજી ઠાકોરની ધરપકડ કરી હતી. હાલ જયપાલસિંહ રાઠોડ, સુરેશની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલિસના જણાવ્યા પ્રમાણે આરોપી કેવલ ડો. જીજ્ઞેશના ભાઈ મુકેશને ત્યાં એપ્રિટન્સ તરીકે કામ કરતો હતો. જેથી તે ડો. જીજ્ઞેશથી વાકેફ હતો. કેવલને રૂપિયાની જરૂર હોય જેથી તે છેલ્લા આઠ મહિનાથી અપહરણનો પ્લાન ઘડતો હતો. આરોપી કેવલે અપહરણ માટે તેના મિત્ર સંજય ડાભીને ટિપ્સ આપી હતી. બાદમાં સંજયે તેના મિત્ર જયપાલ રાઠોડને આ અંગે વાત કરી મિત્ર સુરેશ ઠાકોર પાસે બોગસ સીમકાર્ડ મંગાવ્યા હતા. પકડાયેલ આરોપીઓનો કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ પોલીસને હજી જાણવા મળ્યો નથી. 

ત્યારે સમગ્ર મામલે પોલીસે અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હાલ તો પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણનો પ્રયાસ કરનાર પાંચ શખ્સોની ધરપકડ કરી અન્ય બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે. જો કે રાત્રીના નવ વાગ્યા અરસામા જ આ પ્રકારની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ પર તેમજ લોકોની સુરક્ષા પર સવાલો ઉભા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news