ઈતિહાસમાં પહેલીવાર આરોપીના પરિવારે પોલીસને કહ્યું, અમારા પરિવારના સભ્યને તમે પકડીને સામે લાવો

Rajkot fire latest update : TRP ગેમિંગ ઝોનનો સંચાલક પ્રકાશ કનૈયાલાલ હીરણનો આગની ઘટના બાદથી કોઈ અત્તોપત્તો નથી, તેના પરિવારે કહ્યું કે, તેઓ આગકાંડમાં મર્યા હોઈ શકે છે, CCTVમાં દેખાતો આરોપી પ્રકાશ હીરણ આગમાં જીવતો ભુંજાઈ ગયો કે ગાયબ થઈ ગયો

ઈતિહાસમાં પહેલીવાર આરોપીના પરિવારે પોલીસને કહ્યું, અમારા પરિવારના સભ્યને તમે પકડીને સામે લાવો

Rajkot News : ઈતિહાસમાં પહેલીવાર આરોપીના પરિવારે પોલીસને સામે ચાલીને એવી રજૂઆત કરી છે કે અમારા પરિવારના સભ્યને તમે પકડીને સામે લાવો. જી હા,,, આ અજીબોગરીબ ફરિયાદથી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના TRP ગેમિંગ ઝોનનો સંચાલક પ્રકાશ કનૈયાલાલ હીરણ ઘરે ન આવ્યો હોવાનો તેના પરિવારે દાવો કર્યો છે અને ત્યાં સુધી કહ્યું કે તેમને આશંકા છે કે તે ખુદ પણ આગકાંડમાં હોમાઈ ગયો છે. CCTVમાં પણ પ્રકાશ હીરણ દેખાઈ રહ્યો છે પરંતુ તેના પછી તે ઘરે પાછો આવ્યો નથી અને ના તો પોલીસે તેને પકડ્યો છે. તો પછી પ્રકાશ હીરણ ક્યાં ગયો? શું તેને આભ ગળી ગયું કે આગ ગળી ગઈ? CCTVમાં દેખાતો આરોપી પ્રકાશ હીરણ આગમાં જીવતો ભુંજાઈ ગયો કે ગાયબ થઈ ગયો છે. ક્યાંથી પ્રકાશ હીરણ? આરોપી પ્રકાશ હીરણના પરિવારજનોને આશંકા છે કે પ્રકાશ હીરણ સળગી ગયો હોઈ શકે છે. આરોપીની ગાડી પણ ગેમિંગ ઝોન પાસે પાર્ક કરેલી પડી છે. 

પ્રકાશ હીરણ ઉર્ફે પ્રકાશ જૈન TRP ગેમ ઝોનમાં 60 ટકા ભાગીદારી છે
રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડના કેસમાં પ્રકાશ જૈનનો મુદ્દો પેચીદો બન્યો છે. ZEE 24 કલાકની ટીમ આરોપી પ્રકાશ હીરણ ઉર્ફે પ્રકાશ જૈનના ઘરે પહોંચી હતી. પ્રકાશ જૈન કાલાવડ રોડ પર પોષ વિસ્તારમાં આવેલ પ્રદ્યુમન રોયલ હાઇટ્સ બિલ્ડીંગમાં રહે છે. તે A-803માં ફ્લેટમાં રહે છે, જે હાલ બંધ હાલતમાં છે. તેની પત્ની ફરવા માટે બહાર ગઈ હોવાનું સામે આવ્યું છે. પ્રકાશ હીરણ ઉર્ફે પ્રકાશ જૈન TRP ગેમ ઝોનમાં 60 ટકા ભાગીદારી છે. આરોપી પ્રકાશ કનૈયાલાલ હીરણના ભાઈએ અરજી કરી કે, બે દિવસથી તેના ભાઈ પ્રકાશ હીરણનો સંપર્ક થતો ન હોવાથી આગકાંડમાં મોત થયું હોવાની શંકા છે. તેથી તેણે DNA કરવાની માંગ કરી છે. 

ગેમઝોનના CCTV અને લાઈવ વીડિયોમાં પ્રકાશ હીરણ દેખાતો હોવાનો દાવો કરાયો
તો બીજી તરફ, પ્રકાશ હીરણની કાર TRP ગેમ ઝોન બહાર હોવાનું સીટીવીમાં સામે આવ્યું છે. CCTV અને લાઈવ વીડિયોમાં પ્રકાશ હીરણ દેખાતો હોવાનો દાવો કરાયો છે. ત્યારે શું ખુદ આરોપી પ્રકાશ હીરણ આગમાં જીવતો ભૂંજાઈ ગયો? કે તે ક્યાંક ગાયબ થઈ ગયો છે. હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર નજર છે. 

રાજકોટ પોલીસે આગકાંડમાં નોંધેલી FIR સામે સૌથી મોટો સવાલ
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોશિયેશનના પ્રેસિડેન્ટ બ્રિજેશ ત્રિવેદીએ રાજકોટ આગકાંડની FIRને  બોગસ ગણાવી છે. હાઈકોર્ટના એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ રાજકોટ પોલીસે નોંધેલી FIR સામે જ ગંભીર સવાલ ઉઠાવ્યો છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના  PSI પી.બી. ત્રાજિયા ફરિયાદી બન્યા પણ સહીમાં બીજાનું નામ હોવાનો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોશિયેશનના પ્રેસિડેન્ટ બ્રિજેશ ત્રિવેદીએ દાવો કર્યો છે. આખરે કેવી રીતે આગકાંડની FIRમાં ફરિયાદીનું નામ જ બદલાઈ ગયું? હાઈકોર્ટના એડવોકેટનો પોલીસને આ વેધક સવાલ છે કે આખરે આગકાંડની FIRમાં ફરિયાદીનું નામ અલગ અને સહી કરવાની જગ્યાએ બીજાનું નામ એ કેવી રીતે શક્ય બને? શું ફરિયાદને નબળી પાડવા માટે આવું કરવામાં આવ્યું છે તેવો પણ એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ સવાલ ઉઠાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news