રાજકોટમાં લગ્ન સહાયના નામે નવદંપતિઓ સાથે થઈ ગયો મોટો 'દાવ', આ સંસ્થાએ ફેરવ્યું કરોડોનું ફૂલેકું

પોલીસનાં કહેવા મુજબ, જેનાં લગ્ન થવાનાં હોય તેવા વર-કન્યાનાં ફોર્મ ભરી 25-25 હજાર ઉધરાવીને 6 મહિના પછી 1 લાખ આપવાનું વચન આપી છેતરપિંડી કરી હોવાનું ખુલતા 8 શખ્સો સામે ફરીયાદ નોંધી મુખ્યસુત્રધાર સંચાલક અને તેની પત્નીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં લગ્ન સહાયના નામે નવદંપતિઓ સાથે થઈ ગયો મોટો 'દાવ', આ સંસ્થાએ ફેરવ્યું કરોડોનું ફૂલેકું

ગૌરવ દવે/રાજકોટ: લગ્ન સહાયનાં નામે નવદંપતિ સાથે છેતરપિંડી કરનાર ફ્રેન્ડ ફાઉન્ડેશનનાં સંચાલક અને તેની પત્નીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિત અલગ અલગ શહેરોમાં બ્રાન્ચ ખોલીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

પોલીસનાં કહેવા મુજબ, જેનાં લગ્ન થવાનાં હોય તેવા વર-કન્યાનાં ફોર્મ ભરી 25-25 હજાર ઉધરાવીને 6 મહિના પછી 1 લાખ આપવાનું વચન આપી છેતરપિંડી કરી હોવાનું ખુલતા 8 શખ્સો સામે ફરીયાદ નોંધી મુખ્યસુત્રધાર સંચાલક અને તેની પત્નીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

રાજકોટ પોલીસે ધરપકડ કરેલા શખસનું નામ  હરેશ ડોબરીયા અને પ્રફુલા ડોબરીયા છે. આ બન્ને સબંધે પતિ-પત્ની છે પરંતુ તેને અનેક નવદંપતિઓને શીશામાં ઉતારી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો, થોડા દિવસો પહેલા રાજકોટનાં અલગ અલગ નવદંપતિઓ દ્વારા પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢની રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનનાં સંચાલક હરેશ ડોબરીયા અને તેની ટીમ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. 

પોલીસ કમિશ્નરે આ કેસની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લગ્ન સહાય યોજના આપવાના બહાને રાજકોટ સહિત રાજ્યભરમાં હજારો અરજદારો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનનાં સંચાલક સહિત 8 શખ્સો સામે ફરીયાદ નોંધી હતી. 

પોલીસનાં કહેવા મુજબ, ગોંડલના દેવચડી ગામમાં રહેતા અને રાજકોટમાં વાવડી વિસ્તારમાં જે.વી.પ્રોડક્ટ નામથી કીચનવેરની આઇટમ બનાવીને ઓનલાઇન વેચાણ કરતા જયદીપ ચંદુભાઈઈ ઘોણીયાએ રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના સ્થાપક, સંલાલક સહિતના હોદ્દેદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે આરોપી હરેશ ડોબરીયા અને તેની પત્ની પ્રફુલા ડોબરીયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 6 જેટલા ફરાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

પોલીસનાં કહેવા મુજબ, લગ્ન સહાયની યોજનામાં ૨૫ હજારનું રોકાણ કરનારને લગ્ન પછી રૂપિયા ૧ લાખની સહાય આપવામાં આવશે તેવી સ્કીમ હરેશ ડોબરીયાએ બહાર પાડી હતી. આ સંસ્થાની એક બ્રાન્ચ રાજકોટમાં મોરબી રોડ, જામનગર, જૂનાગઢ સહિતનાં અલગ અલગ જીલ્લાઓમાં નવદંપતિઓને સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. 

જેની તપાસ કરતા તેને 72 જેટલા દંપતિને રૂપીયા આપ્યા પછી કોઇ પણ દંપતિને રૂપીયા આપ્યા ન હોવાનું સામેઆવ્યું છે. પોલીસ તપાસમાં નવદંપતિ રજીસ્ટ્રેશન કરાવવા જતા ત્યારે 25-25 હજાર રૂપીયા લેવામાં આવતા હતા ત્યારબાદ લગ્નનાં 6 મહિના બાદ 1 લાખ આપવાની લાલચ આપવામાં આવતી હતી. જેમાં અનેક નવદંપતિ આ હરેશ ડોબરીયાની જાળમાં ફસાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

હરેશ ડોબરીયા દ્વારા 2018માં આ સ્કિમ જાહેર કરી હતી. જેમાં રાજકોટનાં 1 હજાર કરતા વધું નવદંપતિએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આવી રીતે રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી સહિત અનેક શહેરોમાં રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનની ઓફિસો ખોલીને નવદંપતિઓને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આ ટ્રસ્ટનાં અન્ય 6 જેટલા ફરાર હોદ્દેદારોની શોધખોળ કરી રહી છે. પોલીસ તપાસમાં આ રાજ્યવ્યાપી કૌંભાડ આચર્યું હોવાનું ખુલ્યું છે. ત્યારે આરોપી હરેશ ડોબરીયા અને તેની પત્ની પ્રફુલા ડોબરીયા આ કૌંભાડમાં કેટલા નવા ખુલ્લાસાઓ કરે છે તે જોવું રહ્યું..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news