આ રીતે પકડાયા સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ, કચ્છ-મુંબઈ પોલીસની ટીમ દોઢ કિમી ચાલી

Salman Khan House Firing : મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને આરોપીની કચ્છના પ્રખ્યાત માતાના મઢથી ધરપકડ, કચ્છ એલસીબીની ટીમ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું 

આ રીતે પકડાયા સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ, કચ્છ-મુંબઈ પોલીસની ટીમ દોઢ કિમી ચાલી

Firing On Salman House: મુંબઈમાં બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સો ગુજરાતમાં આવી ચઢ્યા હતા. બે શૂટર્સ કચ્છના પ્રખ્યાત માતાના મઢમાં આવીને છુપાયા હતા. ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિલધડક ઓપરેશન પાર પાડીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. માતાના મઢમાં આરોપીઓને પકડવા કોઈ ફિલ્મનો સીન ચાલી રહ્યો હોય તેવો નજારો બની રહ્યો હતો. દોઢ કિમી ચાલી અધિકારીઓએ ઓપરેશન પાર પાડ્યું હતું. એક ટીમે આરોપીઓને વાતોએ ચડાવ્યા, ને બીજીએ પાછળથી દબોચી લીધા હતા. 

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા કચ્છથી ઝડપાયાં 
સલમાન ખાનનાં ઘર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સો કચ્છમાથી પકડાતા ચકચાર મચી જવા પામી છે. લખપત તાલુકાના માતાનામઢ વિસ્તારમાંથી લોરેન્સ બિસનોઈ ગેંગના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા હતા. પશ્વિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસે સયુંકત રીતે બન્ને આરોપીને પકડી પાડ્યા હતા. આ ઓપરેશનમાં બિહારના 24 વર્ષીય વિકી ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલ નામના બને આરોપીએ ઝડપાયા છે. 

આરોપીઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા
આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના ડીઆઇજી મહેન્દ્ર બગડીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સલમાન ખાનના ઘર પર મુંબઈમાં ફાયરીંગ કરી બે શખ્સો નાસી આવી પશ્ચિમ કચ્છમા માતાના મઢ બાજુ આવ્યા છે એવી માહિતી મળતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા અન્ય પોલીસ ટુકડી દ્વારા સયુંકત રીતે થઈ બન્ને આરોપીને ઝડપી લીધા હતા. 

કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન
આરોપીઓ કચ્છમાં હોવાની લીડ મળતા જ આરોપીઓનો ફોન ટ્રેસ કરવાની શરૂઆત કરાઈ હતી. બંને આરોપીઓ બપોરે ભૂજથી નીકળીને 2.14 કલાકે માનકુવા હોવાનું ટ્રેસ થયું હતુ. બંનેને પકડવા પોલીસ સિવિલ ડ્રેસમાં આવી હતી. તેના બાદથી આરોપીઓના લોકેશન સતત બદલાતા રહ્યા હતા. બપોરે 3 વાગ્યે લોકેશન લખપત ધોરીમાર્ગ પરના નખત્રાણામાં ટ્રેસ થયું હતું. તેના બાદ સાંજે 8 વાગ્યા સુધી બંને સતત ફરતા રહેતા હતા. આખરે આરોપીઓ માતાના મઢ પહોંચ્યા હોવાની બાતમી મળી હતી. અહીથી પોલીસનું કામ શરૂ થયું હતું. 

કચ્છ અને મુંબઈની ટીમ માતાના મઢના મુખ્ય હાઈવે પર પહોંચી હતી. ચૈત્ર નવરાત્રિની આઠમ હોવાથી માતાના મઢમાં હવન અને ધાર્મિક કાર્યક્રમો ચાલુ હતા. આવામાં કોઈ ભાગદોડ ન થાય તે માટે પોલીસે પ્લાન બનાવ્ય હતો. પોલીસે જોયું કે, બંને આરોપીઓ માતાના મઢમાં આરામ કરી રહ્યા હતા. તેથી કોઈને શંકા ન જાય તે રીતે કચ્છ એલસીબીની ટીમ હાઈવેથી દોઢ કિલોમીટર મુંબઈના અધિકારીઓ સાથે પગપાળા સંઘની જેમ ચાલતા મંદિરે પહોંચ્યા હતા. આ બાદ બંને આરોપીઓ મંદિરમાં સ્પોટ થયા હતા. બંને એ જ આરોપી છે તે ચેક કરવા માટે ટીમના એક વ્યક્તિએ તેમની પાસે જઈને તેઓને વાતચીતમાં મશગૂલ કર્યા હતા, અને વાતવાતમાં ખરાઈ કરી હતી. બાદામં પાછળથી અન્ય ટીમે આવીને તેમને પકડી લીધા હતા. 

પશ્ચિમ કચ્છના ડીવાયએસપી એ.આર. ઝનકાટે માહિતી આપતા જણાવ્યુ કે, કચ્છ એલસીબીની ટીમ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ભુજમાં પહોંચીને માતાના મઢ સુધી પહોંચવાનો સિલસિલો ટકોરબંધ હતો. શાતિર આરોપીઓને પકડતા સમયે કોઈ બૂમાબૂમ હોહા ન થાય તેનુ ખાસ ધ્યાન રખાયુ હતું. સાથે જ મંદિરમાં પણ ભયનો માહોલ પેદા ન થાય તેનું પણ ધ્યાન રખાયું હતું. જોકે, આરોપીઓ પાસેથી કોઈ હથિયાર મળ્યા ન હતા.

બંનેને મુંબઈ લઈ જવાયા
વધુ તપાસ માટે આરોપીઓને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે અને મુંબઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓને ભુજથી સવારે 8:55ની ફ્લાઈટ દ્વારા મુંબઈ લઈ જવાયા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બંને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 307, 34  તથા આર્મ એક્ટ કલમ 25(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news