પેટ્રોલ-ડીઝલ કે લાઈટ નહીં, હવે 'હવા' થી ચાલશે વાહનો! ગુજરાતમાં એક જ નવો જ અવિષ્કાર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી સત્યેન પાઠકે પોતાની એક ટેકનોલોજી માટે પેટન્ટ મેળવ્યું છે. જેનાથી હવે પવનથી ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ થઈ શકશે. ટુ વ્હીલરથી લઈ ફોરવ્હીલર અને હેવી લોડેડ વ્હીકલ સહિત ટ્રેનમાં આ ખાસ ઇન્વર્ટર આધારિત ટેકનોલોજીથી વાહનો ચાર્જ કરી શકાય છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: આવનાર દિવસોમાં રેલવેના જનરલ કોચમાં ખાસ વ્યવસ્થાના કારણે એસી અને હીટર જેવી વ્યવસ્થા લોકોને વગર કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપીને મળી શકે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી સત્યેન પાઠકે પોતાની એક ટેકનોલોજી માટે પેટન્ટ મેળવ્યું છે. જેનાથી હવે પવનથી ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ થઈ શકશે. ટુ વ્હીલરથી લઈ ફોરવ્હીલર અને હેવી લોડેડ વ્હીકલ સહિત ટ્રેનમાં આ ખાસ ઇન્વર્ટર આધારિત ટેકનોલોજીથી વાહનો ચાર્જ કરી શકાય છે.
વિશ્વના નિષ્ણાંતો ઇંધણ અને કોલસા જેવી બાબતોને લઈ હંમેશાથી ચિંતા વ્યક્ત કરતા આવ્યા છે. કોલસા અને ઇંધણના સતત વધી રહેલા ઉપયોગ અને અછતની સમસ્યા ભવિષ્યમાં જોવા મળી શકે છે. તેવી ધારણા પણ નિષ્ણાંતો વ્યક્ત કરી ચૂક્યા છે, ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થી સત્યેનકુમાર પાઠકે સંશોધન કરી પોતાના નામથી બે એવા પેટન્ટ સર્ટિફિકેટ મેળવ્યુ છે જે આવનાર દિવસોમાં આ સમસ્યાના વિકલ્પ તરીકે સફળ થઈ શકે છે.
તેઓએ ઇન્વર્ટર આધારિત ટેક્નિકથી ઇલેક્ટ્રિક વાહન ચાર્જ થાય તેવી ખાસ ડિઝાઇન તૈયાર કરી છે. સત્યેન પાઠક ઇન્વર્ટર આધારિત તકનીકથી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલી શકે એવું અનોખું સંશોધન કર્યું છે. પાઠકે આવિષ્કાર કરવાની સાથે જ તેની પેટન્ટ પણ મેળવી છે. એમની પેટન્ટનું નામ ’ઇન્વર્ટર બેઝ ટેક્નોલોજી ફોર ઇ લેક્ટ્રિકલ વ્હીકલ બાઇ રિન્યૂએબલ એનર્જી‘ આપવામાં આવ્યું છે અને આ તેમની બીજી પેટન્ટ છે. યુનિવર્સિટીના માસ્ટર ઓફ એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થી સત્યેનકુમાર પાઠકે પોતાના નામથી પેટન્ટ સર્ટિફિકેટ મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
ઘણા વર્ષોની જહેમત બાદ થયેલા સંશોધન અંગે સત્યેન પાઠકે જણાવ્યું હતું કે, આ તકનીક થકી ઇલેક્ટ્રીસિટીના સહારે ચાલતા વિવિધ વાહનો જેમ કે દ્વિચક્રી, ચાર ચિક્ર વાહન અને બસ,રેલવે જેવા મોટા વાહનોમાં ખાસ વિન્ડ ટર્બાઇનની ડિઝાઇન કરેલી સિસ્ટમ મૂકવામાં આવશે. તેને આધારે સતત ઊર્જાનો સંગ્રહ કરાશે અને ઇન્વર્ટર આધારિત ટેક્નોલોજી દ્વારા વાહનને સંચાલિત રાખવા માટે ઊર્જા મળતી રહેશે. આ તકનીકને કારણે વાહનને વારંવાર ચાર્જ કરવાની જરૂર પડશે નહીં. એટલું જ નહીં. આ સિસ્ટમને એવી રીતે ઇન્સ્ટોલ કરાશે કે કોઇ પણ ઋતુ અને પરિસ્થિતિમાં વાહન ઊભું રહ્યું હોય ત્યારે પણ પુનઃ પ્રાપ્ય ઊર્જા સતત મળતી રહેશે. તેનાથી ઇન્વર્ટર ચાર્જ થતું રહેશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ઇંધણ, કોલસાની અછતની સમસ્યા અંગેની ચર્ચાઓ ચાલતી હોય છે ત્યારે આ પેટન્ટ ઉપયોગી સાબિત થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના યુવાનો, સંશોધનકર્તાઓને પ્રોત્સાહન મળે એ હેતુથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેલ શરૂ કરાયું છે. આ સેલમાં વિવિધ ક્ષેત્રમાં થઇ રહેલા અવનવા સંશોધનો નોંધાઇ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે