કોરોના મહામારીમાં પણ નથી જપતા કૌભાંડીઓ, આવી વસ્તુઓ પણ બોગસ નિકળી શકે?

કૌભાંડીઓનો તો જાણે કોરોના મહામારીમાં પણ રાફડો ફાટેલો નીકળ્યો છે. વલસાડ જિલ્લા એલસીબીએ વાહનોની બોગસ આરસી બુક કાઢી આપવાનું આવું જ મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે કૌભાંડ આચરતી બાપ-બેટાંની જોડીને ઝડપી જેલની હવા ખવડાવી છે. કેવી રીતે આ જોડી આચરતી હતી કૌભાંડ.

Updated By: May 14, 2021, 11:56 PM IST
કોરોના મહામારીમાં પણ નથી જપતા કૌભાંડીઓ, આવી વસ્તુઓ પણ બોગસ નિકળી શકે?

વલસાડ : કૌભાંડીઓનો તો જાણે કોરોના મહામારીમાં પણ રાફડો ફાટેલો નીકળ્યો છે. વલસાડ જિલ્લા એલસીબીએ વાહનોની બોગસ આરસી બુક કાઢી આપવાનું આવું જ મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે કૌભાંડ આચરતી બાપ-બેટાંની જોડીને ઝડપી જેલની હવા ખવડાવી છે. કેવી રીતે આ જોડી આચરતી હતી કૌભાંડ.

વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી વાહનોની ખોવાઈ ગયેલી કે ચોરી થયેલી આરસી બુક કાયદાકીય રીતે કાઢી આપવાના બદલે બોગસ આરસી બુક કાઢી આપવાનું ધ્યાને આવ્યું હતું. વલસાડ જિલ્લા એલસીબીની ટીમે જીઆઈડીસી ચારરસ્તા નજીકની ડ્રાઈવિંગ સ્કૂલમાં રેડ પાડતાં આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે સ્થળ પર બોગસ આરસી બુક કાઢી દેનારી બાપ-બેટાની જોડીને ઝડપી પાડી હતી.

ડુપ્લિકેટ કોપીની જગ્યાએ નકલી RC બુક પધરાવતાં
આ બાપ-બેટાની જોડી વાપી જીઆઈડીસી ચાર રસ્તા પર આવેલા પંચરત્ન કોમ્પલેક્સમાં પટેલ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ નામથી છેલ્લા અઢી વર્ષથી ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવતી હતી. કોઈની આરસી બુક ખોવાઈ ગઈ હોય અથવા તો ચોરી થઈ ગઈ હોય તેવા લોકોને પહેલાં શિકાર બનાવતા હતાં. આ જોડી વાહનધારકને ગુમ થયેલી આરસી બુકની ડુપ્લિકેટ કોપીની જગ્યાએ નકલી કોપી પધરાવી દેતા હતાં.

પોલીસ અને RTOના સહી-સિક્કા જાતે કરતાં
સામાન્ય રીતે કોઈ પણ પણ આરસી બુક ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો જે તે પોલીસ સ્ટેશન અને આરટીઓ વિભાગમાં અરજી કરવાની રહેતી હોય છે. અને ત્યાંના સહીસિક્કા જોઈતા હોય છે પણ આ જોડી પોતે જ બોગસ સહીસિક્કા કરી બોગસ આરસી બુક મોટી રકમ લઈને આપતાં હતા. પોલીસને આરોપીઓની ઓફિસમાંથી વલસાડ જિલ્લા પોલીસના નામે બનાવવામાં આવેલા કેટલાક બોગસ દસ્તાવેજો પણ મળી આવ્યા હતાં. પોલીસે 16થી વધુ બોગસ રબર સ્ટેમ્પ અને બોગસ દસ્તાવેજ કબજે કર્યા છે.

હાલ પોલીસ એ દિશામાં પણ તપાસમાં લાગી છે કે આ જોડીએ અગાઉ કેટલા લોકોને આ રીતે બોગસ આરસી બુક આપી છે. અને કૌભાંડમાં કોઈ પોલીસકર્મી કે આરટીઓ અધિકારી સામેલ છે કે નહીં તે દિશામાં પણ ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube