કેમ ધૂળ ખાઈ રહી છે તંત્રએ બનાવેલી ઢગલાબંધ દુકાનો? જાણો ક્યાં ગૂંચવાયું છે 50 કરોડનું કોકડું
પાલિકાની દુકાન વેચાણની નીતિ અને અધિકારીઓની અણઆવડતના કારણે દુકાનોની કોઈ ખરીદી નથી કરી રહ્યું. જેના કારણે પાલિકાની કરોડો રૂપિયાની આવક અટકી પડી છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં કોર્પોરેશને વિવિધ આવાસ યોજનામાં બનાવેલી દુકાનો વર્ષોથી વેચાયા વગરની ધૂળ ખાઈ રહી છે. પાલિકાની દુકાન વેચાણની નીતિ અને અધિકારીઓની અણઆવડતના કારણે દુકાનોની કોઈ ખરીદી નથી કરી રહ્યું. જેના કારણે પાલિકાની કરોડો રૂપિયાની આવક અટકી પડી છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવે છે, જે આવાસ યોજનામાં દુકાનો પણ બનાવાય છે. દુકાનો લોકો ખરીદે અને રોજગાર મેળવે સાથે બીજાને નોકરી પર રાખી રોજગાર આપે તેવા ઉદ્દેશ્યથી પાલિકા આવાસ યોજનામાં દુકાનો બનાવે છે, પણ પાલિકાનો આ ઉદ્દેશ્ય માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું ફલિત થઈ રહ્યું છે.
પાલિકાએ પ્રથમ ફેઝમાં 8 સ્કીમમાં 183 દુકાનો બનાવી હતી જે દુકાનો વેચવા પાલિકાએ 9 વખત હરાજી કરી જેમાં માત્ર 41 દુકાનો વેચાઈ જેની પાલિકાને 6.68 કરોડની આવક થઈ. પાલિકાએ બીજા ફેઝની 10 સ્કીમમાં 164 દુકાનો બનાવી જેની હજી સુધી હરાજી નથી કરવામાં આવી. આમ બંને ફેઝની 275 દુકાનો વેચાયા વગરની ધૂળ ખાઈ રહી છે.
જો 275 દુકાનો વેચાઈ જાય તો પાલિકાને 50 કરોડની આવક થઈ શકે છે, પણ ક્યાંક આવાસ યોજનાની દુકાનો વેચવા માટેની પાલિકાની પોલિસીના કારણે દુકાનો કોઈ ખરીદતું નથી. ત્યારે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર કહે છે કે દુકાનો નથી વેચાઈ રહી તે ગંભીર બાબત છે, જેને લઈ કોર્પોરેશન નવી પોલિસી બનાવી રહ્યું છે. આગામી ટૂંક સમયમાં નવી પોલિસી જાહેર કરીશું જેનાથી તમામ દુકાનો વેચાઈ જશે.
વડોદરા કોર્પોરેશનની આવાસ યોજનાની દુકાનો નથી વેચાઈ રહી તેના કારણની વાત કરીએ તો..
- - દુકાનોની ઊંચી કિંમત હોવાથી કોઈ ખરીદતું નથી
- - દુકાન હરાજીમાં લીધા બાદ તેને અન્ય કોઈને વેચી નથી શકાતી
- - હરાજીમાં દુકાનનો ભાવ પહેલતી જ વધુ મુકાય છે, જેથી ખરીદીમાં કોઈ રસ નથી દાખવતું
- - ખાનગી બિલ્ડરની દુકાનની બનાવટ મજબૂત હોય છે, પણ પાલિકાની દુકાનની બનાવટ યોગ્ય ન હોવાથી કોઈ લેતું નથી
- - દુકાનના તમામ રૂપિયા વાઇટમાં જ એટલે કે ચેકથી લેવામાં આવે છે એટલે પણ કોઈ ખરીદીમાં રસ નથી દાખવતું
- - દુકાનનું લોકેશન બરોબર નથી હોતું
ખુશખબરી! તહેવારો આવતા જ સાવ સસ્તી થઈ જશે મોબાઈલ, લેપટોપ અને ટીવી સહિતની વસ્તુઓ
વર્ષોથી 275 દુકાનો ન વેચતા પાલિકાના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે અધિકારી અને સત્તાધીશોને જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસેથી વિજિલન્સ તપાસની માંગ કરી છે, તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પણ કરી છે, તો સામાજિક કાર્યકરએ દુકાન વેચાણની પોલિસી બદલી લોકોને પોષાય અને ફાયદો થાય એવી રીતે દુકાન વેચવાની માંગ કરી છે, સાથે જ જે દુકાનોના ખરીદદાર નથી મળી રહ્યા તેને ભાડેથી આપી આવક ઊભી કરવા માટે પણ સલાહ આપી છે.
મહત્વની વાત છે કે પાલિકા એકતરફ આવક વધારવા લોકો પર વધુ વેરો ઝીંકી રહી છે, પણ વર્ષોથી જે દુકાનો નથી વેચાઈ રહી અને 50 કરોડ રૂપિયાની આવક અટકી પડી છે તેના માટે ગંભીર નથી દેખાઈ રહી. ત્યારે આવાસ યોજનામાં બનાવેલી દુકાનો વેચાશે કે ધૂળ ખાઈને ભંગાર બની જશે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે