ખુશમિજાજી ગુજરાતીઓના સંતાનો કેમ આત્મહત્યા કરે છે? ગુજરાતમાં 3 યંગસ્ટર્સના આપઘાતના કિસ્સા અત્યંત શોકિંગ

Suicide Cases In Gujarat : બાળકો પર માતાપિતાનું ખોટું અનુશાસન, કોઈ શારીરિક માનસિક રોગ, બેકારી, ગરીબી, સહનશીલતાનો અભાવ, ઉચ્ચ અહમ, પ્રિય વ્યક્તિનું મૃત્યુ, એકલતા, સામાજિક તિરસ્કાર, લોકોનું દબાણ, ઉચ્ચ મહત્વકાંક્ષા, વધુ પડતી આવેગશીલતા, ભણતરની ચિંતા અને તણાવના કારણે કિશોરો અને યુવાનો સૌથી વધુ આત્મહત્યા કરે છે

ખુશમિજાજી ગુજરાતીઓના સંતાનો કેમ આત્મહત્યા કરે છે? ગુજરાતમાં 3 યંગસ્ટર્સના આપઘાતના કિસ્સા અત્યંત શોકિંગ

અમદાવાદ :ગુજરાતમાં યંગસ્ટર્સના આત્મહત્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જોકે, આ કિસ્સાઓમાં યંગસ્ટર્સના કારણો અત્યંત શોકિંગ છે. ટીનેજર્સ અને યંગસ્ટર્સ નાની નાની વાતો પર આત્મહત્યા કરી રહ્યાં છે. જે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સા છે. આજે ગુજરાતમાં એકસાથે આત્મહત્યાના જે ત્રણ બનાવો બન્યા, તેમાં યંગસ્ટર્સના કારણો ક્ષુલ્લક હતા. પરંતુ સહનશક્તિના અભાવે તેઓ આવુ પગલા ભરવા પ્રેરાયા છે. જે આજની જનરેશનને ભયજનક સ્તર પર લઈ જહી છે. 

ગુજરાતમાં આજે આપઘાતના 3 ચોંકાવનારા કિસ્સા

  1. સુરતમાં શ્યામ વર્ણના કારણે લગ્ન ન થતાં યુવતીએ ફાંસો ખાધો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં યુવતીએ સ્યુસાઈડ નોટમાં મરજીથી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. 23 વર્ષીય પાયલ સસ્તા અનાજની દુકાનમાં નોકરી કરી હતી. તે તેના પરિવારની મોટી દીકરી હતી, પરંતુ શ્યામ વર્ણના કારણે તેના લગ્ન થતા ન હતા. જોકે, તેની નાની બહેનના લગ્ન થઈ ગયા હતા. મોટી બહેન અને નાની બહેનના લગ્ન થઈ ગયા હોય, અને પોતાના લગ્ન થતા ન હોવાથી પાયલે વસવસો રહેતો હતો. લગ્ન થતા ન હોવાથી આપઘાત કરી રહી હોવાનો પાયલે સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો છે. પાયલે પોતાના ઘરમાં ફાંસો ખાધો હતો. ઉમરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 
  2. કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા ધો.10ના વિદ્યાર્થીનો ફાંસો ખાધો છે. મૂળ ભાવનગરનો પરિવાર સુરતના નાના વરાછા વિસ્તારમાં રહે છે. દિલીપભાઈ મકવાણાનો 16 વર્ષીય પુત્ર મૌનિકે હાલમાં જ ધોરણ-10 ની પરીક્ષા આપી હતી. તેણે ઘરના રસોડામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પરિવારને તેની પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેને કાકાને ખોટી શંકા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેના કાકાએ કાકીને ફોન કરવા મુદ્દે ખોટી શંકા વ્યક્ત કરી હતી. કાકાની વાતનું ખોટું લાગી આવતા મૌનિકે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. મૌનિકના આ પગલાથી પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. 
  3. રાજકોટમાં પબજી ગેમમાં યુવકે આપઘાત કર્યાની આશંકા છે. દ્વારકેશ પાર્કમાં રહેતા આનંદ અગ્રવાતે આપાઘાત કર્યો હતો. યુવકના આપઘાત કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે. પરંતુ પબજી ગેમની લતના લીધે આપઘાત કર્યાની પરિવારજનોને આશંકા છે. યુવકે પબજી ગેમ રમવાની લત લાગી હતી. 

યંગસ્ટર્સના આત્મહત્યાના કારણો
બાળકો પર માતાપિતાનું ખોટું અનુશાસન, કોઈ શારીરિક માનસિક રોગ, બેકારી, ગરીબી, સહનશીલતાનો અભાવ, ઉચ્ચ અહમ, પ્રિય વ્યક્તિનું મૃત્યુ, એકલતા, સામાજિક તિરસ્કાર, લોકોનું દબાણ, ઉચ્ચ મહત્વકાંક્ષા, વધુ પડતી આવેગશીલતા, ભણતરની ચિંતા અને તણાવના કારણે કિશોરો અને યુવાનો સૌથી વધુ આત્મહત્યા કરે છે. શારીરિક વિકાસની અવઢવને લીધે કિશોરો આત્મહત્યા કરવા દોરાય છે. આસાધ્ય રોગ, આંતરવેયક્તિક સંકટો અને વિભક્ત કુટુંબ,  નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો,  આયોગ્ય માનસિક આવેગો,  તેમજ નોકરીધંધો, આર્થીકભીંસ, દારુની ટેવ, ઘરકંકાસ, શારીરિક-માનસિક બીમારી વગેરે આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે.

વિશ્વમાં આત્મહત્યા કરતી દર 100000 માં 11 વ્યક્તિ ભારતની
વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના એક રિપોર્ટ મુજબ દર 40 સેકન્ડે એક અને દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. ભારતમાં વિશ્વમાં આત્મહત્યા કરતી દર દસ હજાર વ્યક્તિમાંથી 11 વ્યક્તિ ભારતની હોય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના ડો. યોગેશ જોગાસણે જણાવ્યું કે, દર વર્ષે વિશ્વમાં આશરે 8 લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે. જે પૈકી 1.35 લાખ (આશરે 17% મોત) ભારતમાંથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી 25 ગણી વધુ છે. ભારતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે ૩૦% જેટલો વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાંકે છે. 

તમારા બાળકોની આ આદત બદલાય તો ચેતી જજો 

  • વારંવાર મૂડમાં પરિવર્તનજેમકે અચાનક ખોટો ગુસ્સો, કારણ વગર રડવું, નિરાશ થઈ જવું
  • પોતાની જાતને ક્યાંક અટવાયા છીએ એવું અનુભવવું
  • રોજબરોજના કાર્યમાં પરિવર્તન જેમકે જમવાની રીતમાં, સુવાની રીતમાં અચાનક બદલાવ
  • આશાહીન બનવું, અચાનક નશીલા દ્રવ્યોનું સેવન, જોખમી કાર્ય કરવા,  સોશિયલ મીડિયાથી અચાનક દૂર થવું, લોકોથી દુરી રાખવી. એકલા રહેવાનું શરૂ કરી દેવું, વ્યક્તિત્વમાં પરિવર્તન, જીવન જીવવા જેવું નથી એવા ઉદગારો, નિષેધક પોસ્ટ મુકવી, હું ન હોવું તો એવા વાક્યો બોલવા, મિતભાસી થઈ જવું, એડવાન્સ આર્થિક પ્લાન, મને કોઈ સમજતું નથી એવી લાગણી, નીચું સ્વ મૂલ્યાંકન

રાજકોટમાં 5 વર્ષમાં 2104 એ આત્મહત્યા કરી
રાજકોટમાં આત્મહત્યાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. રંગીલું રાજકોટ જાણે આત્મહત્યાનું કેપિટલ બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટમાં 2104 લાકોએ આત્મહત્યા કરી છે. એક અઠવાડિયામાં સરેરાશ 12થી 13 આપઘાતના કિસ્સા સામે આવે છે. મહત્વની વાત એ પણ છે કે, પુરુષો કરતા સ્ત્રીઓ વધુ આત્મહત્યા કરે છે. રાજકોટમાં છેલ્લા સાત દિવસમાં 12થી વધુ આત્મહત્યાના કેસ સામે આવ્યા છે. લોકોને અકાળે આત્મહત્યા કરવા બચાવવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news