હવે ઘરે બેઠા પાર્ટ ટાઈમ જોબના નામે થઇ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે પડાવાય છે લાખો રૂપિયા

વર્તમાન સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. ત્યારે કેટલાક ઈસમો સોશિયલ મીડિયા થકી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને છેતરપિંડી કરવા માટે અલગ અલગ આઈડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

હવે ઘરે બેઠા પાર્ટ ટાઈમ જોબના નામે થઇ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે પડાવાય છે લાખો રૂપિયા

ઝી બ્યુરો/સુરત: વર્તમાન સમયમાં સાઇબર ક્રાઈમના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવીને લોકોને અલગ અલગ હોટલમાં રૂમ બુકિંગ કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચ આપી લોકો પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને લોકો સાથે છેતરપિંડી કરનારા 4 ઈસમોની સુરત સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

વર્તમાન સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. ત્યારે કેટલાક ઈસમો સોશિયલ મીડિયા થકી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને છેતરપિંડી કરવા માટે અલગ અલગ આઈડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ટેલિગ્રામ ચેનલમાં એક આઇડી બનાવીને લોકોને પાર્ટ ટાઈમ જોબ અપાવવાનો જણાવી અલગ અલગ હોટલના રૂમ બુકિંગ કરવાનો ટાસ્ક આપી સારા પૈસા મળશે તેવી લાલચ આપીને લોકો પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતા ચાર ઈસમોને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં સંજય પટેલ, પિયુષ પરમાર, ભરત ભરવાડ અને અમિત જીવાણીનો સમાવેશ થાય છે. 

મહત્વની વાત કહી શકાય કે સુરત સાઇબર ક્રાઇમમાં એક ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ત્રણ માર્ચ 2024થી 8 માર્ચ 2024 દરમિયાન સાઈસ્તા નામના વ્યક્તિએ તેમની સાથે ટેલિગ્રામ ચેનલથી વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદીને પાર્ટ ટાઈમ જોબ આપવાની લાલચ આપી હતી અને હોટલમાં રેટિંગ વધારવા માટે અલગ અલગ હોટલમાં રૂમ બુક કરવાનો ટાસ્ટ કાપવામાં આવ્યો હતો. જેમાં એક ટાસ્કમાં 25 રૂમ બુકિંગ કરવાથી 1000 રૂપિયાથી લઈને 5600નું કમિશન આપવાની લાલચ અપાય હતી. ફરિયાદી આ લાલચમાં આવી ગયા હતા અને ત્યારબાદ ફરિયાદીએ એક ટાસ્ક પૂરો કર્યો હતો અને તેમના ખાતામાં 922 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

જોકે ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફરિયાદીને પૈસા આપવા પડશે તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 7,19,067 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ છેતરપિંડી કરનારા ઈસમોએ ફરિયાદીને 36,145 રૂપિયા પરત આપ્યા હતા અને બીજા પૈસા પરત આપ્યા ન હતા. 

જોકે સમગ્ર મામલે પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં જ ફરિયાદી દ્વારા સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરાયો હતો અને આ મામલે પોલીસ દ્વારા છેતરપિંડી કરનારા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરતના અડાજણમાં રહેતા સંજય કુમાર પટેલ, સુરતના વીઆઈપી રોડ પર રહેતા પિયુષ પરમાર, ઓલપાડના સરોલીમાં રહેતા ભરત ભરવાડ અને સુરતમાં જહાંગીરપુરામાં રહેતા અમિત જીવાણી નામના ચાર ઈસમની ધરપકડ કરાઇ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news