આ ચોરનો ભૂતકાળ પોલીસને પરસેવો છોડાવી દે તેવો છે! બિશ્નોઇ ગેંગના સાગરીતની 10 વર્ષે તેલંગાણાથી ધરપકડ

Surat News: બોલેરો પીકઅપ ચોરીના 20 કરતા વધારે ગુનામાં છેલ્લા 10 વર્ષથી ભાગતા ફરતા બિશ્નોઇ ગેંગના સાગરીતને સુરત ક્રાઈમ બ્રાન્ચે તેલંગાણાના ખમ્મામથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે સુરતમાં 12, અમદાવાદમાં 5 અને ગાંધીનગરમાં 3 ગુનાઓ નોંધાયા છે. 

આ ચોરનો ભૂતકાળ પોલીસને પરસેવો છોડાવી દે તેવો છે! બિશ્નોઇ ગેંગના સાગરીતની 10 વર્ષે તેલંગાણાથી ધરપકડ

ઝી બ્યુરો/સુરત: ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી બોલેરો પીકઅપ ચોરીના 20 કરતા વધારે ગુનામાં છેલ્લા 10 વર્ષથી ભાગતા ફરતા બિશ્નોઇ ગેંગના સાગરીતને સુરત ક્રાઈમ બ્રાન્ચે તેલંગાણાના ખમ્મામથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે સુરતમાં 12, અમદાવાદમાં 5 અને ગાંધીનગરમાં 3 ગુનાઓ નોંધાયા છે. 

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીને પકડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં બોલેરો, આઇસર જેવા મોટા વાહનોની ચોરી કરતી આંતર રાજ્ય બીશ્નોઇ ગેંગના સાગરીતને તેલંગાણાથી ઝડપી પાડ્યો છે. આ ઇસમનું નામ રમેશ બીશ્નોઇ છે અને તે ગુજરાતના 20 જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો.

આરોપી મૂળ રાજસ્થાનનો હતો પરંતુ ત્યાં પોલીસ તપાસ કરવા જતી હતી તેથી તે ત્યાંથી ભાગી ગયો હતો અને તેલંગાના ખમ્મામમાં છુપાઈને ફર્નિચરની દુકાન ચલાવતો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેલંગાણામાં જઈને ગ્રાહક બની આરોપી રમેશ બીશ્નોઈની ધરપકડ કરી છે. રમેશ બીશ્નોઈની પૂછપરછ માં સામે આવ્યું હતું કે, 11 જાન્યુઆરી 2018ના રોજ અમદાવાદ પોલીસ પર અડાલજ ચેકપોસ્ટ પાસે આરોપીએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને એક પોલીસ અધિકારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જે તે સમયે રમેશ રુગનાથ બીશ્નોઈ, નારાયણલાલ બીશ્નોઈ અને નરેશકુમાર બીશ્નોઈ પોલીસના હાથે ઝડપાયા હતા અને રમેશ બીશ્નોઈ રાત્રિના અંધકારનો લાભ લઇ પોલીસથી બચીને ભાગી ગયો હતો.

આરોપીઓની MO એવી હતી કે, તે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પરથી બોલેરોની ચોરી કરતી હતી અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અલગ અલગ શહેરોમાં જઈ તેઓ આ બોલેરો વેચી દેતા હતા. તેમજ કેટલાક બોલેરોમાં અફીણ અને ઇંગ્લિશ દારૂ જેવા માદક પદાર્થોની હેરાફેરી કરતા હતા.

ત્યારે રમેશ બીશ્નોઈ સામે સુરતના કાપોદ્રા, લિંબાયત, ઉધના, ખટોદરા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં 12 ગુનાઓ નોંધાયા છે. તો અમદાવાદના રખિયાલ, ઓઢવ અને નિકોલ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 5 ગુના નોંધાયા છે. તેમજ ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાયા છે. આ 20 ગુનાઓમાં આરોપી સામે મોટાભાગના ગુના વાહન ચોરીના નોંધાયા છે. તો અડાલજ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી પર ગાડી ચઢાવી દેવા અને ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news