સુરતમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરતો ચોર પકડાયો, ડબલ ભાવમાં વેચીને કરતો તગડી કમાણી
Trending Photos
ચેતન પટેલ/સુરત :હાલની પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારી વધી રહી છે, તે જોતા હવે જીવન જરૂરિયાતી વસ્તુઓની ચોરી થવા લાગી છે. લીંબુના ભાવ વધતા લીંબુની ચોરી થઈ અને હવે ગેસ સિલિન્ડરની ચોરી થવા લાગી. ગેસ સિલિન્ડરના ભાવ જે રીતે વધી રહ્યા છે ત્યારે ગેસ સિલિન્ડરની ચોરીના કિસ્સાઓ પણ એટલા જ વધી રહ્યા છે. સુરતના અમરોલી અને સરથાણાં વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં 25 ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જે બનાવમાં સરથાણા પોલીસે ગેસ સિલિન્ડરની ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી 15 ગેસ બોટલ કબજે કર્યા છે. આ બોટલ આરોપી રૂપિયા 1500 માં વેચી દેતો હતો.
સુરતના સરથાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સિલિન્ડર ચોરીના બનાવો વધી ગયા હતા. જેને લઈને સુરતની કરતાં પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે યોગી ચોક સાવલીયા સર્કલ શ્યામધામ ચોક વગેરે જેવા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના પાર્કિંગમાં ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરોની ચોરીના બનાવો વધી રહ્યા હતા. જેને લઈને સુરતની સરથાણા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે બાતમીદારોને મદદથી આસપાસના વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
સરથાણાં પોલીસે બાતમીના આધારે સિલિન્ડર ચોરી કરતા અને સરથાણા ખાતે જ રહેતા સંજય માન્યા નામના યુવકને ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને સામાન્ય વ્યક્તિને જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા મુશ્કેલી પડી રહી હતી ત્યારે જ સરળતાથી તે પૈસા કમાવવા માટે સંજય માન્યાએ આ રીત અપનાવી હતી. એક મહિનામાં સરથાણા અને અમરોલી વિસ્તારમાંથી 25 કરતાં વધુ સિલિન્ડરની ચોરી કર્યાની કબુલાત તેણે કરી હતી.
આરોપીએ કહ્યુ કે, હાલ આ વસ્તુઓની જરૂરિયાત હોવાથી તે સરળતાથી વેચાઇ જતા હતા. આ ગેસ સિલિન્ડર 1500 રૂપિયામાં તે વેચી મારતો હતો અને જે પૈસા મળતા તેનાથી પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતો હતો. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 15 જેટલા સિલિન્ડર કબજે કર્યા છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીએ 10 જેટલા ગેસ સિલિન્ડર વેચી દીધા હોવાની કબૂલાત કરી છે. ત્યારે પોલીસે વેચી મારેલા ગેસ સિલિન્ડર કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ભૂતકાળમાં આ સિવાય ચોરીમાં સંડોવાયો છે કે કેમ તે દિશામાં પણ સરથાના પોલીસે તપાસ શરૂ કરી છે તેવુ સરથાણા પીઆઈ એમકે ગુર્જરે જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે