લે બોલો! અહીં ઘરમાં જ મશીન વસાવીને છાપતા હતા નકલી નોટ, માસ્ટર માઇન્ડ સહિત 4ની ધરપકડ

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી નકલી નોટોની ડિલિવરી લેવા માટે આવેલા બે શખ્સોની સૌ પ્રથમ ધરપકડ કર્યા બાદ નકલી નોટો છાપતા મુખ્ય ભેજાબાજ સહિત બે આરોપીઓને પણ SOG એ ઝડપી પાડ્યા હતા. 

 લે બોલો! અહીં ઘરમાં જ મશીન વસાવીને છાપતા હતા નકલી નોટ, માસ્ટર માઇન્ડ સહિત 4ની ધરપકડ

પ્રશાંત ઢીવરે/સુરત: દેશના અર્થતંત્રને આર્થિક રીતે પાયમાલ કરવાના બદ ઇરાદા સાથે સુરતમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ ચલાવતા માસ્ટર માઇન્ડ સહિત ચાર આરોપીઓની સુરત એસઓજીએ ધરપકડ કરી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી નકલી નોટોની ડિલિવરી લેવા માટે આવેલા બે શખ્સોની સૌ પ્રથમ ધરપકડ કર્યા બાદ નકલી નોટો છાપતા મુખ્ય ભેજાબાજ સહિત બે આરોપીઓને પણ SOG એ ઝડપી પાડ્યા હતા. 

આરોપીઓ પાસેથી 1.20 લાખની 100 ના દરની 1200 નંગ નકલી નોટો કબજે કરવામાં આવી. જોકે પોલીસ તપાસમાં નકલી નોટો છાપવાના આ સમગ્ર કૌભાંડ પાછળ ધોરણ 10 પાસ અને હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી ચૂકેલા સાગર રાઠોડ હોવાનું સામે આવ્યું. જે આરોપી અગાઉ હીરા કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી ચૂક્યો છે. સિંગાપોર થી સુરત આવ્યા ઓનલાઇન ગાર્મેન્ટની આડમાં છેલ્લા છ માસથી સરથાણા ના એપલ સ્ક્વેરમાં નકલી નોટોનો કારોબાર ચલાવતો હતો.

ગુજરાતમાં જોઈએ તે વસ્તુ નકલી મળી રહે છે. નકલી ઘી, નકલી પનીર, નકલી કાપડ, કે પછી નકલી ips પકડાવાના અને કિસ્સાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચૂક્યા છે.જ્યાં દેશના અર્થતંત્રને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચનારા ચાર આરોપીઓની સુરત sog ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરત એસઓજીના જણાવ્યા મુજબ, એસઓજીની ટીમ ની માહિતી મળી હતી કે સરથાણા પોલીસ મથકની હદમાં આવેલા યોગીચોક સ્થિત એપલ સ્ક્વેર ની અંદર ઓનલાઈન ગારમેન્ટ ની આડમાં બનાવટી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જે માહિતીના આધારે સુરત દ્વારા સતત વોચ ગોઠવી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થી બનાવટી ચલની નોટોની ડીલેવરી લેવા માટે આવેલા બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમાં મધ્યપ્રદેશના રાહુલ શંભુભાઈ ચૌહાણ અને મહારાષ્ટ્રના પવન શ્રીકૃષ્ણ બાનોડે ની ધરપકડ કરવામાં આવી હતી. 

એપલ સ્ક્વેર માં આવેલી ઓફિસમાંથી ભાવેશ દીપક રાઠોડ ની પણ ધરપકડ કરાઈ હતી. ઓફિસમાં સર્ચ કરતા એસઓજી ની ટીમને અહીંથી 1.20 લાખની બનાવટી ચલની 100 ના દરની 1202 નંગ જેટલી નોટ મળી આવી હતી. સ્થળ પરથી ઝડપાયેલા આરોપી ભાવેશ દીપકભાઈ રાઠોડ ની પૂછપરછ કરતા સાગર રાઠોડ આખા બનાવટી ચલની નોટોના કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું હતું. જોકે સાગર રાઠોડ સુરત છોડે તે પહેલા જ સુરત એસઓજી ની ટીમ દ્વારા વહેલી સવારે તેને પણ ઝડપી પાડ્યો હતો. મહત્વનું છે કે આ સમગ્ર ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું.

સુરત એસઓજીના જણાવ્યા પ્રમાણે, ઝડપાયેલો સાગર રાઠોડે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે.જે સાગર રાઠોડ આખા નકલી નોટોના ખેલનો માસ્ટર માઇન્ડ છે.જે અગાઉ સુરતના હીરાના કારખાનામાં વર્ષ 2022 માં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. ત્યારબાદ સ્ટુડન્ટ વિઝા પર તે સિંગાપોર ખાતે ગયો હતો.જ્યાં તેણે હોટેલ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો હતો. આ કોષ કર્યા બાદ તે સુરત પરત ફર્યો હતો. જ્યાં સુરત આવી શોર્ટકટમાં રૂપિયા કમાવાની લહાયમાં તેણે નકલી નોટો છાપવાનો નિર્ણય કર્યો હતો. જે નકલી નોટો છાપવા માટે તેણે youtube અને જુદી જુદી સોશિયલ મીડિયા સાઈટ પરથી જઈ વિડીયો જોયા હતા. ત્યારબાદ તેણે એક ફરજી વેબ સિરીઝ પરથી નકલી નોટો છાપવાનું આખું કારખાનું શરૂ કરી દીધું હતું. આ નકલી નોટોના કારોબાર અંગે કોઈને ભણક ના આવે તે માટે ઓનલાઇન ગાર્મેન્ટ્સ ની આડ માં આ નકલી નોટનો કારોબાર ચલાવવામાં આવતો હતો.

પોલીસે આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા ચોકાવનારી વિગતો જાણવા મળી હતી. જેમાં હમણાં સુધી પોલીસ દ્વારા 500 અને 200 અને 2000 ના દરની નકલી નોટો ઝડપી પાડવામાં આવી હતી. જેથી આ નોટો જો છાપવામાં આવે તો પોલીસના હાથે ઝડપાઈ જવાની શક્યતા રહેલી હતી. જેથી આરોપીઓએ 500,200,અથવા 2,000 ની નહીં પરંતુ કોઈને પણ શંકા ન જાય તે માટે માત્ર 100 ના દરની બનાવટી ચલની નોટો છાપવાનું નક્કી કર્યું હતું. 

જે નોટો માત્રને માત્ર શાકભાજીની લારી, પાન ના ગલ્લા, ચાની કીટલી જેવા નાના માધ્યમો પર વટાવતા હતા. ઝડપાયેલા આરોપીઓએ અગાઉ ટ્રાય બેઝ માટે દસ હજાર રૂપિયા જેટલી 100 ના દરની બનાવટી ચલણી નોટો વટાવી ચૂક્યા હતા. જેમાં સારી સફળતા મળતા મોટો પ્લાન કરવા ગયા હતા. જોકે પોલીસ ના હાથે ઝડપાઈ જતાં ,આરોપીઓનો મનસુબો નાકામ થઈ ગયો હતો. 

સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલા આ નેટવર્કમાં કુલ બે લાખ થી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. જેમાં 1.20 લાખની બનાવટી ચલની 100 ના દરની બારસો થી વધુ નોટો, કોમ્પ્યુટર,કલર પ્રિન્ટર મશીન,જુદા જુદા પ્રકારની હાઈ - ક્વોલિટી ની શાહી, બનાવટી ચલની નોટો બનાવવા માટેના પેપરના બંડલો, પેન ડ્રાઈવ, લેમિનેશન માટેનું મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખણીય છે કે બનાવટી ચલણી નોટો બજારમાં ફેલાતા દેશના અર્થતંત્રને ખૂબ જ મોટું જોખમ રહેલું છે. જેથી એસઓ જી દ્વારા પણ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ દ્વારા આ બનાવટી ચલણી અત્યાર સુધી કોને કોને આપી છે? હજી આ કૌભાંડમાં કેટલા લોકો સંડાવાયેલા છે? શું આ બનાવટી ચલની નોટો સુરત અથવા રાજ્ય બહાર મોકલવામાં આવી છે કે કેમ આવી તમામ બાબતોને લઈ એસોજી દ્વારા આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news