SURAT: ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતુર બની, 10 ગામો સંપર્ક વિહોણા
Trending Photos
સુરત : સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જેના પગલે દક્ષિણની તમામ નદીઓ ગાંડીતુર બની છે. નદીઓમાં પાણીની આવક સતત વધતી જઇ રહી છે. બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલા કોઝવે ડુબી ગયો હતો. સીઝનમાં પ્રથમવાર કોઝ વે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે કોઝ વે પારના 10 થી વધારે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ ગામો સુરત અને બારડોલી સાથેનો સંપર્ક ગુમાવી ચુક્યા છે.
ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સલામતીના ભાગરૂપે મોડી સાંજે પાણી તાપીમાં છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ઉકાઇ ડેમમાંથી 98 હજાર ક્યૂસેકથી વધારે પાણી છોડવામાં આવ્યું છે અને હજી સતત છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હરિપુરા કોઝવે સંપુર્ણ જળમગ્ન થયો છે. ઉકાઇ ડેમમાં 22 ગેટ પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેનું પાણી સતત નદીમાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાયા બાદ હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા.
હરિપુરા કોઝ વે પાણીમાં ગરકાવ થતા કડોદની સામે પારના 10 ગામોને અસર થાય છે. આ ગામોનો સંપૂર્ણ વ્યવહાર કડોદ, બારડોલી અને સુરત સાથે હોય છે. કોઝવે પર પાણી ફરી વળતા અવર જવર બંધ થઇ જાય છે. લોકોને હવે ખુબ જ ફરી ફરીને જવાની નોબત આવી છે. ઉકાઇ ડેમમાંથી 98 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરત કોઝવેની સપાટીમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. કોઝવે ભયજનક સપાટી 6 મીટર છે. ચેલ્લા 2 દિવસથી કોઝવે ઓવરફ્લો એટલે કે 8.13 મીટરની સપાટીએ વહી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે