લો બોલો ! રાજકોટનો ચેઇન સ્નેચર ભઠ્ઠી સહિતનાં તમામ સાધનો રાખતો, કરી લાખોની ચોરી
શહેરનાં યુનિવર્સિટી પોલીસે રીઢા ચેન સ્નેચરને દબોચી લીધો છે જેને એક બે નહિં પરંતુ 19 જેટલા ચિલઝડપનાં ગુનાઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહિં પોલીસે તેની પાસેથી પોર્ટેબલ ગેસ ગન, કુલડી અને 70 હજારનો સોનાનો ઢાળીયો કબજે કર્યો છે.
Trending Photos
રક્ષીત પંડ્યા/રાજકોટ : શહેરનાં યુનિવર્સિટી પોલીસે રીઢા ચેન સ્નેચરને દબોચી લીધો છે જેને એક બે નહિં પરંતુ 19 જેટલા ચિલઝડપનાં ગુનાઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહિં પોલીસે તેની પાસેથી પોર્ટેબલ ગેસ ગન, કુલડી અને 70 હજારનો સોનાનો ઢાળીયો કબજે કર્યો છે.
રીઢો ચેન સ્નેચરને પોલીસે કર્યો ઝબ્બે.
લોકડાઉન હળવું થતાની સાથે જ રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા છે. ચિલઝડપ, લૂંટ, હત્યા અને હુમલાઓની ઘટનામાં વધારો થયો છે. રાજકોટનાં નાણાંવટી ચોક નજીક ચાર દિવસ પહેલા રાજેશ્રી પાર્કમાં વૃદ્ધનાં ગળામાંથી સોનાનાં ચેનની ઝોંટ મારી એક શખ્સ ફરાર થયો હોવાની ઘટના સામે આવી હતી. જેનાં સીસીટીવી ફુટેજ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે સુરેશ ઉર્ફે સુનિલ ઉર્ફે ચોટો હરીશ બાબરીયા નામનાં શખ્સની ધરપકડ કરી છે. જ્યારે તેનો સાગ્રીત પાર્થ ઉર્ફે બાઉ ખાચરની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ શખ્સે અત્યાર સુધીમાં 19 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે આરોપી સુનિલ ઉર્ફે સુરેશ પાસેથી 70 હજાર રૂપીયાનો સોનાનો ઢાળીયો, મોબાઇલ ફોન, મોટર સાઇકલ, વૃમ પોર્ટેબલ ગેસ ટોચ ગન, માટીની કુલડી, કાળા રંગની ઘડીયાળ મળી કુલ 1 લાખ 20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કેવી રીતે આપતો ચિલઝડપને અંજામ?
આરોપી સુરેશ ઉર્ફે સુનિલ બાબરીયા ચેન સ્નેચિંગનો રીઢો ગુનેગાર છે. અત્યાર સુધીમાં 19 જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. એટલું જ નહિં પાસામાં પણ ધકેલવામાં આવ્યો હતો..આરોપીની મોડેશ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો, આરોપી બાઇક પર સોસાયટીઓમાં આવેલા મંદિર આસપાસ રેકી કરતો હતો અને બાઇકની પાછળ બેસતો હતો. જોકે વૃદ્ધાનાં ગળામાં સોનાનો ચેન જોઇ જાય તો બાઇક માંથી નીચે ઉતરીને ચિલઝડપ કરતો હતો. ત્યારબાદ બાઇકમાં બેસી ફરાર થઇ જતો હતો. હાલ પોલીસે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે.
ગણતરીની મીનીટોમાં સોનું ઓગાળી કરતો ઢાળીયો
આરોપી ચિલઝડપ કર્યા બાદ ગણતરીની મિનીટોમાં જ સોનાના દાગીનાને ઓગાળી નાખતો હતો અને તેનો ઢાળીયો બનાવી દેતો હતો. જેથી પોલીસ તેની ધરપકડ કરે તો દાગીનાં કોના છે તેની જાણ થાય નહિં. પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તેની પાસે થી વૃમ પોર્ટેબલ ગેસ ટોચ ગન અને માટીની કુલડી મળી આવી હતી. જેમાં આરોપીએ પોલીસને સોનાનાં દાગીનાં માટીની કુલડીમાં રાખી ગણતરીની મિનીટોમાં જ ગેસ ગન થી કેવી રીતે ઓગાળી નાખતો તેનો ડેમો કરી બતાવ્યો હતો.
હાલ તો પોલીસે આ રીઢા ચેન સ્નેચરની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે પરંતુ રીઢો ગુનેગાર હોવાથી જેલમાંથી બહાર નિકળતાની સાથે જ આ પ્રકારનાં ગુનાઓને અંજામ આપી રહ્યો છે. ત્યારે આવા રીઢા ગુનેગાર સામે પોલીસ કડક હાથે પગલા લે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે