શેરબજારમાં રોકાણના નામે કોઈનો ફોન આવે તો સાવધાન! આ કોલ વડનગરથી હોઈ શકે છે...
મહેસાણા એલસીબી પોલીસે કરેલ કાર્યવાહીમાં વડનગરમાંથી રૂપિયા 21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ડબ્બા ટ્રેડિંગ કરતાં ઝડપાયા છે. જેઓ લોકોને વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપી બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા હતા.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: મહેસાણા વડનગર વિસ્તારમાં જાણે ડબ્બા ટ્રેડિંગ એટલું ફુલ્યું ફાલ્યું છે કે અવાર નવાર કેસો સામે આવી રહ્યા છે. ત્યારે મહેસાણા એલસીબી પોલીસે કરેલ કાર્યવાહીમાં વડનગરમાંથી રૂપિયા 21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ડબ્બા ટ્રેડિંગ કરતાં ઝડપાયા છે. જેઓ લોકોને વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપી બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા હતા. કેવી રીતે છેતરપિંડી કરતા હતા આ શખ્શો ?
અજાણ્યા નંબર પરથી તમને ફોન આવે અને કહે કે શેર બજારમાં પૈસાનું રોકાણ કરો તમને વધુ રૂપિયા કમાવવી આપીશું તો જરા ચેતી જજો...આ કોલ મહેસાણા વડનગરથી પણ હોઈ શકે છે. મહેસાણાના વડનગરમાંથી એવા ત્રણ શખ્સો ઝડપાયા છે કે જેઓ એક ભાડાનું મકાન રાખી બીજા રાજ્યના લોકોને અલગ અલગ નંબરથી કોલ કરતા હતા અને કોલ કરીને કહેતા શેર બજારમાં રોકાણ કરો અને વધુ રૂપિયા કમાવી આપીશું. કેટલાક લોકોએ આ ઠગોના વિશ્વાસમાં આવી લાખો કરોડોનું રોકાણ કર્યા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. લાખો કરોડોનું રોકાણ એટલા માટે કહી શકાય કે સ્થળ પરથી જ રૂપિયા 19 લાખ 75 હજાર રોકડા મળી આવ્યા છે તો વળી 135 પાનાં પર અલગ અલગ નંબરો લખેલા મળી આવ્યા છે એટલે કે અંદાજ લગાવી શકાય કે આ 135 પાના પર કેટલા મોબાઇલ નંબરો અને નામ લખ્યા હશે કે જેઓને સંપર્ક કરી આ ઠગ ટોળકી કેટલાય લોકોને લાલચ આપીને છેતર્યા હશે.
મહેસાણાના વડનગરમાં એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. વડનગરના હાથી ડેરાવાસ માં શાહ નીરૂબેન રોહિતકુમાર ના ઘરના ઉપરના માળે કેટલાક ઈસમો ભેગા મળી શેરબજાર નું કામ કરતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરી તપાસ કરતા આરોપી,
- 1 ઠાકોર સુરેશજી લક્ષ્મણજી રહે વઘાર તાલુકો સતલાસણા જીલ્લો મહેસાણા
- 2 રાવળ કલ્પેશકુમાર બાબુભાઈ રહે ઉમરી તાલુકો સતલાસણા જીલ્લો મહેસાણા
- 3 ઠાકોર જીગર જ રત્નાજી રહે વઘાર તાલુકો સતલાસણા જીલ્લો મહેસાણા
આ ત્રણેયની સ્થળ પરથી ધરપકડ કરી પોલીસે જેલ હવાલે કર્યા છે. તો સ્થળ પરથી રૂપિયા 19 લાખ 75 હજાર અને ₹1,31,000 ના 9 મોબાઈલ જપ્ત કરાયા છે. આ ટોળકી ત્રણથી ચાર બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી અને બીજા રાજ્યના લોકોને પોતે એડવાઈઝર હોવાનું જણાવી ખોટા નામે કોલ કરી શેર બજારમાં વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપતી હતી. મોબાઇલમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનમાં શેરબજારની વધઘટ જોઈને કોઈપણ પ્રકારના લાયસન્સ વગર શેરબજારની લે વેચનો ધંધો કરતા હતા.
મહેસાણા વડનગર ખેરાલુ વિસનગર વિસ્તારમાં આ પ્રકારે માર્કેટ પ્લસ એપ થી શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો આ નવો કેસ નથી. આ અગાઉ પણ કેટલાય કેસ નોંધાઈ ચૂક્યા છે અને સ્થળ પરથી મોટી રકમ મળવાનો કદાચ આ પ્રથમ કિસ્સો એલસીબી પોલીસના હાથે ચડ્યો છે. આ વિસ્તારમાં ચાલતી આ પ્રવૃત્તિ પોલીસ સદંતર અટકાવે તે પણ જરૂરી છે ત્યારે હવે પોલીસ આ લોકોના કોલથી છેતરાયેલા લોકોનો પણ સંપર્ક કરીને આગળની તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે