24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અમદાવાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક

પૂર્વ વિસ્તારમાં આવતા દાણીલીમડામાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે. 

24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અમદાવાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પૂર્વ વિસ્તારમાં આવતા દાણીલીમડામાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે. 

પહેલા વાત કરી એ અમદાવાદના નવરંગપુરા વિસ્તારની જ્યા નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આશ્રમ રોડ ઉપર આવેલા સિટી ગોલ્ડ મલ્ટિપ્લેક્સની બાજુમાં શીતલ આઈસ્ક્રીમ પાર્લર આવેલું છે. ત્યાં રાત્રે 9:30 વાગે આસપાસ જીતુ ઉર્ફે જીતેન્દ્ર દંતાણી નામનો રીક્ષા ચાલક રીક્ષા લઈને ઊભો હતો. તે સમયે આઈસ્ક્રીમ પાર્લર પર એક સગીર યુવક પોતાના નાના ભાઈ સાથે આવ્યો હતો અને દુકાનમાં હાજર કર્મી સાથે બોલાચાલી કરી રહ્યો હતો. તે દરમિયાન જીતુ દંતાણીએ તેને સમજવાનો પ્રયાસ કર્યો હતો. 

સગીરે તેઓની સાથે ઝપાઝપી કરી હતી અને પોતાની પાસે રહેલી છરી મારી હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સીસીટીવી તેમજ અન્ય બાબતો તપાસ કરી અંતે સગીરની અટકાયત કરી છે. પકડાયેલા સગીરના પિતા મૃત્યુ પામ્યા છે અને તેની માતા કોતરપુર વિસ્તારમાં રહે છે. સગીર છેલ્લા ઘણા સમયથી પોતાનું ઘર છોડીને રખડતો ભટકતો હોય તેવું તપાસમાં ખુલ્યું છે. 

મહત્વનું છે કે એક જ દિવસમાં અમદાવાદમાં બે હત્યાની ઘટના ઓ બનતા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ કિસ્સામાં નવરંગપુરા પોલીસે સગીર આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

હવે વાત કરીએ અમદાવાદના દાણીલીમડાની અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી બિસ્મિલ્લા હોટલ ની પાસે અંગત અદાવતમાં એક યુવકની હત્યા થઈ હતી. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપી યુસુફ અલી ઉર્ફે લલ્લા સૈયદની ધરપકડ કરી દાણીલીમડા પોલીસને હવાલે કર્યો હતો. મૃતક ઝુબેર કુરેશી નામના 31 વર્ષીય યુવકને આરોપી યુસુફ અલી ઉર્ફે લલ્લા સૈયદ સાથે છ માસથી તકરાર ચાલતી હતી. જે અંગેની અદાવત રાખી 23 એપ્રિલે જુબેર દાણીલીમડા વિસ્તારમાં હોવાનું ખ્યાલ આવતા યુસુફ અલી ત્યાં પહોંચ્યો અને જુબેરની એકલતાનો લાભ લઇ ગળા, છાતી તથા હાથ પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ આરોપી યુસુફ અલી ઉર્ફે લલ્લા સૈયદ ની ધરપકડ કરી લીધી હતી ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વિરુદ્ધ અગાઉ પણ સંખ્યાબંધ ગુના ઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુક્યા છે. 

લોકસભાની ચૂંટણીના જાહેરનામા વચ્ચે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં બે હત્યાના બનાવ બનતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ત્યારે હત્યાના પગલે વિસ્તારમાં અન્ય કોઈ બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા ના બગડે એ માટેથી પોલીસ સતર્ક થઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news