ગુજરાતના આ શહેરમાં છે 950 વર્ષ જૂનુ મહાકાય વૃક્ષ, ઘેરાવ અંબાણીના એન્ટાલિયાના મોટા હોલ જેટલો છે

Baobab Tree : વડોદરા પાસે ગણપતપુરામાં 950 વર્ષ જૂનું ઐતિહાસિક વૃક્ષ, જેની કિંમત 7 કરોડથી વધુ છે

ગુજરાતના આ શહેરમાં છે 950 વર્ષ જૂનુ મહાકાય વૃક્ષ, ઘેરાવ અંબાણીના એન્ટાલિયાના મોટા હોલ જેટલો છે

Vadodara News હાર્દિક દિક્ષીત/વડોદરા  : એક વૃક્ષની કિંમત કરોડો રૂપિયાની હોય અને તે 950 વર્ષ જુનું હોય, તે વાત તમારા માન્યામાં નહીં આવે. પરંતુ, વડોદરા શહેરથી 15 કિલોમીટર દૂર ગણપતપુરા ગામમાં 950 વર્ષ જૂનું ઐતિહાસિક બાઓબાબ નામનું વૃક્ષ આવેલુ છે. આ વૃક્ષ 2 હજાર વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષ ડેડ રેટ ટ્રી અને મંડી બ્રેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે. વન વિભાગ આ વૃક્ષને વર્ષ 2014-15માં હેરીટેજ ટ્રી(મહાવૃક્ષ)નો દરજ્જો આપવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા એક વૃક્ષની એક વર્ષની કિંમત 74,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે હિસાબે આ મહાકાય વૃક્ષની કિંમત 7 કરોડથી વધુ થાય છે.

વડોદરાના નેચર વોક ગ્રુપના સભ્ય અરુણ મજમુદારે જણાવ્યું હતું કે, બાઓબાબ નામના આ વૃક્ષનું વૈક્ષાનિક નામ એડિન સોનિયા ડીજીટાટા... એક ફ્રેન્ચ ડોક્ટર એડેનશને આ વૃક્ષને શોધી કાઢ્યું હતું અને ફ્રેન્ચમાં ડીજીટાટા એટલે આપણા પંજાની આંગળીઓ...આ વૃક્ષના પાન પણ આપણા પંજાની આંગળીઓ જેવા લાગે છે. ગુજરાતમાં આ વૃક્ષને રૂખડો અને ઘેલુ ઝાડના નામથી ઓળખે છે. બીજા બધા વૃક્ષોને વસંત ઋતુ અને વરસાદના દિવસોમાં નવા પાન આવે ત્યારે આ વૃક્ષ મોટાભાગે પાન વગરનું જ હોય છે. પણ હા એટલુ ખરું કે, આ વૃક્ષને પાંદડા આવવા લાગે એટલે 15થી 20 વરસાદ આવવાની શરૂઆત થાય એ એની નિશાની છે. વરસાદના 3થી 4 મહિનામાં એનું આખુ વર્ષ પૂર્ણ થઇ જાય છે. એટલે કે, એના પાન આવે ફૂલ આવે, ફળ લાગે.. અને વરસાદની સિઝન પૂર્ણ થાય એટલે એના પાન 15થી 20 દિવસમાં ખરવા લાગે છે. બાકીના 8થી 9 મહિનામાં આ વૃક્ષમાં માત્ર ડાળખીઓ જ દેખાય છે અને એવું દેખાય કે, કોઇ ઝાડને મૂળિયામાંથી ઉખેડીને ઉંધુ મુક્યું છે. જેથી એને ઉંધુ ઝાડ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ એના થડમાં પાણી સ્ટોર કરે છ, જેથી એની છાલ છે એ ભૂખરા રંગની છે અને ચાંદની રાતમાં એ એવી રીતે ચમકે છે, કે આ ઝાડની ડાળીઓ ભૂતના વિખરાયેલા વાળ હોય એવા દેખાય છે. જેથી એને ઘોસ્ટ(ભૂતીયું) ઝાડ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ મેલ અને ફિમેલ એમ બે પ્રકારના છે. ગણપતપુરા પાસે આવેલુ વૃક્ષ ફિમેલ છે કે, કારણ કે, તેમાં ફળ આવે છે. જ્યારે મેલ વૃક્ષ ફળ નથી આપતુ.

આ વૃક્ષનું મૂળ સાઉથ આફ્રિકા છે. માળાગાસ્કરમાં પુષ્કળ સંખ્યામાં આ વૃક્ષો જોવા મળે છે. ભારતમાં માંડુમાં આ વૃક્ષો જોવા મળે છે. ગુજરાતમાં ઉમરગામથી આગળ આ વૃક્ષો જોવા મળે છે. આની મૂળ 7 જાતો છે, એમાંથી એક જાત આપણે ત્યાં વિકસેલી છે. અહીં ફાઇલ આર્ટ્સ કોલેજમાં એની એક બીજી જાત હતી, પરંતુ તે હવે જોવા મળતી નથી. તે ઝાડને કોઇએ કાપી નાખ્યું હશે.

આ વૃક્ષ અહીં કેવી રીતે આવ્યું તે મોટો સવાલ છે. કદાચ ગુજરાતી લોકો ધંધાર્થે દૂર દૂર સુધી પ્રવાસ ખેડતા હતા અને એ બાજુ કોઇ ગયા હોય અને તેના બીજ લઇ આવ્યું હોય. એવું હોઇ શકે. આ વૃક્ષના થડના ઘેરાવા પરથી ખબર પડે કે, આ વૃક્ષ કેટલા વર્ષનું છે અને બીજુ એનું કાર્બન ડેટિંગ કરવવાનું પડે. તેના પરથી ખબર પડી હતી કે, આ વર્ષ 950 વર્ષ જૂનું છે. છેલ્લી 5 પેઢીથી તો લોકો આ ઝાડને જોતા આવ્યા હોવાની વાત લોકો કરે છે અને તેના સાક્ષી પણ છે. 

આ વૃક્ષને 4થી 6 ઇંચના ખૂબ સૂંદર ફૂલ આવે છે. જેથી એના પર મધમાખીઓ પણ ખૂબ આવે છે. એક વખત આ ઝાડ પર 52 મધપૂડા થયા હતા અને પુષ્કળ મધમાખીઓ થઈ હતી. ત્યાં આવતી મધમાખીઓ ખૂબ જ મોટી સાઇઝની હોય છે. એક વખત અમે મે મહિનાના આકરા તાપમાં ઝાડની ઉભા હતા, તે સમયે અચાનક જ આજુબાજુમાં છાયડો થઈ ગયો અને હેલિકોપ્ટર ચાલતુ હોય એવો અવાજ આવવા લાગ્યો. ખેડૂતો મોટેમોટેથી ભાગો ભાગોની બૂમો પાડવા લાગ્યા, પછી કોઇએ કહ્યું ઉપર જુઓ ઉપર જુઓ. અમે જોયું તો મધમાખીનું મોટુ ઝૂંડ હતું જેથી અમે જીવ બચાવીને ભાગ્યા, મને એક મધમાખી કરડી હતી. એ ખેડૂતે આવીને કાંટો કાઢ્યો, તે કાંટો અડધાથી પોણો ઇંચ લાંબો કાંટો હતો. 

આ વૃક્ષના ફળનો માવો ખૂબ જ ખાટો હોય છે અને 4થી 6 સંતરા જેટલુ વિટામીન સી આ ફળમાં હોય છે, એટલે અશક્તિ, ઝાડા અને તાવમાં આ માવાનું સરબત પીવાથી શક્તિ આવે છે. મધ્યપ્રદેશમાં આ સિઝનમાં લારીઓ પર આ ફળના માવાનું સરબત મળે છે. આ ઉપરાંત પાંદડામાં પણ ખૂબ વિટામીન હોય છે. આ પાંદડા ખરી પડે, ત્યારે ઢોર પાન ખાઇ જાય છે. આફ્રિકાના આદિવાસીઓ આ પાનનું શાક બનાવીને ખાય છે. આ પાંદડાને કૂટીને પાણી ઘોળે તો તેમાં ખૂબ ફીણ આવે છે. તે ફીણવાળા પાણીમાં કપડા પણ ધોઇ શકાય છે. 

આ વૃક્ષન જુદા-જુદા ઉપયોગ હોય છે. આ વૃક્ષ અંદરથી પોલુ હોય છે અને તેમાં તે પાણીનો સંગ્રહ કરે છે અને પાણીને શોષવા માટે એના મૂળીયા 150થી 200 ફૂટ સુધી જઇ શકે છે. પાદરા પાસે ગણપતપુરામાં જે બાઓબાબ વૃક્ષ છે, તેનાથી 150 ફૂટ એક કૂવો છે, તેમાં પણ તેના મૂળીયા નીકળેલા દેખાય છે. સાઉથ આફ્રિકામાં જૂના જમાનામાં વૃક્ષમાંથી પાણી કાઢી નાખતા હતા અને તેનો કોઠાર તરીકે ઉપયોગ કરતા હતા અને તેમાં અનાજ સ્ટોર કરતા હતા. આ ઉપરાંત આ વૃક્ષનો જેલ તરીકે પણ ઉપયોગ થાય છે. જેને સજા આપવી છે તેને ઝાડની અંદરના ભાગે ઉતારી દે, એની અંદર એટલુ લપસણુ હોય કે, જિંદગીમાં એ ક્યારેય ઉપર ચડી જ ન શકે. પણ આજના મોર્ડન યુગમાં આફ્રિકામાં જીવતા વૃક્ષની અંદર ફ્લશિંગ સિસ્ટમવાળુ પબ્લિક ટોયલેટ બનાવ્યું છે. એક ડોક્ટરે તો વૃક્ષની અંદર પોતાનું દવાખાનુ ખોલ્યું છે. એક જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવ્યું છે અને એના થડમાં  15થી 20 લોકો બેસી શકે છે. માડાગાસ્કરમાં 200 ફૂટ ઘેરાવવાળું વૃક્ષ છે. એની અંદરથી પાણી કાઢીને એની અંદર બિયર બાર બનાવ્યું છે. 

અહીં વડોદરામાં મને એક પોલીસ અધિકારી મળ્યા હતા, તો તેઓ એવુ કહેતા હતા કે, અમે રાત્રે પેટ્રોલિંગમાં નીકળીએ તો આ વૃક્ષ પાસે આવીએ છીએ. મને એમ કે, ઝાડ વિશે આસ્થા હશે એટલે જતા હશે. પણ એવું નથી. તેમણે મને કહ્યું હતું કે, ચોર લોકો ચોરી કરવા જાય એટલે ત્યારે આ વૃક્ષ નીચે દીવો કરીને ચોરી કરવા જાય. અહીં દીવો કર્યો હોય તો સમજવાનું કે, આજુબાજુમાં કોઇ જગ્યાએ ચોર છે. એટલે અમારે વધારે સાવધ થઈ જવુ પડે. અહીં સુભાનપુરા પાસે બાઓબાબ વૃક્ષ હતું ત્યાં ચોર દીવો કરીને જતા હતા એટલે પોલીસ સાવધાન થઇ જતી હતી. 

આ વૃક્ષનું લાકડું છે એ ખૂબ જ પોચુ છે, જો કે, તેની છાલના રેસા ખૂબ જ મજબૂત છે. એટલા મજબૂત છે કે, તેના લાકડાના માવામાંથી જે કાગળ બને છે તે વર્ષો વર્ષ સુધી ટકે છે. કરન્સી નોટ, મકાન વેચાણના દસ્તાવેજ એના માટે એ વાપરી શકાય છે. એક માન્યતા એવી છે કે, જેને બાળક ન થતું હોય તો તેની છાલ કાઢી લાવે અને પીવડાવે તો એને બાળક થાય છે. મોટાભાગે આ વૃક્ષની છાલ કાઢી નાખેલી હોય છે પણ મજાની વાત એ છે કે, 2થી 3 મહિનામાં ફરી એની નવી છાલ આવી જાય છે. આ વૃક્ષનું લાકડું એટલુ પોચુ છે કે, એના એક ઘનફૂટનું વજન 160 કિલો જેટલુ થાય છે. તેની સામે સાગનું લાકડું હોય તો એક ઘન ફૂટનું વજન 800થી 850 કિલો જેટલુ થાય છે. 

વડોદરા પાસે આવેલા સમિયાલા ગામમાં ભારે વરસાદના કારણે એક ઝાડ પડી ગયું હતું. આ ઉપરાંત સુભાનપુરામાં પણ ભારે વરસાદના કારણે ઝાડ પડી ગયું હતું. આ ઉપરાંત કલાલી ગામમાં પણ એક ઝાડ પડી ગયું હતું. આ ઝાડમાં એટલુ પાણી હોય છે કે, વરસાદ ન પડે તો પણ આ વૃક્ષની છાલ 2 વર્ષ સુધી સુકાતી નથી અને આ ઝાડનું લાકડુ બળતણના કામમાં વપરાતું નથી. જેથી આ ઝાડને લોકો કાપતા નથી. ગણપતપુરા ગામના લોકો પ્રેમથી પરિવારજનની જેમ આ વૃક્ષનું જતન પણ કરે છે. લોકોમાં ઘેલા ઝાડને સાચવવાની ઘેલ પણ છે. આવા જૂના વૃક્ષો સચવવા જોઇએ.

ગણપતપુરામાં સરકારે વૃક્ષની આસપાસ ઓટલો બાંધ્યો છે. આ વૃક્ષની આસપાસ જો વધારે પાણી ભરાઈ જાય તો તે કોહવાઇને પડી જાય છે. વડોદરાની આસપાસ બેથી 3 વૃક્ષો વધારે પાણી ભરાવાના કારણે પડી ગયા છે. આ વૃક્ષ પથરાળી અને ટેકરાવાળી જમીનમાં વધારે લાંબો સમય ટકી શકે છે. જ્યાં પાણીનો ભરાવો ન થાય. આ વૃક્ષ બીજ ગમે એટલા જૂના થાય તો પણ તે ઉપયોગમાં લઇ શકાય છે. તમે રેતી અને માટીનું મિશ્રણ કરી કુંડામાં એેને રોપો અને પાણી આપો તો 4થી 6 મહિનામાં  એમાંથી છોડ ઉગી નીકળે છે. મેં આવા 3 વૃક્ષો વાવ્યા છે. વડોદરામાં હાલ ગણપતપુરામાં એક અને સમિયાલમાં એક વૃક્ષ હયાત છે. બાકી 2થી 3 જગ્યાએ નાના-નાના  વૃક્ષો છે.

ગુજરાતમાં સૌરાષ્ટમાં કેટલીક જગ્યાએ આવા વૃક્ષો છે. આ ઉપરાંત વડગામમાં પણ ખૂબ જુનુ વૃક્ષ છે. સુરત અને સુરતથી આગળ જતા ઉમરગામ બાજુ વધુ વૃક્ષો જોવા મળે છે, પણ ત્યાં આટલા જૂના વૃક્ષો નથી. ત્યાં વધારે વરસાદ થતો હોવાથી ત્યાં આ વૃક્ષો લાંબો સમય ટકતા નથી.  

ટ્રી મેન નામથી જાણીતા રાજસ્થાનના રમણ લાંબા ઠેર-ઠેર આ વૃક્ષને લગાવવાનું કામ કરી રહ્યા છે. ત્યાં આ વૃક્ષને કલ્પવૃક્ષ તરીકે ઓળખે છે. આક્રિકામાં પણ આને કલ્પવૃક્ષ તરીકે ઓળખે છે. જેમ નાળિયેરીના એક એક ભાગનો ઉપયોગ થાય છે, તેમ આ વૃક્ષના એકે એક ભાગનો ઉપયોગ થાય છે. જૂના જમાનામાં આ વૃક્ષની છાલમાંથી રેસા કાઢીને માછીમારો જાળ બનાવતા હતા અને જ્યારે કપાસની શોધ નહોતી થઇ, ત્યારે તેમાંથી વસ્ત્રો પણ બનાવતા હતા.

22 વર્ષ પહેલા ખેતીમાં સુધારણા વિષે વાત કરવા અમે ગણપતપુરા ગામમાં અમે ગયા હતા, ત્યારે એક ખેડૂતે અમને આ વૃક્ષ બતાવ્યું હતું. ગામના લોકોને આ વૃક્ષ વિષે બહુ માહિતી નહોતી, પણ ગામના લોકો તેને ઘેલા ઝાડ તરીકે ઓળખતા હતા. પછી મેં આ વૃક્ષનો ખૂબ પ્રચાર કર્યો, મારા મિત્રોએ પણ મદદ કરી, દર રવિવાારે સ્કૂલમાંથી બાળકોને લઇ જતો હતો. અત્યાર સુધીમાં હું 30થી 35 હજાર લોકોને ત્યાં લઇ ગયો છું. હું અપીલ કરું છું કે, તમે આ વૃક્ષને જોવા જાવ અને તેના વિષે જાણો અને તેનું નુકસાન ન કરો. 

આ વૃક્ષ વિષે આપણે ત્યાં હજી ખૂબ જ રિસર્ચની જરૂર છે, જેથી નવા વૃક્ષો રોપીએ અને જૂના વૃક્ષોને પણ બચાવી શકીએ. લોકો વૃક્ષની કિંમત 10 નહીં 20 કરોડ કહે તો પણ માની લેવી કારણ કે, આ વૃક્ષ આપણને ખૂબ ઓક્સિજન આપે છે અને વૃક્ષ તેની આખી જિંદગીમાં આપણને જે ઓક્સિજન આપે છે, તેની કિંમત અમૂલ્ય છે. એવુ કહેવાય છે કે, 5 મોટા વૃક્ષો એની જિંદગીમાં જેટલો ઓક્સિજન આપે છે. એટલો ઓક્સિજન એક માણસ તેની જિંદગીમાં વાપરે છે. એટલે આ 950 વર્ષ જૂનું વૃક્ષે તેની જિંદગીમાં કેટલો બધો ઓક્સિજન, ફળ અને મધ આપ્યું હશે. આ પોપટનું સર્કિટ હાઉસ છે. મધમાખીઓનું ઘર છે. આ વૃક્ષની કિંમત 10 કરોડ કોઇ અતિશયોક્તિ નથી. તેની કિંમત આટલી આંકી શકાય. લોકોએ લગાવેલા વૃક્ષો સરકાર રહેવા દેતી નથી. કોર્પોરેશન આડેધડ આ વૃક્ષને કાપી રહ્યું છે. પણ સરકારે આ બાબતે યોગ્ય કામગીરી કરવી જોઇએ 

ગણપતપુરા ગામના રહેવાસી ગોપાલસિંહ પરમારે જણાવ્યું હતું કે. આ વૃક્ષ આશરે 950થી 1000 વર્ષ જુનું છે. બાઓબાબ નામના આ ઝાડને અહીંના સ્થાનિક લોકો ઘેલા ઝાડ તરીકે ઓળખે છે. 40થી 50 ફૂટ જેટલું જાડુ છે. આ વૃક્ષ સાઉથ આફ્રિકામાં ઘણા છે. પણ આટલું જૂનું અહીં એકમાત્ર વૃક્ષ છે. મારી ઉંમર 50 વર્ષની છે. હું નાનપથી આ ઝાડને જોતો આવ્યો છું. અમારા પૂર્વજોના સમયથી આ ઝાડની સેવા-પૂજા કરવા આવ્યા છે. આજે અમે લોકો પણ આ ઝાડની સેવા કરી રહ્યા છીએ. આજુબાજુના ગામડાના લોકો અહીં આ ઝાડને જોવા માટે આવે છે અને સાથે સાથે ઝાડના દર્શન પણ કરે છે. અહીં અલખધણી રામદેવપીર મહારાજનું મંદિર પણ છે, જેથી દર્શન માટે લોકો દૂર-દૂરથી આવે છે. અહીં દર બીજે 4થી 5 ભક્તો દર્શન માટે અહીં પહોંચે છે. અહીં અનેક લોકો પિકનીક માટે પણ આવે છે.

અમે જ્યારે નાના હતા, ત્યારે અમે અહીં ભેંસો ચરાવતા હતા અને તે સમયે ઝાડના મૂળ બહાર દેખાતા હતા અને ઝાડના મૂળ ઉપર બેસીને રમતા હતા, અમારા બાપ-દાદા કહેતા હતા કે, આ ઝાડના મૂળ 100-100 મીટર સુધી જમીનમાં ફેલાયેલા છે. આ ઝાડની કુપળો ફૂટે ત્યારે અમને ખબર પડી જાય છે કે, હવે વરસાદ આવશે એટલે અમે ખેતીની તૈયારીઓ કરી દઇએ છીએ. 

પહેલા લોકો કોઢની દવા માટે ઝાડની છાલ ઉખાડીને લઇ જતા હતા અને સફેદ ડાઘ પર છાલ લગાવતા હતા. જેનાથી એ ડાઘ દૂર થઈ જતાં હતા. એવી માન્યતા છે. જો કે, એનાથી ઝાડને નુકસાન થતું હોવાથી અમે ઝાલ ઉખાડવાનું બંધ કરાવી દીધુ હતું. અમે લોકો આ ઝાડની સુરક્ષા કરી રહ્યા છીએ. આ ઝાડના ફળનું સરબત બનાવીને પીવાથી એમાંથી વીટામીન સી મળે છે. આ ઝાડના બીજને અહીંથી લઇ જઇને ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ઉગ્યું નહોતું. સરકારે આ ઝાડની કિંમત 10 કરોડ રૂપિયા આંકી છે.

ગણપતપુરાના રહેવાસી વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે, પાદરાથી 2 કિલોમીટર દૂર અમારુ ગણપતપુરા ગામ આવેલુ છે. અહીં વિશાળકાળ અને ઐતિહાસિક આ બાઓબાબ ઝાડ છે. અમારા પૂર્વજો આ ઝાડને જોતા આવ્યા છે અને તેની પૂજા કરતા આવ્યા છે. આ ઝાડ દુઃખિયાના બેડા પાર કરે છે. આ ઝાડની ઉંચાઇ 90 ફૂટ જેટલી છે. હું ગામના લોકો અને હું પૂજા-સેવા કરીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news