વડોદરાઃ બિલ્ડર મિહીર પંચાલના મોતનું ઘૂંટાતું રહસ્ય, FSL અધિકારીનું સ્ફોટક નિવેદન

પોલીસ બિલ્ડર મિહીરના મોત બાદ તેના કોલ ડિટેલ્સની તપાસ કરી રહી છે. બિલ્ડર મિહીરે મોત પહેલા બપોરે 12.20 કલાકથી 12.35 કલાક 15 મિનિટ સુધી તેની પત્ની બંસી સાથે ફોન પર વાતચીત કરી હતી.

વડોદરાઃ બિલ્ડર મિહીર પંચાલના મોતનું ઘૂંટાતું રહસ્ય, FSL અધિકારીનું સ્ફોટક નિવેદન

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના બિલ્ડર મિહીર પંચાલનું કારમાં સળગી જવાથી મોત મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. ગઈકાલે તપાસ માટે પહોચેલા એફએસએલ અધિકારીએ કારમાં આગ લાગી તે પહેલા બિલ્ડર મિહીર બેભાન હોવાની આશંકા વ્યકત કરી છે જેના પગલે સમગ્ર કેસ વધુ ગુંચવાયો છે. 

બિલ્ડર મિહીરના મોત મામલે ગઈકાલે એફએસએલની ટીમ સ્થળ પર તપાસ માટે પહોચી હતી. જયાં તેમને તપાસ દરમિયાન 7 જેટલા નમૂના લીધા હતા. કારમાં આગ લાગવાનું કારણ એફએસએલ અધિકારીએ શોર્ટ સર્કિટ હોવાનુ કહ્યું હતું. સાથે જ તેમને કારમાં આગ લાગતા પહેલા બિલ્ડર મિહીર પંચાલ બેભાન હોવાની આશંકા પણ સેવી છે. કારણ કે જયારે આગ લાગી તે દરમિયાન મૃતક મિહીરે કોઈ જ મુવમેન્ટ નથી કર્યું. એફએસએલએ કોઈ બહારથી પેટ્રોલ છાંટી ગયુ હતું કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. 

પોલીસ બિલ્ડર મિહીરના મોત બાદ તેના કોલ ડિટેલ્સની તપાસ કરી રહી છે. બિલ્ડર મિહીરે મોત પહેલા બપોરે 12.20 કલાકથી 12.35 કલાક 15 મિનિટ સુધી તેની પત્ની બંસી સાથે ફોન પર વાતચીત કરી હતી. મિહીરે પત્ની બંસીને ફોન પર કહ્યું કે તે કર્મા સાઈટ પર જવાના છે. મિહીર તેની એન્ટીકા ગ્રીન વુડ સોસાયટીના ઘરેથી સવારે 10.30 વાગે નીકળ્યો, અને કાર બપોરે 12.46 વાગે સળગી હતી. મિહીરે તેની પત્ની બંસી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની માહિતી પણ સામે આવી છે.  મિહીરે તેના પત્ની પહેલા તેના પાર્ટનર ચેતન શાહ સાથે પણ સવારે 11.10 વાગે ફોન પર વાત કરી હતી અને તે ચેતનને મળવા નહી આવે તેવું કહ્યું હતું.

બિલ્ડર મિહીરના મોત મામલે વડોદરા તાલુકા પોલીસની તપાસ શરૂઆતથી જ શંકાના ઘેરામાં છે. તાલુકા પોલીસે મિહીરનું પોસ્ટમોર્ટમ સયાજી હોસ્પિટલમાં કરાવવાના બદલે બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવ્યું છે. સામાન્ય રીતે પોલીસ અજાણ્યા વ્યક્તિઓના અકસ્માત મોતના મામલામાં પીએમ માટે સયાજી હોસ્પિટલમાં દોડી જાય છે.

મિહીરનું પીએમ કરનારા તબીબોએ કોઝ ઓફ ડેથ પેન્ડીંગ રાખ્યું છે સાથે જ બિલ્ડરના દાંતના નમૂનાઓ લઈ ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત મૃતદેહના વિશેરા તપાસ અર્થે સુરત એફએસએલ ખાતે મોકલી આપ્યા છે. પોલીસ હાલમાં મિહીરની સોસાયટીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે સાથે જ સાક્ષીઓ અને પરિવારના સભ્યોના નિવેદનો લઈ રહી છે. ત્યારે એફએસએલ રિપોર્ટ બાદ જ મિહીર પંચાલના મોતનું સાચુ કારણ સામે આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news