વલસાડમાં ખૂનીખેલ : પિયરમાં રહેતી પત્નીને પતિએ રસ્તા વચ્ચે રહેંસી નાંખી

Updated By: Jul 10, 2021, 11:06 AM IST
વલસાડમાં ખૂનીખેલ : પિયરમાં રહેતી પત્નીને પતિએ રસ્તા વચ્ચે રહેંસી નાંખી
  • એમ્બ્યુલન્સમાં લઈ જતા વખતે મમતાએ મોબાઇલમાં પોતાનું અંતિમ નિવેદન આપ્યું હતું કે,  પુનિત નામના યુવકે તેના પર હુમલો કર્યો હતો

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં શુક્રવારની રાત્રે સનસની મચી જવા પામી હતી. ગામમાં રહેતી મમતા મિતના નામની એક યુવતી ગામના રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડી હતી. તેના ગળાના ભાગે મોટા પ્રમાણમાં લોહી નીકળતા જોઈને સ્થાનિક લોકો ચોંકી ગયા હતા. ઘટનાને પગલે પરિવાર મમતાને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જોકે એમ્બ્યુલન્સમાં લઈ જતા વખતે મમતાએ મોબાઇલમાં પોતાનું અંતિમ નિવેદન આપ્યું હતું કે,  પુનિત નામના યુવકે તેના પર હુમલો કર્યો હતો. પુનિત બીજો કોઈ નહિ, પરંતુ તેનો જ પતિ હતો.

આ પણ વાંચો : Where is my mom : સ્વીટી પટેલને શોધવા વિદેશમાં રહેતા પુત્રએ facebook પર મદદ માંગી

પુનિત અને મમતાનું લગ્ન જીવન માત્ર 4 વર્ષ જ ચાલ્યું હતું. છેલ્લા છ વર્ષથી પુનિત અને મમતા એકબીજાથી અલગ રહેતા હતા. બંને વચ્ચે મનમેળ ન હોવાના કારણે મમતા પોતાના પિતાના ઘરે રહે જ રહેતી હતી. બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ બોલચાલનો સંબંધ ન હતો. તેનો પતિ પુનિત ફણસા ગામમાં જ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે મોડી સાંજે મમતા એકલી ચાર રસ્તા પરથી જઈ રહી હતી, ત્યારે અચાનક જ પુનિતે મમતા પર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો અને રિક્ષા લઈને ફરાર થઇ ગયો છે. આ ઘટનામાં મમતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મમતાના પરિવારજનો વલસાડ પોલીસ પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે. 

જોકે, મમતાએ મરતા પહેલા એમ્બ્યુલન્સમાં મોબાઈલ દ્વારા પોતાનું નિવેદન આપ્યું હતું. જેને કારણે તેના હત્યારાની માહિતી મળી હતી. હાલ પોલીસ તેના હત્યારાને પકડવા મથી રહી છે. 

આ પણ વાંચો : એક યુવતીને પામવા બે યુવકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, અને વચ્ચે પડેલા ભાઈનો ગયો જીવ

ઉમરગામના ફણસામાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની મમતાનું મોત થવાથી ઉમરગામ પોલીસ હરકતમાં આવી હતી. ઉમરગામ પોલીસે આરોપી પતિ પુનિતને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી પોતે રિક્ષાચાલક હોવાથી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે બાતમીદારો અને મોબાઇલ નેટવર્ક સક્રિય કરી ભાગેડુ પતિને તાત્કાલિક આપવા વિવિધ ટીમો બનાવી છે.

મમતા અને પુનિતના આ વિવાદમાં હાલ મમતાનું મોત થયું છે અને પતિ પુનિત હાલ ફરાર છે. જેના કારણે દંપતીના બંને બાળકો નોંધારા બન્યા છે. પરિવારે ખૂની પતિને પુનિતને તાત્કાલિક ઝડપી લેવા માંગ છે. તો ઉમરગામ પોલીસ પણ ફરાર પતિ પુનિતને ઝડપવા ટીમો બનાવી છે.