J&K: ભારતીય સેના આકરા પાણીએ, ખતરનાક આતંકી મૂસાની ટેરર ટીમને ઉખાડી ફેંકી

જમ્મુ અને કાશ્મીરમાં પાંચ અન્ય આતંકીઓ સાથે આતંકી સંગઠન અંસાર  ગજવત ઉલ હિંદનો પ્રમુખ સોલિહા મોહમ્મદ પણ માર્યો ગયો.

J&K: ભારતીય સેના આકરા પાણીએ, ખતરનાક આતંકી મૂસાની ટેરર ટીમને ઉખાડી ફેંકી

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં પાંચ અન્ય આતંકીઓ સાથે આતંકી સંગઠન અંસાર  ગજવત ઉલ હિંદનો પ્રમુખ સોલિહા મોહમ્મદ પણ માર્યો ગયો. ગજવત ઉલ હિંદ આતંકી ઝાકિર મૂસાનું સંગઠન છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ અથડામણમાં માર્યા ગયેલા તમામ આતંકીઓની ઓળખ  જાહેર કરી છે. પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ માર્યા ગયેલા તમામ આતંકીઓ કાશ્મીરના રહેશ હતાં અને તમામ આતંકીઓ મૂસાના અંસાર ગજવત ઉલ હિંદ સાથે જોડાયેલા હતાં. તેમણે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓના નામ સુલીહા મોહમ્મદ અખૂન (આરમપોરા), રસિક મીર, રઉફ મીર, ઉમેર રમજાન (દાદસરા), નદીમ સોફી (બતગુંડ), ફૈઝલ ઝવીદ ખાંદે (અવંતીપોરા) તરીકે થઈ છે. આ આખી  ગેંગ મૂસાની ટેરર ગેંગ તરીકે કાર્યરત હતીં અને આ કાર્યવાહીને મૂસા ગેંગ માટે મોટો ફટકો ગણવામાં આવી રહી છે. 

સેના, સીઆરપીએફ અને એસઓજીએ મૂસાની આ ગેંગનો સફાયો કરી નાખ્યો. ગેંગના આતંકીઓના સફાયા બાદ હવે સુરક્ષાદળોના નિશાના પર ખુદ આતંકી મૂસા છે. આ આતંકી થોડા સમય પહેલા પંજાબમાં જોવા મળ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે માર્યા ગયેલા તમામ આતંકીઓ અનેક વારદાતમાં સામેલ રહ્યાં છે. જેમાંથી હાલમાં જ અવંતીપોરા જિલ્લા પોલીસ પર થયેલો ગ્રેનેડ હુમલો પણ સામેલ છે. તેમણે કહ્યું કે કાયદાકીય કાર્યવાહી બાદ આતંકીઓના મૃતદેહો તેમના પરિજનોને સોંપી દેવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે સેનાની 42 રાષ્ટ્રીય રાયફલ, એસઓજી અને સીઆરપીએફે મળીને આતંકીઓને પકડવા માટે પાડેલા દરોડા દરમિયાન છૂપાયેલા આતંકીઓ પર વોર્નિંગ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી. 

હવે મૂસા ગેંગમાં 2 જ આતંકીઓ?
કહેવાય છે કે છ આતંકીઓના સફાયા બાદ ઝાકિર મૂસા ગેંગમાં માત્ર બે જ સક્રિય સભ્યો બચ્યા છે. સુરક્ષાદળોના હિટલિસ્ટમાં ઝાકિરનું નામ પહેલેથી છે. આવામાં ગેંગનું નામોનિશાન જલદી જ મટી શકે છે. આજી કાશ્મીર એસપી પાનીએ એન્કાઉન્ટરમાં ટીમ મૂસાના સફાયા અંગે પુષ્ટિ કરતા કહ્યું કે સુરક્ષાદળોના ઓપરેશન દરમિયાન 6 આતંકીઓ માર્યા ગયાં. આ દરમિયાન સુરક્ષાદળોને કોઈ નુકસાન પહોંચ્યું નથી. 

મૂસાને લઈને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એલર્ટ જારી
પંજાબમાં આતંકી ઝાકિર મૂસા હોવાની આશંકા વચ્ચે શ્રીગંગાનગર પોલીસ પણ પહેલેથી ચોક્કસ છે. જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને આર્મી એરિયા સહિત સંવેદનશીલ વિસ્તારોની ખાસ નિગરાણી રાખવાનો આદેશ મળ્યો છે. શ્રી ગંગાનગર પોલીસ અધિક્ષક તરફથી જિલ્લાના એડિશનલ એસપી, એસીપી અને પોલીસ અધિકારીઓને એક આદેશ જારી કરીને કહેવાયું છે કે આતંકવાદી ઝાકિર મૂસા ચીફ અંસાર ગજવાતુલ હિંદ પંજાબના ફિરોઝપુર, ફાઝિલ્કા, અબોહર, મુક્સર તથા તેના નજીકના આર્મી સહિતના સંવેદનશીલ વિસ્તારો પર આતંકી હુમલાની ઘટનાને અંજામ આપી શકે છે. આથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પોતાના ક્ષેત્રાધિકારમાં સ્થિત આર્મી વિસ્તારો તથા મહત્વપૂર્ણ સંવેદનશીલ સંસ્થાનોમાં આવી ઘટનાઓને રોકવાના હેતુ નિગરાણી તથા આવશ્યક મેનેજમેન્ટ સુનિશ્ચિત કરે. 

કોણ છે ઝાકિર મૂસા
અત્રે જણાવવાનું કે ઝાકિર મૂસાનું અસલ નામ ઝાકિર રશીદ ભટ છે. સૂત્ર જણાવે છે કે પહેલા તે જેહાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો. ત્યારબાદ તેણે કાશ્મીરમાં સક્રિય નવા આતંકી જૂથ અંસાર ગજવાત ઉલ હિંદની કમાન સોંપાઈ હતી. કહેવાય છે કે મૂસા ભણેલા ગણેલા પરિવારમાંથી આવે છે અને તેણે ચંડીગઢ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ દરમિયાન 2013માં અભ્યાસ અધવચ્ચે છોડીને આતંકનો રસ્તો અપનાવ્યો હતો. 

જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીથી અકળાયેલા આતંકી ઝાકિર મૂસા અંગે સતત ગુપ્તચર એજન્સીઓ જણાવી રહી છે કે તે કોઈ મોટા હુમલાની ફિરાકમાં છે. મળતી માહિતી મુજબ આતંકી સંગઠન અંસાર ગજાવહત ઉલ હિંદનો ચીફ મૂસા કાશ્મીરમાં આતંકીઓની ભરતી કરે છે. એટલું જ નહીં ઝાકિર મૂસા તેના ડેપ્યુટી રેહાન સાથે મળીને જમ્મુ અને કાશ્મીર તથા પંજાબ પોલીસકર્મીઓ પર ફિદાયીન હુમલાની તૈયારીઓ પણ કરી રહ્યો છે. 

ગુપ્તચર અહેવાલોમાં જણાવાયું છે કે આતંકી રેહાને હુમલાની તૈયારીને લઈને પંજાબ અને જમ્મુ પોલીસની અનેક જગ્યાઓની રેકી કરી છે. ગુપ્તચર એજન્સીઓ સતત તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news