Congress માં આંતરિક વિખવાદ, કપિલ સિબ્બલ પર ભડકી ગયા અધીર રંજન ચૌધરી!, જાણો શું કહ્યું?
Trending Photos
નવી દિલ્હી: હાલ કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. એવું મનાઈ રહ્યું છે કે કોંગ્રેસ (Congress) પાર્ટીમાં ફૂટફાટનો દોર શરૂ થઈ ગયો છે. પાર્ટીના કદાવર નેતા પરિવારવાદના રાજકારણથી તંગ આવી ગયા છે. આવામાં તેમની નારાજગી હવે ખુલીને સામે આવવા લાગી છે. ત્યારબાદ ગાંધી પરિવારના લાડલા નેતાઓએ એક પરિવારને ખુશ કરવા માટે અવાજ ઉઠાવનારા નેતાઓની ઝાટકણી કાઢવા માંડી છે.
કોંગ્રેસમાં ખેંચતાણ વધી
હાલનો આ રાજકીય ગરમાવો જોઈને એવું કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીમાં બધુ ઠીકઠાક નથી. બિહાર ચૂંટણીમાં સજ્જડ હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવામાં જ્યારે પાર્ટીના જ કોઈ નેતા કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ પેદા કરે ત્યારે પાર્ટીની ફજેતી થઈ જાય છે. કપિલ સિબ્બલે પણ પોતાનો અસંતોષ ખુલીને વ્યક્ત કર્યો અને પાર્ટીની બેદરકારીને ઉજાગર કરી. ત્યારબાદ ગાંધી પરિવારના ખાસ નેતાઓએ સિબ્બલને ઝાટકવાનું શરૂ કરી દીધુ.
સિબ્બલના કયા નિવેદન પર બબાલ?
હકીકતમાં કોંગ્રેસ પાર્ટીના કદાવર નેતા ગણાતા કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યુ દરમિયાન પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે "કોંગ્રેસ પાર્ટી દોઢ વર્ષથી અધ્યક્ષ વગર કામ કરી રહી છે, અને પાર્ટીના કાર્યકરો ફરિયાદ લઈને ક્યાં જાય." સિબ્બલના આ નિવેદન પર જાણે કોંગ્રેસમાં આંતરિક યુદ્ધ છેડાઈ ગયું. એક પછી એક વાર પલટવારનો સિલસિલો ચાલી રહ્યો છે. જો કે હાલના દિવસોમાં કોંગ્રેસમાં મચેલા ઘમાસાણથી એવું લાગી રહ્યું છે કે પાર્ટીના બે ફાડા પડી ગયા છે. એક ભાગ ગાંધી પરિવારની ચમચાગીરી કરવામાં પોતાની વફાદારી સમજી રહ્યો છે જ્યારે બીજો ભાગ હવે આ પરિવારવાદથી કંટાળી ગયો છે.
સિબ્બલના આ નિવેદન પર અશોક ગેહલોત બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ આકરો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે તેઓ (કપિલ સિબ્બલ) અમારા નેતા નથી કે તેમના બધા નિવેદનો પર જવાબ આપવામાં આવે.
પાર્ટીની કાર્યશૈલી પર પ્રશ્નચિન્હ
કપિલ સિબ્બલે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોંગ્રેસ દોઢ વર્ષથી પાર્ટી અધ્યક્ષ વગર હતી કારણ કે રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે તેઓ પાર્ટી પ્રમુખ બનવામાં રસ ધરાવતા નથી. તેમણે કહ્યું કે દોઢ વર્ષ સુધી કોઈ પાર્ટી નેતા વગર કામ કેવી રીતે કરી શકે. કોંગ્રેસ કાર્યકરો નથી જાણતા કે ક્યાં જવું. સિબ્બલે કહ્યું કે હાલની ચૂંટણીથી જાણવા મળે છે કે યુપી જેવા રાજ્યો ઉપરાંત અન્ય જગ્યાએ કોંગ્રેસની સ્થિતિ કેવી છે.
અધીર રંજન ચૌધરીનો પલટવાર
અધિર રંજન ચૌધરીએ કપિલ સિબ્બલના નિવેદન પર કહ્યું કે કોંગ્રેસની કાર્ય કરવાની એક શૈલી છે, પાર્ટીના નવા અધ્યક્ષને લઈને કામ થઈ રહ્યું છે. જ્યારે તે પૂરું થઈ જશે ત્યારે તેની જાહેરાત થશે. કપિલ સિબ્બલ પર હુમલો કરતા કહ્યું કે અમારે કપિલ સિબ્બલની દરેક વાત પર કોમેન્ટ કરવી જરૂરી નથી, તેઓ અમારા નેતા નથી.
તો શું પછી માની લેવું કે કપિલ સિબ્બલને પાર્ટીએ નકારી દીધા છે તેમને પાર્ટીમાંથી કાઢવાની તૈયારીઓ ચાલે છે? શું તેમને ગાંધી પરિવારના વફાદાર અને મેડમ સોનિયા, રાહુલબાબા અને પ્રિયંકા વાડ્રા કોંગ્રેસમાંથી બહાર કાઢવાના છે? આવા સવાલ ઉઠે તે સ્વાભાવિક છે કારણ કે અધિર રંજન ચૌધરી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી છે કે કપિલ સિબ્બલ અમારા નેતા નથી. તેનો અર્થ એ થયો કે તેમને કોંગ્રેસમાંથી ભગાડવાની તૈયારીઓ થઈ રહી છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે