CWC Meeting: કોંગ્રેસમાં બે ફાડા, એક તરફ 'ગાંધી'- બીજીતરફ 'બળવાખોર'

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મહાભારત શરૂ થઈ ગયું છે. સોનિયા ગાંધીના અંતરિમ અધ્યક્ષ પદેથી રાજીનામાની રજૂઆત કરી અને સાથે તે પત્રનો જવાબ પણ આપ્યો જેમાં નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

CWC Meeting: કોંગ્રેસમાં બે ફાડા, એક તરફ 'ગાંધી'- બીજીતરફ 'બળવાખોર'

નવી દિલ્હીઃ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મહાભારત શરૂ થઈ ગયું છે. સોનિયા ગાંધીના અંતરિમ અધ્યક્ષ પદેથી રાજીનામાની રજૂઆત કરી અને સાથે તે પત્રનો જવાબ પણ આપ્યો જેમાં નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ સમિતિ બે ભાગમાં વિભાજીત થઈ ગઈ. એક તરફ ગાંધી પરિવારના સમર્થનમાં લોકો જોવા મળ્યા તો બીજી તરફ બળવાખોર નેતાઓએ પોતાના આકરા તેવર જણાવીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. 

સોનિયા ગાંધીના સમર્થનમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા એકે એન્ટોનીએ પત્ર લખવાના પગલાની ટીકા કરી અને નેતૃત્વમાં પરિવર્તનની માગ રાખનારા નેતાઓ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં લેટરના સમય પર સવાલ ઉઠાવતા ત્યાં સુધી કહ્યું કે, પત્ર ભાજપની સાથે મિલીભગત કરીને લખવામાં આવ્યો છે. રાહુલ બાદ પ્રિયંકાએ પણ ગુલામ નબીને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 

રાહુલ ગાંધીએ ગુસ્સામાં કહ્યું કે, સોનિયા ગાંધીના હોસ્પિટલમાં દાખલ થવા સમયે પાર્ટી નેતૃત્વને લઈને પત્ર કેમ મોકલવામાં આવ્યો હતો? તેમણે બેઠકમાં કહ્યું કે, પાર્ટી નેતૃત્વ વિશે સોનિયા ગાંધીને પત્ર તે સમયે લખવામાં આવ્યા જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ સંકટનો સામનો કરી રહી હતી. પત્રમાં જે લખવામાં આવ્યું હતું તેના પર ચર્ચા કરવાનું યોગ્ય સ્થાન CWCની બેઠક છે, મીડિયા નહીં. તેમણે આરોપ લગાવ્યો કે આ પત્ર ભાજપની સાથે મિલીભગત કરીને લખવામાં આવ્યો છે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નાગાજરી વ્યક્ત કરી હતી. પ્રિયંકા ગાંધી ગુલામ નબી આઝાદના વલણને લઈને નારાજ છે. 

ગાંધી પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને ગુલામ નબી આઝાદ રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, જો મિલીભગત સાહિત થઈ તો તેઓ રાજીનામુ આપી દેશે. પરંતુ આઝાદે જવાબ આપતા સમયે રાહુલ ગાંધીનું નામ લીધું નથી. તો કપિલ સિબ્બલે પણ ટ્વીટ કરીને રાહુલના આરોપોનો જવાબ આપ્યો પરંતુ બાદમાં તે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. 

તો કપિલના ટ્વીટ પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, રાહુલ ગાંધીએ આ પ્રકારની (ભાજપ સાથે મિલીભગત) કોઈ વાત કરી નથી. આ પ્રકારના ખોટા સમાચારોથી ભ્રમિત ન કરો. આપણે સામ-સામે લડવા કે કોંગ્રેસ પાર્ટી સાથે લડવાની જગ્યાએ નિરંકુશ મોદી સરકાર સામે મળીને લડવું જોઈએ.

આ વચ્ચે જ્યારે બેઠક થઈ તો તમામ પ્રકારની ખબરો બહાર આવવા લાગી. આ લડાઈમાં કોંગ્રેસની પૂર્વ સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદના રામ્યા પણ કુદી છે. તેણે આરોપ લગાવ્યો કે તેણે માત્ર મીડિયાને પત્ર લીક કર્યો નથી, પરંતુ હાલ ચાલી રહેલી કાર્યસમિતિની બેઠકની દરેક જાણકારી પણ આ નેતા મીડિયામાં લીક કરી રહ્યાં છે. 

મહત્વનું છે કે સોનિયા ગાંધીને 7 ઓગસ્ટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ એક પત્ર લખીને કોંગ્રેસ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના 23 નેતાઓના હસ્તાક્ષર સાથે પત્રમાં લખવામાં આવ્યો હોવાની માહિકી મળી છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે માત્ર 23 નહીં, પરંતુ દેશભરના કુલ 303 કોંગ્રેસ નેતાઓએ ડિજિટલ માધ્યમથી આ પત્ર પર સહમતિ વ્યક્ત કરી હતી. 

સોનિયા ગાંધી માટે લખાયેલા પત્રમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, શશિ થરૂર, જિતિન પ્રસાદ, મુકુલ વાસનિક, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, મિલિંદ દેવડા, રેણુકા ચૌધરી, અખિલેશ પ્રસાદ, પીજે કુરિયન, સંદીપ દીક્ષિત, ટીકે સિંહ, કુલદીપ શર્મા, વિવેક તન્ખા, પૃથ્વીરાજ ચવ્હાણ, મનીષ તિવારી અને અરવિંદર સિંહ લવલી જેવા વરિષ્ઠ નેતાઓના નામ છે, જે પાર્ટી નેતૃત્વમાં પરિવર્તન ઈચ્છે છે. 

તો કોંગ્રેસના હાલના ત્રણ મુખ્યમંત્રી મજબૂત રીતે ગાંધી પરિવારના સાથે જોવા મળી રહ્યાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે જાહેર રીતે ગાંધી પરિવાર પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસની બેઠકમાં આ ત્રણેય મુખ્યમંત્રીઓ ગાંધી પરિવારની પક્ષમાં જોવા મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news