Registration for Vaccine: 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે, જાણો સમગ્ર વિગતો

આ તબક્કામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 18થી વધુ ઉંમરના લોકોએ રસી લેવા માટે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

Registration for Vaccine: 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે, જાણો સમગ્ર વિગતો

નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણનો આગામી તબક્કો 1 મેથી શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધી 45 વર્ષથી ઉપરના લોકો જ કોરોનાની રસી મૂકાવી શકતા હતા પરંતુ 1 મેથી સમગ્ર દેશમાં 18 વર્ષ અને તેથી વધુ વયના દરેક વ્યક્તિ રસી માટે યોગ્યતાપાત્ર રહેશે. જો કે આ તબક્કામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 18થી વધુ ઉંમરના લોકોએ રસી લેવા માટે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જે બુધવારે સાંજે 4 વાગે શરૂ થઈ જશે. 45 વર્ષથી ઉપરના લોકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પહેલાની જેમ ઉપલબધ રહેશે. આવો જાણીએ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને તે સંલગ્ન તમામ વાતો...

કોરોનાથી બચવા માટે રસી લેવા 18થી 45 વર્ષની વયના લોકો માટે કોવિન વેબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું અને રસીકરણ માટે સમય સ્લોટ લેવો જરૂરી કરી દેવાયો છે. જો કે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો રસીકરણ કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવીને રસી મૂકાવી શકે છે. રસીકરણ અભિયાનને 18 વર્ષ થી 45 વર્ષ સુધીના લોકો માટે ખોલ્યા બાદ જો ઓનસાઈટ રજિસ્ટ્રેશન એટલે કે રસીકરણ કેન્દ્રો પર રજિસ્ટ્રેશન થાત તો ખુબ ભીડ ઉમટી પડત. જે નિયંત્રિત કરવી એક પડકાર રહ્યો હોત. આ જ કારણ છે કે આ ઉંમરના લોકો માટે રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાયું છે. 

રજિસ્ટ્રેશન ક્યારથી?
રસી મૂકાવવા ઈચ્છુક 18 વર્ષથી વધુ વયના લોકો બુધવારે સાંજે 4 વાગ્યાથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 

ક્યાં કરી શકાશે રજિસ્ટ્રેશન?
કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. 

આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?
આરોગ્ય સેતુ એપ પર તમને Cowin નું ડેશબોર્ડ દેખાશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે લોગઈન/રજિસ્ટર પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા 10  અંકના મોબાઈલ નંબરને નાખવાનો રહેશે. તમારા નંબર પર ઓટીપી આવશે જેને એન્ટર કરવાથી તમારો મોબાઈલ નંબર વેરિફાય થશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થશે. તમારે તમારું નામ, જન્મતિથિ, જેન્ડર જેવી બેઝિક ડિટેલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ તમને એક પેજ દેખાશે જેના પર તમે વધુમાં વધુ 4 અન્ય લાભાર્થીઓને તે મોબાઈલ નંબરથી જોડી શકો છો. ત્યારબાદ જેવો તમે તમારો પિનકોડ નાખશો કે તમારી સામે વેક્સિનેશન સેન્ટરોની યાદી ઓપન થશે. તેમાંથી તમે તમારું મનગમતું સેન્ટર પસંદ કરો. તમને રસીકરણ ડેટ અને ટાઈમિંગની જાણકારી મળી જશે. 

કોવિન પોર્ટલ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?
કોવિન પોર્ટલ  (www.cowin.gov.in) પર જાઓ.  ત્યારબાદ તમારો 10 આંકડાવાળો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા વેરિફાય કરો. ઓટીપી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારી પ્રાથમિક જાણકારી જેમ કે નામ, જન્મતિથિ,વગેરે ભરવાની રહેશે. ત્યારબાદ તમારી નજીકનું કોવિડ રસીકરણ સેન્ટર પસંદ કરો. સેન્ટર પસંદ કર્યા બાદ ટાઈમિંગ સ્લોટ પસંદ કરો. બધી વિગતો ચકાસીને કન્ફર્મ કરો. તમારું સફળતાથી રજિસ્ટ્રેશન પૂરું થશે. 

May be an image of text

રસી માટે કિંમત?
મોટાભાગની રાજ્ય સરકારોએ 18 વર્ષથી વધુ વયના લોકો માટે પણ રસીકરણ વિનામૂલ્યે રાખ્યું છે. આથી સરકારી કેન્દ્રોમાં તો તમને તે વિનામૂલ્યે મળશે પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલોમાં ખર્ચ કરવો પડશે. હાલ ખાનગી કોવિડ-19 રસીકરણ કેન્દ્ર સરકાર પાસેથી રસીના ડોઝ લઈને 250  રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે લોકોને રસી આપે છે. 1 મેથી આ વ્યવસ્થા ખતમ થશે અને ખાનગી હોસ્પિટલોએ સીધી રસી નિર્માતાઓ પાસેથી ડોઝ ખરીદવા પડશે.  પ્રાઈવેટ હોસ્પિટલોને કોવિશીલ્ડ રસીનો ડોઝ 600 રૂપિયા પ્રતિ ડોઝ મળશે જ્યારે કોવેક્સિન રસીની કિમત 1200 રૂપિયા પ્રતિ ડોઝ ખાનગી હોસ્પિટલોએ ચૂકવવી પડશે. રાજ્ય સરકારો પણ હવે સીધી રસી નિર્માતા કંપનીઓ પાસેથી ડોઝ ખરીદી શકશે. રાજ્ય સરકારો માટે કોવિશીલ્ડની વેચાણ કિંમત એક ડોઝના 400 રૂપિયા જ્યારે કોવેક્સિનના એક ડોઝના 600 રૂપિયા રાખવામાં આવેલી છે. જો કે સરકારે રસી નિર્માતાઓને આ ભાવ ઓછા કરવા માટે કહ્યું છે. 

May be an image of Krushi Raval and text

ગુજરાતમાં રસી ફ્રી મળશે
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની રસી વિનામૂલ્યે આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. રાજ્ય સરકારે ફ્રી વેક્સીનેશન માટે કોવિશીલ્ડના 1 કરોડ અને કોવેક્સિનના 50 લાખ ડોઝનો ઓર્ડર પણ આપ્યો છે. ગુજરાતમાં પણ 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ ચાલુ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news