SCએ યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર

કર્ણાટકમાં યેદિયુરપ્પા મુખ્ય પ્રધાન તરીકે લેશે શપથ

SCએ યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હી : કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર પ્રતિબંધ મૂકવાની કોંગ્રેસની અપીલને કોર્ટે ફગાવી દીધી છે. આ મામલામાં રાજ્યપાલના નિર્ણય વિરૂદ્ધ કોંગ્રેસે બુધવારે રાત્રે જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ઉભા થયેલા રાજકીય સંકટ પર રાજ્યપાલ વજુભાઈ વાળાએ નિર્ણય કરી લીધો છે. ભાજપના નેતા મુરલીધર વાવે મીડિયાને જણાવ્યું કે, રાજભવનથી બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનો પત્ર મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, ગુરૂવારે સવારે 9 કલાકે યેદિયુરપ્પા મુખ્યપ્રધાન પદ્દના શપથ લેશે. રાજ્યપાલે યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. મુરલીધર રાવે કહ્યું કે, ભાજપે હંમેશા લોકતંત્રનું પાલન કર્યું છે અને અમે બહુમત સાબિત કરીશું. 

રાજ્યપાલના આ નિર્ણય પછી કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા અને કોર્ટના એડિ. રજિસ્ટ્રારને અપીલ સોંપી હતી. કોંગ્રેસની અપીલને સીજેઆઇ દીપક મિશ્રાના ઘરે લઈ જવામાં આવી. લાંબા સમય સુધી સુપ્રીમ કોર્ટ અને સીજેઆઇના ઘરની બહાર ચર્ચા ચાલી. બીજેપી તરફથી મુકુલ રોહતગી અને કેન્દ્ર તરફથી અટોર્ની જનરલ એ.કે. વેણુગોપાલે દલીલ કરી. રાતના 01.45 કલાકે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ અને સવારે 05.30 કલાકે કોર્ટનો નિર્ણય આવ્યો. 

કોર્ટે યેદિયુરપ્પાના શપથ ગ્રહણ સમારોહ પર પ્રતિબંધ મુકવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે યેદિયુરપ્પાને રાજ્યપાલને 15 મે અને 16 મેના દિવસે સોંપાયેલા પત્ર કોર્ટમાં જમા કરવાનું કહ્યું છે. કોર્ટ જાણવા માગે છે કે આખરે યેદિયુરપ્પાની ચિઠ્ઠીમાં એવું શું હતું કે રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. સુપ્રીમ કોર્ટે આજે બપોરે 2 વાગ્યા સુધી ચિઠ્ઠી કોર્ટમાં જમા કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે શુક્રવારે સવારે 10.30 વાગ્યે આ મામલે ફરી કોર્ટમાં સુનાવણી થશે. જાણકારોનું માનવું છે કે જો ચિઠ્ઠીમાં બહુમતીના આંકડાનો ઉલ્લેખ નહીં હોય તો રાજ્યપાલના નિર્ણય પર સવાલ ઉભા થશે. આ મામલામાં યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવાનો વિવાદ પણ ચાલે છે. આ મામલામાં યેદિયુરપ્પા અને રાજ્યપાલને નોટીસ આપીને પોતાનો પક્ષ રજુ કરવા માટે કહેવામાં આવ્યું છે. 

સમાચાર છે કે શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેલ થશે નહીં. બીજેપી નેતા મુરલીધર રાવે મીડિયાને જણાવ્યું કે, ગુરૂવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં માત્ર યેદિયુરપ્પા જ શપથ લેશે. અન્ય કોઈ મંત્રી શપથ ગ્રહણ કરશે નહીં. તેમણે કહ્યું કે, ગૃહમાં બહુમત સાબિત કર્યા બાદ યેદિયુરપ્પા સરકારના મંત્રીઓ શપથ લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news