દીપક અને બળદની જોડીના નિશાન કઈ રીતે કમળ અને પંજામાં ફેરવાયા, જાણો રાજકીય પક્ષોના ચૂંટણી ચિન્હોનો ચિતાર

ભારત હોય કે વિશ્વના કોઈપણ દેશ હોય તમામ જગ્યાએ રાજકીય પક્ષોનો દબદબો હોય છે. અને આવા સમયે રાજકીય પક્ષોને તેમના ચૂંટણી પ્રતીકોથી લોકો ઓળખતા હોય છે. રાજકીય પક્ષોના ચૂંટણી પ્રતીકો રાખવા પાછળનું મુખ્ય કારણ પાર્ટી અથવા ઉમેદવારને યાદ રાખવામાં મતદારોને મદદ મળે તેવો છે. ત્યારે કઈ રીતે ભાજપે કમળ અને કોંગ્રેસે પંજાના ચિન્હને પસંદ કર્યું એ કહાની પણ જાણવા જેવી છે. સાઇકલ, હાથી અને જાડુ એ કરી રીતે દેશની રાજનીતિમાં જમાવ્યું સ્થાન...આવી રસપ્રદ બાબતો જાણો આ આર્ટીકલમાં.

દીપક અને બળદની જોડીના નિશાન કઈ રીતે કમળ અને પંજામાં ફેરવાયા, જાણો રાજકીય પક્ષોના ચૂંટણી ચિન્હોનો ચિતાર

ક્રિતિકા જૈન, અમદાવાદઃ લોકો ચૂંટણી પ્રતીકને કારણે રાજકીય પક્ષોને યાદ રાખે છે. 1951માં સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત ચૂંટણીની શરૂઆત થઈ હતી. મતદાન કરતી વખતે મતદારોની સામે માત્ર ઉમેદવાર અને પાર્ટીનું નામ જ નહીં પરંતુ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રતીકો પણ હોય છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં પણ મતદારોને પોતાના ચૂંટણી પ્રતીકોને મત આપવા રીઝવતા હોય છે. અભણ લોકો માટે ચૂંટણી પ્રતીક જ એકમાત્ર એવું સાધન છે કે જેને લોકો મત આપવા માટે યાદ રાખી શકે છે.ચૂંટણી પ્રતીક પરથી પણ લોકો અનુમાન લગાવતા હોય છે કે કઈ પાર્ટી કેવી છે અને પાર્ટીનો શું ધ્યેય છે?

Image result for congress party symbol

જ્યારે કોઈ રાજકીય પક્ષ ચૂંટણી પ્રતીકની પસંદગી કરે છે, ત્યારે અંતિમ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવે છે. કોઈ પણ પક્ષને ફાળવવામાં આવ્યા ન હોય તેવા 100 ચૂંટણી પ્રતીકો નવી દિલ્હીમાં ચૂંટણી પંચની કચેરીએ જાળવી રાખવામાં આવતા હોય છે. તો આવો જાણીએ ભારતીય રાજકીય પક્ષોના ચૂંટણી પ્રતીકોનો ઈતિહાસ.

1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના ચૂંટણી પ્રતીક 'પંજા' પાછળની રસપ્રદ કહાની
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ સૌથી જુનું રાજકીય પક્ષ છે. INCની સ્થાપના 1880માં કરવામાં આવી હતી. આ પાર્ટીમાં ચૂંટણી પ્રતીકથી લઈ અનેક બદલાવો થયા. જવાહર લાલ નહેરુના નેતૃત્વમાં આ પાર્ટીનું ચૂંટણી પ્રતીક 2 બળદની જોડી હતું. જેમાં મુખ્યત્વે ખેડૂતોને દર્શાવવા અને તેમનું સમર્થન મેળવવા આ પ્રતીક પસંદ કરવામાં આવ્યું હતું. વર્ષ 1969માં પાર્ટીમાં 2 ભાગલા પડતા ચૂંટણી આયોગે આ ચિન્હ પાછું લઈ લીધુ હતું. ત્યારબાદ કામરાજના નેતૃત્વવાળી જૂની કોંગ્રેસ પાર્ટીને તિરંગામાં ચરખાનું પ્રતીક આપવામાં આવ્યું અને નવી કોંગ્રેસ પાર્ટીને ગાય અને વાછરડાનું પ્રતીક આપવામાં આવ્યું. પરંતું વર્ષ 1977માં ઈમર્જન્સી ખતમ થતાં જ ચૂંટણી આયોગે ગાય અને વાછરડાનું પ્રતીક પાછું લઈ લીધું. અને તે સમયગાળામાં જ થયેલી લોકસભાની ચૂંટણીમાં પૂર્વ PM ઈન્દિરા ગાંધી ભારે મતના અંતર સાથે હારી ગયા હતા.

આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પરેશાન થયેલા ઈન્દિરા ગાંધી શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના આશિર્વાદ લેવા પહોંચ્યા. એવું કહેવામાં આવે છે કે શ્રીમતી ગાંધીની વાત સાંભળીને શંકરાચાર્ય મૌન રહ્યા અને થોડા સમય પછી તેમણે તેમનો જમણો હાથ ઉંચો કરીને આશીર્વાદ આપ્યા. આ સાથે, ઇન્દિરા ગાંધીએ હાથના પંજાને ચૂંટણી પ્રતીક બનાવવાનો નિર્ણય કર્યો. બીજી બાજુ, જ્યારે નેતા બુટા સિંહ ચૂંટણી પંચની કચેરીએ ગયા ત્યારે ચૂંટણી પંચે તેમને ચૂંટણી પ્રતીક તરીકે હાથી, સાયકલ અને હાથના પંજાનો વિકલ્પ આપ્યો. ત્યારે ઇન્દિરા ગાંધીએ નેતા આર.કે. રાજરત્નમના આગ્રહ અને પહેલા કરેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને હાથના પંજાને ચૂંટણી પ્રતીક બનાવવાનો નિર્ણય કર્યો. ઈન્દિરા ગાંધીનું માનવું હતું કે, હાથનો પંજો શક્તિ, ઉર્જા અને એકતાનું પ્રતીક છે. અને બસ ત્યારથી જ કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક પંજો છે.

જોકે રશીદ કિડવાઈએ તેના આ પુસ્તકમાં અન્ય એક વાર્તાનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, 1977માં જયારે સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરુદ્ધ વાતાવરણ હતું ત્યારે લોકો "ગાય-વાછરડાં"નું ચૂંટણી પ્રતીક ધરાવતા કોંગ્રેસ પક્ષની હાંસી ઉડાવતા હતા અને આ પ્રતીકની સરખામણી ગાય એટલે ઇન્દિરા ગાંધી અને વાછરડું એટલે સંજય ગાંધી સાથે કરતા હતા. આ ઘટના બાદ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ નવું ચૂંટણી પ્રતીક ફાળવવા માટે એક અરજી આપીને રજુઆત કરવામાં આવી હતી. આ અરજી તત્કાલીન કોંગ્રેસ મહામંત્રી બુટાસિંહ દ્વારા આપવામાં આવી હતી. તે સમયે ઇન્દિરા ગાંધી વિજયવાડામાં નરસિમ્હા રાવ સાથે હતા. આ અરજીના પગલે ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને સાઇકલ, હાથી અને પંજા પૈકીનું કોઈ એક પ્રતીક પસંદ કરવા જણાવાયું હતું. ઇન્દિરા ગાંધીની મંજૂરી લેવા માટે બુટાસિંહે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી. મજેદાર વાત એ થઇ કે તે વખતે બુટાસિંહની બોલવાની શૈલી સમજી ન શકનારા ઇન્દિરા ગાંધીને હાથના બદલે હાથી સંભળાઈ રહ્યું હતું. આખરે આ વિડંબણાનો અંત નરસિમ્હા રાવ લાવ્યા અને ઈન્દિરા ગાંધીને સમજાવ્યા. નરસિમ્હા રાવ 12થી વધુ ભાષાના જાણકાર હતા. આખરે 'હાથ' ને 'હાથી" સમજનારા ઈન્દિરાજી માટે પંજો શબ્દ નરસિમ્હા રાવે સૂચવ્યો. આ નિશાન સાથે ઈન્દિરા ગાંધી સહમત થઇ ગયા.

2. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રતીક 'દીપક' થી 'કમળ' સુધીની કહાની
ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઈ હતી. BJPનું ચૂંટણી પ્રતીક કમળનું ફુલ છે. જોકે ભારતીય જનસંઘની સ્થાપના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ 1951માં કરી હતી. જેનું ચૂંટણી પ્રતિક દીપક હતું. આજના સમયમાં આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી તરીકે ઓળખાય છે. 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી. પાર્ટીનું પ્રથમ સત્ર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીની અધ્યક્ષતામાં મુંબઈમાં યોજાયું હતું. 1977માં દેશમાં ઈમર્જન્સી ખત્મ થયા બાદ જનસંઘને જનતા પાર્ટી બનાવવા માટે કેટલીક અન્ય પાર્ટીઓ સાથે હાથ મિલાવ્યો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પ્રતિક હળ સાથે ખેડૂત થયું. કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પ્રતિક કમળ બન્યું?

જ્યારે 1857માં બળવો થયો ત્યારે, રોટલી અને કમળના બીજનો ઉપયોગ માહિતી અને સંદેશા મોકલવા માટે કરવામાં આવતો હતો. પછીથી, જ્યારે અન્ય જગ્યાએ કેટલાક લોકોએ બ્રિટિશરો સામે બળવો કર્યો, ત્યારે તેઓએ ચૂંટણી પ્રતીક તરીકે કમળના ફૂલનો ઉપયોગ કર્યો હતો. આ બળવાખોરોમાં મોટાભાગના ઉચ્ચ જાતિના બ્રિટીશ ભારતીયો હતા અને તેમાં પણ ખાસ કરીને બ્રાહ્મણો કે, જેઓ પ્રાણીની ચામડી અને તેમના ઉત્પાદનમાંથી બનાવેલા શસ્ત્રોનો ઉપયોગ કરવા માંગતા ન હતા. ત્યારબાદ ભાજપના સ્થાપકોએ કમળને ચૂંટણી પ્રતીક તરીકે પસંદ કર્યા કારણ કે આ પ્રતીકનો ઉપયોગ પહેલા બ્રિટીશ શાસનની વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.

Image preview

3. બહુજન સમાજ પાર્ટી (BSP)
1984 માં બહુજન સમાજ પાર્ટીની રચના થઈ. ચૂંટણી પંચે હાથીને બસપાના ચૂંટણી પ્રતીક તરીકેની મંજૂરી આપી દીધી હતી. દેશભરમાં આસામ અને સિક્કિમ સિવાય પાર્ટી આ ચૂંટણી નિશાનીથી ચૂંટણી લડે છે. આ બંને રાજ્યોમાં પાર્ટીનું ચૂંટણી પ્રતીક નક્કી કરવામાં આવ્યું નથી. બસપા એ તેનું ચૂંટણી પ્રતીક હાથી રાખ્યું કારણ કે હાથી શારીરિક શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે. તે એક વિશાળ પ્રાણી છે અને સામાન્ય રીતે શાંત રહે છે. બહુજન સમાજનો અર્થ એ છે કે સમાજ જેમાં દલિત વર્ગોની સંખ્યા વધારે છે. ઉચ્ચ જાતિઓ અને તેમના દમન સામે સંઘર્ષ હાથીના ચિન્હને પંસદ કરી રજૂ કરવામાં આવ્યો છે.

4. અખિલ ભારતીય તૃણમુલ કોંગ્રેસ (TMC)
TMCનું ચૂંટણી પ્રતીક ફૂલ અને ઘાસ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું પાર્ટીનું સૂત્ર મા, માટી અને માણસ છે. તેનું ચૂંટણી પ્રતીક ફૂલ અને ઘાસ છે જે માટીથી જોડાયેલું છે જે માતૃત્વ અને રાષ્ટ્રવાદી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ચૂંટણી પ્રતીકમાં ફૂલો સૂચવે છે કે તૃણમુલ કોંગ્રેસ એવા તમામ સમાજને સમર્થન આપે છે જે લોકો નીચલા વર્ગના છે અને જેમનું શોષણ થાય છે.

5. આમ આદમી પાર્ટી (AAP)
અરવિંદ કેજરીવાલે વર્ષ 2012માં આમ આદમી પાર્ટીની રચના કરી હતી. દેશમાંથી ભ્રષ્ટાચાર હટાવવાના એકમાત્ર લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટીની શરૂઆત કરવામાં આવી હતી. આ જ લક્ષ્યને જનજન સુધી પહોંચાડવા આમ આદમી પાર્ટીએ સાવરણીને ચૂંટણી પ્રતિક તરીકે પસંદ કર્યું. આમ આદમી પાર્ટીનું સૂત્ર છે 'જાડૂ ચલાઓ, બેઈમાન ભગાઓ'. ભારતીય રાજકારણને ભ્રષ્ટાચારી નેતાઓથી મુક્ત કરવા આ સૂત્ર રાખવામાં આવ્યુ.

6. સમાજવાદી પાર્ટી
સમાજવાદી પાર્ટીની સ્થાપના મુલાયમ સિંહ યાદવે 4 ઓક્ટોબર 1992માં કરી હતી. આ પાર્ટીનું ચૂંટણી પ્રતીક સાઈકલ છે. જે લીલા અને લાલ કલરના ઝંડાની વચ્ચે છે. લાલ એ સંઘર્ષ અને ક્રાંતિકારી આદર્શોનો રંગ છે. લીલોતરી ઘાસ અથવા લીલોતરીનો સંકેત છે લીલો રંગ. લીલો રંગ આશાનું પણ સંકેત છે. સમાજવાદી પાર્ટીના ચૂંટણીનું પ્રતીકએ વિવિધ સમુદાયની પ્રગતિ અને વિકાસને દર્શાવે છે. તેમજ સાઈકલ કે જેનો ઉપયોગ કોઈ લક્ષ્ય સુધી પહોંચવા માટે વાહન તરીકે કરવામાં આવે છે.

7.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)
વર્ષ 1999માં 25 મેના રોજ NCPની રચના કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી પ્રતીક વાદળી રંગની ઘડિયાળ છે, જેમાં નીચે બે પાયા અને એલાર્મ બટન જોવા મળે છે. જે તિરંગામાં વચ્ચે મુકવામાં આવ્યું છે. ચૂંટણી પ્રતીક તરીકે ઘડિયાળ રાખવા પાછળનું મુખ્ય કારણ NCP તેના સિદ્ધાંતો પર કાયમ છે અને સખત સંઘર્ષ કરી શકે છે તેવું દર્શાવવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news