ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર અંગે આવ્યાં સારા સમાચાર, ધબ દઈને પછડાયું છતાં તૂટ્યું નથી, બિલકુલ સલામત છે

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ અંગે એક મોટી જાણકારી સામે આવી રહી છે. ઈસરોના જણાવ્યાં મુજબ વિક્રમ સુરક્ષિત છે અને તેને કોઈ નુકસાન થયુ નથી.

Updated By: Sep 9, 2019, 03:59 PM IST
 ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર અંગે આવ્યાં સારા સમાચાર, ધબ દઈને પછડાયું છતાં તૂટ્યું નથી, બિલકુલ સલામત છે

નવી દિલ્હી: ચંદ્રયાન-2ને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. આ મિશન સાથે જોડાયેલા ઈસરોના એક ઓફિસરે જણાવ્યું કે વિક્રમ લેન્ડર પૂર્વનિર્ધારિત જગ્યાની નજીક જ પડ્યું છે. મોટી વાત એ છે કે તેમા કોઈ તોડફોડ થઈ નથી. લેન્ડર ચંદ્રની સપાટી પર થોડું ત્રાસુ પડ્યું છે. તેમણે સોમવારે જણાવ્યું કે 'વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી છે અને ઓર્બિટરના કેમેરાએ જે તસવીર મોકલી છે તેનાથી જાણવા મળે છે કે તે નિર્ધારીત સ્થળની બિલકુલ નજીક પડ્યું છે. વિક્રમ તૂટ્યું નથી અને તેનો આખો ભાગ સુરક્ષિત છે.'

ફરીથી પોતાના પગ પર ઊભું થઈ શકે છે વિક્રમ
વિક્રમ લેન્ડર પોતાના નિર્ધારિત સ્થાનથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની સપાટી પર પડ્યું છે. પરંતુ જો તેની સાથે સંપર્ક થઈ શકે તો તે ફરીથી પોતાના ચાર પગ પર ઊભું થઈ શકે છે. ઈસરોના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેક્નોલોજી છે કે તે પડ્યા બાદ પણ પોતાની જાતે ઊભું થઈ શકે છે. પરંતુ તેના માટે જરૂરી એ છે કે તેની કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે સંપર્ક થઈ શકે અને તેના કમાન્ડ  રિસિવ થઈ શકે. જો કે આ કામના સફળ થવાની આશા તો માત્ર એક ટકો છે પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓછામા ઓછો એક ટકો પરંતુ આશા તો છે. 

ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરની નીચેની તરફ પાંચ થ્રસ્ટર્સ લાગેલા છે. જેના દ્વારા તેણે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. આ ઉપરાંત વિક્રમ લેન્ડરની ચારે બાજુ પણ થ્રસ્ટર્સ લાગેલા છે. જે અંતરિક્ષમાં મુસાફરી દરમિયાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવતા હતાં. આ થ્રસ્ટર્સ હજુ પણ સુરક્ષિત છે. લેન્ડરના જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટિના દબાયેલું છે તે જ ભાગમાં થ્રસ્ટર્સ પણ છે. જો પૃથ્વી પરના ગ્રાઉન્ડ સ્ટેશનથી મોકલવામાં આવેલા કમાન્ડને સીધા કે ઓર્બિટર દ્વારા દબાયેલા એન્ટિનાએ રિસિવ કરી લીધુ તો તેના થ્રસ્ટર્સને ઓન કરી શકાય છે. થ્રસ્ટર્સ ઓન થતા વિક્રમ એક બાજુથી પાછું ઉઠીને પોતાના પગ પર ઊભું થઈ શકે છે. જો આમ થયું તો આ મિશન સંબંધિત તમામ પ્રયોગ થઈ શકશે જે પહેલેથી ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2ને લઈને નક્કી કર્યા હતાં. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

સંપર્ક સાધવા માટે હજુ 11 દિવસ
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ તેમની પાસે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે હજુ 11 દિવસ છે. એક અનુમાન મુજબ ઈસરો પાસે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવા માટે 11 દવસ છે કારણ કે હાલ લૂનર ડે ચાલી રહ્યો છે. એક લૂનર ડે ધરતીના 14 દિવસ બરાબર હોય છે. જેમાંથી 3 દિવસ પસાર થઈ ચૂક્યા છે. એટલે કે આગામી 11 દિવસ સુધી તે ચંદ્રની સપાટી પર રહેશે. ત્યારબાદ ચંદ્ર પર રાત થઈ જશે જે પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. રાતે સંપર્ક સાધવામાં મુશ્કેલી આવશે. પછી ઈસરોના વૈજ્ઞાનિકોએ રાહ જોવી પડશે. 

આ અગાઉ રવિવારે ઈસરોના ચેરમેન કે સિવને કહ્યું હતું કે 'ઈસરોને વિક્રમ લેન્ડરના લોકેશનની જાણકારી મળી છે.' સિવને જણાવ્યું કે ઓર્બિટરે લેન્ડરની થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે. તેમણે કહ્યું કે 'જો કે હજુ સુધી લેન્ડર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. અમે સતત સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જલદી સંપર્ક થઈ શકશે.'અત્રે જણાવવાનું કે વિક્રમ લેન્ડરે લેન્ડિંગ સમયે રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગના તબક્કા સફળતાપૂર્વક પસાર કરી લીધા હતાં. પરંતુ સોફ્ટ લેન્ડિંગ થાય તેની 2.1 કિમી અગાઉ જ ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. લેન્ડરને શુક્રવાર-શનિવારની મધરાતે લભગગ 1:38 વાગે ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. વિક્રમે રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગના તબક્કા સફળતાપૂર્વક પાર કરી લીધા હતાં. પરંતુ સોફ્ટ લેન્ડિંગ પહેલા જ તેનો સંપર્ક ધરતી પરના ગ્રાઉન્ડ સ્ટેશન  સાથે તૂટી ગયો હતો. 

વિક્રમ મળી આવે તેવી હજુ પણ સંભાવના, કોશિશ ચાલુ-ઈસરો ચીફ
આ અગાઉ ઈસરો ચીફ કે.સિવને કહ્યું કે લેન્ડર વિક્રમ મળી આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે ઓર્બિટરની ઉંમર એક વર્ષ નહીં પરંતુ સાડા 7 વર્ષથી વધુ છે. પહેલા કહેવાયું હતું કે એક વર્ષની છે. તેનું કારણ એ છે કે તેની પાસે ઘણું ફ્યુલ વધેલુ છે. ઓર્બિટર પર લાગેલા ઉપકરણો દ્વારા લેન્ડર વિક્રમની ભાળ મળી જાય તેવી શક્યતા વધુ છે. 

જુઓ LIVE TV

ઓર્બિટર તમામ એ વસ્તુ કરશે જે લેન્ડર, રોવર ન કરી શકે
ચંદ્રયાન-2 પોતાના લક્ષ્યાંકમાં લગભગ 95 ટકા સફળ થયું છે. 2008ના ચંદ્રયાન-1 મિશન પ્રોજેક્ટ ડાઈરેક્ટર અને ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક એમ.અન્નાદુરાઈએ એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે ઓર્બિટર તમામ એ વસ્તુ કરશે જે લેન્ડર અને રોવર કરી શકે નહીં. તેમણે કહ્યું કે રોવરનો રિસર્ચ એરિયા 500 મીટર સુધીનો હોય છે. જ્યારે ઓર્બિટર તો લગભગ 100 કિમીની ઊંચાઈથી સમગ્ર ચંદ્રનું મેપિંગ કરશે. 

ચંદ્રને સ્પર્શવાનો અમારો સંકલ્પ વધુ મજબુત થયો છે-પીએમ મોદી
શનિવારે પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા કહ્યું હતું કે હું તમારા નિરાશ ચહેરા વાંચી શકું છું. વડાપ્રધાને લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયા બાદ વૈજ્ઞાનિકો સાથે વાત કરી. તેમણે કહ્યું કે ચંદ્રને સ્પર્શવાનો આપણો સંકલ્પ વધુ મજબુત થયો છે. આપણે ખુબ નજીક પહોંચી ગયા હતાં પરંતુ આપણે હજુ વધુ આગળ જવાનું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...