કોંગ્રેસમાં ટપોટપ પડી રહ્યાં છે રાજીનામા, હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદ છોડ્યું
લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. પાર્ટીના મોટા નેતાઓમાં જાણે રાજીનામાની હોડ લાગી છે.
Trending Photos
ભોપાલ: લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. પાર્ટીના મોટા નેતાઓમાં જાણે રાજીનામાની હોડ લાગી છે. ચૂંટણી પરિણામ આવ્યાં બાદ પહેલા તો પાર્ટીના કોઈ પણ મોટા નેતાએ પરિણામોની જવાબદારી ન લીધી પરંતુ જ્યારે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડ્યું તો અન્ય નેતાઓ ઉપર પણ નૈતિક દબાણ આવી ગયું. ત્યારબાદ તો જાણે પાર્ટીના નેતાઓમાં પદ છોડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. હવે કોંગ્રેસના યુવા ચહેરા ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદથી રાજીનામું આપી દીધુ છે. અત્રે જણાવવાનું કે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતે પણ આ વખતે લોકસભા ચૂંટણી હારી ગયા હતાં.
રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલુ છે. સિંધિયાનું રાજીનામું પણ આ જ કડીમાં પડ્યું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પણ અગાઉ પીસીસી ચીફના પદેથી રાજીનામું આપી ચૂક્યા છે.
દીપક બાબરિયા, વિવેક તન્ખા સહિત અનેક પદાધિકારીઓ પણ તમામ પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. જો કે આ તમામ રાજીનામા નવા કોંગ્રેસ અધ્યક્ષ આવશે પછી જ સ્વીકાર થશે. ત્યાં સુધી તેઓ પદ પર યથાવત રહેશે.
મોતીલાલ વોરા છે કાર્યકારી અધ્યક્ષ
રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા હાલ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ હારની જવાબદારી લેતા કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજનામું આપી દીધુ છે.
જુઓ LIVE TV
હરીશ રાવતે પણ આપ્યું રાજીનામું
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધુ. રાહુલ ગાંધીના રાજીનામા બાદ સૌથી પહેલું રાજીનામું તેમનું પડ્યું હતું.
પ્રિયંકાએ રાહુલના પગલાંને બિરદાવ્યું
રાહુલ ગાંધીના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાઈની પ્રશંસા કરતા કહ્યું હતું કે તમારા જેટલું સાહસ બહુ ઓછા લોકોમાં હોય છે. તમારા નિર્ણય પ્રત્યે પૂરેપૂરું સન્માન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે