બરાબર ટાંકણે જ કેજરીવાલ 'જેલમાંથી બહાર'... AAP અને ભાજપ બંનેને ફાયદો કેવી રીતે? ખાસ જાણો

Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે ચૂંટણીની મૌસમમાં આપ પ્રમુખને આપી. થોડા દિવસો માટે આવ્યા તો હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટીને કેજરીવાલના બહાર આવવાથી કેટલો ફાયદો થશે અને આઝાદ કેજરીવાલની ભાજપની રણનીતિ પર શું અસર પડશે?

બરાબર ટાંકણે જ કેજરીવાલ 'જેલમાંથી બહાર'... AAP અને ભાજપ બંનેને ફાયદો કેવી રીતે? ખાસ જાણો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂનીતિ કૌભાંડમાં વચગાળાના જામીન શરતોને આધીન મેળવી ગયા. જે રાહત હાઈકોર્ટમાંથી ન મળી તે સુપ્રીમ કોર્ટે ચૂંટણીની મૌસમમાં આપ પ્રમુખને આપી. થોડા દિવસો માટે આવ્યા તો હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટીને કેજરીવાલના બહાર આવવાથી કેટલો ફાયદો થશે અને આઝાદ કેજરીવાલની ભાજપની રણનીતિ પર શું અસર પડશે? કોંગ્રેસ માટે તેના શું તારણો છે?

આમ આદમી પાર્ટીને શું ફાયદો?
આમ આદમી પાર્ટીમાં આમ તો જોઈએ તો તમને ઘણા કદાવર નેતાઓ દેખાશે, સંજય સિંહની લોકપ્રિયતા ઓછી નથી. પરંતુ આમ છતાં આમ આદમી પાર્ટીમાં જુઓ તો અરવિંદ કેજરીવાલની આજુબાજુ જ બધુ તમને જોવા મળશે. જેના કારણે સીએમ કેજરીવાલની કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ થઈ તો તેની આમ આદમી પાર્ટીના પ્રચાર પર અસર જોવા મળી. આમ આદમી પાર્ટી ફક્ત સહાનુભૂતિ અને સુનીતા કેજરીવાલને આગળ કરીને માહોલ બનાવવાની કવાયત કરતી જોવા મળી. 

પરંતુ હવે જ્યારે અરવિંદ કેજરીવાલ પ્રચાર માટે બહાર આવી ગયા છે તો આમ આદમી પાર્ટીને રાહત મળી છે. પાર્ટી કાર્યકરોમાં એક અલગ જ પ્રકારનો જોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાતે જ્યારે કેજરીવાલને જામીન મળ્યા તો આપ કાર્યકરોએ જે પ્રકારે દીવાળી ઉજવી, જે રીતે નારાબાજી થઈ તે જ દર્શાવે છે કે આ રાજકીય પક્ષ માટે તો જાણે અસલ ચૂંટણી હવે શરૂ થઈ છે. 

બીજી બાજુ કેજરીવાલની વાત કરીએ તો કેજરીવાલનું વ્યક્તિત્વ જરાય કમ આંકી શકાય નહીં. કયા મુદ્દાને કઈ રીતે ચગવવો, માહોલ કેવી રીતે ઊભો કરવો તે તેમને સારી પેઠે આવડે છે. આ જ કારણે ચૂંટણીની બરાબર પહેલા બહાર આવવું એ ગ્રાઉન્ડ લેવલે મોટું પરિવર્તન પણ લાવી શકે. અત્યાર સુધી જેલમાં બેઠેલા કેદી કેજરીવાલ દ્વારા સહાનુભૂતિ મેળવવાની કોશિશ થતી હતી. પરંતુ હવે પોતાની આપવીતિ કહીને આઝાદ થયેલા કેજરીવાલ સહાનુભૂતિ ભેગી કરવાની કોશિશ કરશે. 

કેજરીવાલની પાર્ટી એ પણ જાણે છે કે અરવિંદ કેજરીવાલની અસર ફક્ત દિલ્હી સુધી સીમિત રહેવાની નથી પરંતુ તેમના બહાર આવવાથી પંજાબ હરિયાણા સુધી અસર જોવા મળી શકે છે. દિલ્હીની ચાર બેઠકો પર આમ આદમી ચૂંટણી લડી રહી છે. જ્યારે પંજાબમાં 12 અને હરિયાણામાં એક સીટ પર મેદાનમાં છે. હવે કેજરીવાલ પોતાના પ્રચાર દ્વારા માહોલ જમાવવાની કોશિશ કરી શકે છે. 

ભાજપને શું ફાયદો?
આમ તો કેજરીવાલનું બહાર આવવું એ ફક્ત આમ આદમી પાર્ટી માટે જ રાહતના સમાચાર નથી પરંતુ જો રાજકીય તારણો સમજીએ તો ભાજપ માટે પણ અહીં ફાયદો છૂપાયેલો છે. અસલમાં કેટલાક એવા સર્વે સામે આવ્યા હતા કે જ્યાં કહેવાયું હતું કે કેજરીવાલ જેલમાં હોવાના કારણે તેમની પાર્ટીને સહાનુભૂતિ મળી રહી છે અને કેટલીક બેઠકો પર ભાજપે તેનું નુકસાન ભોગવવું પડી શકે છે. આવામાં જો કેજરીવાલ બહાર ન આત તો ભાજપ માટે તે નરેટિવ સામે લડવું અશક્ય હોત. પ્રચાર દરમિયાન એ જ મુદ્દો ઊભો થાત કે દિલ્હીના સીએમને જેલમાં નાખવામાં આવ્યા. 

પરંતુ હવે જ્યારે કેજરીવાલ બહાર આવી ગયા છે તો ભાજપ પર ઓછામાં ઓછો એ આરોપ તો નહીં લાગી શકે કે ચૂંટણીની મોસમમાં સીએમને જેલમાં રાખ્યા છે. આ ઉપરાંત કેજરીવાલ જામીન પર બહાર નીકળ્યા છે તો તે આધારનો પણ ભાજપ ભરપૂર લાભ ઉઠાવી શકે છે. ક્લીન ચિટ મળવામાં અને ફક્ત જામીન મળવામાં ઘણો ફરક હોય છે. અહીં તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે 1 જૂન સુધી જામીન મળેલા છે એટલે કે ત્યારબાદ સરન્ડર કરવું પડશે. આ સરન્ડર શબ્દ જ ભાજપને રાજકીય ઈમ્યુનિટી બુસ્ટિંગનું કામ કરશે અને આપના સહાનુભૂતિ ફેક્ટરનું કાઉન્ટર પણ બની શકે છે. 

ભાજપને નેતાઓએ તો કહેવાનું પણ  શરૂ કરી દીધુ છે કે કેજરીવાલ પર ગંભીર આરોપ લાગ્યા છે, કોર્ટે એ વાત સ્વીકારી છે, ફક્ત જામીન પર છોડા દિવસો માટે બહાર જવાની મંજૂરી મળી છે. એટલે કે ભ્રષ્ટાચારની પીચ પર ભાજપ વધુ આક્રમક થઈને બેટિંગ કરશે. એ ન ભૂલવું જોઈએ કે આ અગાઉ રાહુલ અને સોનિયા ગાંધી ઉપર પણ આવા  હુમલા થતા રહ્યા છે કે બંને જામીન પર બહાર છે. ભાજપ સતત નેશનલ હેરાલ્ડનો મુદ્દો ઉઠાવીને કટાક્ષ કરવાનું કામ કરે છે. હવે આ અંદાજ આમ આદમી પાર્ટી અને કેજરીવાલને લઈને રહેવાનો છે. 

કોંગ્રેસ માટે શું છે અર્થ
કોંગ્રેસ પાર્ટી ઉપર પણ અરવિંદ કેજરીવાલના બહાર આવવાનો મુદ્દો અસર પાડવાનો છે. વાત જો નુકસાનની કરીએ તો કોંગ્રેસ ક્યારેય નહીં ઈચ્છે કે મુકાબલો મોદી વિરુદ્ધ કેજરીવાલ બને. આમ આદમી પાર્ટીની તો હંમેશા એ કોશિશ રહેતી હોય છે પરંતુ દેશની સૌથી જૂની પાર્ટી તેનાથી અસહજ છે. કારણ કે તે સ્થિતિમાં રાહુલ ગાંધીની દાવેદારી નબળી પડે છે. હાલ ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ પોતાની સ્થિતિને મજબૂત રાખવા માંગે છે. દેખાડવા ઈચ્છે છે કે રાહુલના નેતૃત્વમાં વિપક્ષી એકજૂથતા જોવા મળી રહી ચે. પરંતુ બીજી બાજુ આમ આદમી પાર્ટીના દરેક નેતા પણ એવું કહેતા થાકતા નથી કે મોદી ફક્ત અને ફક્ત કેજરીવાલથી ડરે છે. 

બીજી બાજુ જે પ્રકારે સુનીતા કેજરીવાલે ગત મહિને કેજરીવાલની ગેરહાજરીમાં અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની હાજરીમાં 6 ગેરંટીઓની જાહેરાત કરી હતી તેણે પણ કેજરીવાલની દાવેદારીને જ મજબૂત બનાવી. આવામાં હવે જ્યારે કેજરીવાલ પોતે બહાર છે, કોંગ્રેસે પણ પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડશે. એવો ફેરફાર જ્યાં કેજરીવાલ, રાહુલ ગાંધી પર ભારે ન પડે. જો ફાયદાની વાત કરી તો એ બસ એટલું જોઈ શકાય કે આવનારા દિવસોમાં કેજરીવાલ અને  રાહુલની સાથે જોઈન્ટ રેલી થઈ શકે છે. આવામાં ઈન્ડિયા ગઠબંધનને કેટલીક મજબૂતી મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news