MP: એકદમ ભાવુક થઈ ગયા આ નેતા, બોલ્યા-'PM મોદીની વાતો પર વિશ્વાસ ન કરતા'
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને દિગ્ગજ નેતા કમલનાથ ચૂંટણી સભામાં અચાનક જ ભાવુક થઈ ગયેલા જોવા મળ્યાં.
Trending Photos
સચિન ગુપ્તા, છીંદવાડા: કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને દિગ્ગજ નેતા કમલનાથ ચૂંટણી સભામાં અચાનક જ ભાવુક થઈ ગયેલા જોવા મળ્યાં. પોતાના સંસદીય મતવિસ્તાર છીંદવાડા પહોંચેલા મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર સભાઓ કરી. છીંદવાડાથી પોતાના સંબંધોનો ઉલ્લેખ કરતા કમલનાથ ખુબ ભાવુક થઈ ગયા. સંબોધનની વચ્ચે વચ્ચે પોતાના સમર્થનમાં લાગી રહેલા નારાને તેમણે 38 વર્ષના સંઘર્ષની ઉપલબ્ધિ ગણાવ્યાં. 80ના દાયકાના સાથીઓ અને વૃદ્ધોને યાદ કરતા તેમણે કહ્યું કે તેમના કારણે જ તેઓ આ જગ્યાએ પહોંચ્યા છે. તેમણે જનસભામાં હાજર લોકોને કહ્યું કે તાજેતરમાં પીએમ મોદીએ અહીં (છીંદવાડા) આવીને અનેક વાતો કરી હતી, પરંતુ તે બધી ખોટી હતી, તમે તેના પર બિલકુલ વિશ્વાસ કરતા નહીં.
તેમણે કહ્યું કે આજે આખા પ્રદેશની નજર છીંદવાડા પર ટકેલી છે. આવામાં મુદ્દો માત્ર ચૂંટણીનો નહીં પરંતુ 38 વર્ષોના અતૂટ સંબંધનો છે. છીંદવાડા જિલ્લાના ગ્રામ સાંવરીમાં ચૂંટણી સભાને સંબોધતા કમલનાથે કહ્યું કે હવે જુમલેબાજોની કલાકારીની રાજનીતિ ચાલશે નહીં. પ્રદેશના હેરાન પરેશાન ખેડૂતો, બેરોજગારો, યુવાઓ અને અસુરક્ષિત મહિલાઓ હવે તેમના દરેક જુમલાનો હિસાબ લેશે. આ અવસરે કમલનાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતાઓને પણ બરાબર આડે હાથ લીધા.
કમલનાથે કહ્યું કે છીંદવાડાની સભા દરમિયાન મોદીએ ખેડૂતો, યુવાઓ, જીએસટી, અને કમલનાથની વાત કરી હતી.હવે શું પીએમ મોદી અમને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવશે. પહેલા મોદી પોતાની પાર્ટીના ફક્ત એક એવા નેતાનું નામ બતાવે કે જેએ સ્વતંત્રસેનાની રહ્યાં હોય. નોંધનીય છે કે ગત દિવસોમાં 18 નવેમ્બરે પીએમ મોદીએ છીંદવાડામાં સભા દરમિયાન કમલનાથ પર આરોપોની વર્ષા કરી હતી.
'મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સત્તામાં લાવવા માટે તલપાપડ છું'
આ અગાઉ બુધનીમાં એક જનસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને કડક મુકાબલો ગણાવતા કહ્યું હતું કે રાજ્યમાં પોતાની પાર્ટીને સત્તા પર લાવવા માટે તલપાપડ છું. કોંગ્રેસ પાંચ કરોડવાળા આ વિશાળ રાજ્યમાં વર્ષ 2003થી સત્તાની બહાર છે. ભાજપે કોંગ્રેસને સત્તા પરથી હટાવી હતી. કોંગ્રેસ હવે ભાજપને સત્તા પરથી હટાવવા માટે તમામ કોશિશો કરી રહી છે અને વિધાનસભાની 230 બેઠકો માટે 28 નવેમ્બરે જે ચૂંટણી યોજાઈ રહી છે તે માટે આક્રમક પ્રચાર કરી રહી છે.
ભાજપે રાજ્યમાં ગત વિધાનસભા ચૂંટણીમાં 44.88 ટકા મતો સાથે 165 બેઠકો મેળવી હતી જ્યારે 42.67 ટકા મતો સાથે કોંગ્રેસને માત્ર 58 બેઠકો મળી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પાર્ટીના મહત્વપૂર્ણ પ્રચારક કમલનાથે પીટીઆઈ સાથેના એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તેઓ પાર્ટીના એક કાર્યકર્તા છે જે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સત્તા પર લાવવા માટે તલપાપડ છે.
કમલનાથે જો કે એ સવાલનો સીધે સીધો જવાબ ન આપ્યો કે ચૂંટણી જીત્યા તો શું તેમને મુખ્યમંત્રી બનાવી શકાય? કોંગ્રેસના ઉમેદવાર અરુણ યાદવના સમર્થનમાં બુધની વિધાનસભા બેઠક માટે પોતાની પહેલી પ્રચાર રેલીમાં તેમણે કહ્યું કે આ અંગે રાહુલ ગાંધીજી (કોંગ્રેસ અધ્યક્ષ) નિર્ણય કરશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બુધનીથી ભાજપના ઉમેદવાર છે અને પરંપરાગત રીતે આ સીટ ભાજપનો ગઢ ગણાય છે. અરુણ યાદવ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે અને થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડે પ્રદેશના નેતૃત્વમાં ફેરફાર કર્યો હતો.
રાજ્યમાં છીંદવાડા લોકસભા બેઠકથી સાંસદ કમલનાથે કોંગ્રેસ સત્તામાં આવે તો સરકારી પરિસરોમાં આરએસએસની શાખા આયોજિત કરવા પર પ્રતિબંધ લગાવવાના પાર્ટીના ઘોષણાપત્રના ઉલ્લેખથી છેડાયેલા વિવાદને લઈને ભાજપ પર પલટવાર કર્યો હતો. ભાજપના કેટલાક નેતાનો આરોપ છે કે કોંગ્રેસ આરએસએસ પર પ્રતિબંધ લગાવવા માંગે છે. જેના પર કમલનાથે કહ્યું કે તેમની પાર્ટી ફક્ત પ્રોટોકોલ લાગુ કરવા માંગે છે કે જે ચૌહાણ અગાઉ ભાજપના બે મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન લાગુ હતો.
તેમને જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું આ કોઈ એવો જંગ છે કે જ્યાં કોંગ્રેસની શાખનો નિર્ણય થશે. જેના પર કમલનાથે કહ્યું કે રાજકારણમાં કરો કે મરો જેવું કશું હોતુ નથી. પરંતુ નિશ્ચિત રીતે સમાજના દરેક તબક્કાને ઠગનારી આ સરકારને બેનકાબ કરવા માટેનો કડક મુકાબલો છે. 9 વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવનારા 72 વર્ષના નેતાએ કહ્યું કે 'આજ સવાલ છે કે લોકો કોના પર ભરોસો કરે છે અને મારું માનવું છે કે શિવરાજ સિંહ ચૌહાણજી અને મોદીજી (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) પ્રત્યે લોકોનો ભરોસો ખતમ થઈ ગયો છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે