TMC Chief Mamata Banerjee એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા, PM મોદીએ પાઠવી શુભેચ્છા
હાલમાં જ યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય સફળતા મેળવ્યા બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ આજે ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને શપથ લેવડાવ્યા.
Trending Photos
કોલકાતા: હાલમાં જ યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય સફળતા મેળવ્યા બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને શપથ લેવડાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી.
Mamata Banerjee takes oath as the Chief Minister of #WestBengal for a third consecutive term. She was administered the oath by Governor Jagdeep Dhankhar. pic.twitter.com/IXy05xNZPZ
— ANI (@ANI) May 5, 2021
દેશમાં સૌથી વધુ સમય સુધી સત્તામાં પર રહેનાર મહિલા મુખ્યમંત્રીની વાત કરીએ તો મમતા બેનર્જી (Mamata Banerjee) અને શીલા દિક્ષિત ઉપરાંત બે મોટા નામ જયલલિતા અને માયાવતીનું પણ છે. બંને ચાર-ચાર વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ વર્ષ 2011માં મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં સીપીઆઈ(એમ)ના સતત 34 વર્ષના લાંબા શાસનનો ખાતમો કરીને સત્તા મેળવી હતી. રાજ્યના આઠમા અને પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. હાલની ચૂંટણીમાં પણ ભાજપ તરફથી આકરો પડકાર મળ્યા બાદ પણ મમતા બેનર્જી પોતાની સીએમ પદની ખુરશી બચાવવામાં સફળ રહ્યા.
Congratulations to Mamata Didi on taking oath as West Bengal’s Chief Minister. @MamataOfficial
— Narendra Modi (@narendramodi) May 5, 2021
નંદીગ્રામમાં હારનો કરવો પડ્યો સામનો
જો કે જે નંદીગ્રામે તેમને પહેલીવાર રાજ્યની સત્તા અપાવી ત્યાંના લોકોએ આ વખતે દીદીને સ્વીકાર્યા નહીં. તેમના પૂર્વ સહયોગી રહી ચૂકેલા શુવેન્દુ અધિકારી સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો. શુવેન્દુએ તેમને 1956 મતથી હરાવ્યા. શુવેન્દુ અધિકારીને 1,10,764 મત મળ્યા જ્યારે મમતા બેનર્જીને 1,08,808 મત મળ્યા.
મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના પહેલા એવા મુખ્યમંત્રી બન્યા છે જેમણે વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ અગાઉ પશ્ચિમ બંગાળમાં જે પણ મુખ્યમંત્રી પોતાની સીટ બચાવી ન શક્યા તેમની પાર્ટીએ પણ રાજ્યની સત્તામાંથી બેદખલ થવું પડ્યું હતું.
રેલવેમંત્રીના પદેથી રાજીનામું આપીને બન્યા હતાં મુખ્યમંત્રી
વર્ષ 2011માં જ્યારે મમતા બેનર્જી પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ વિધાયક પણ નહતા. કેન્દ્રીય રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ ભવાનીપુર સીટથી વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા. હાલમાં થયેલી ચૂંટણીમાં તેમણે ભાજપને ખુલ્લો પડકાર આપવા માટે ભવાનીપુરની જગ્યાએ નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ બાજી તેઓ હારી ગયા.
32 વર્ષ બાદ હાર્યા ચૂંટણી
નંદીગ્રામની હાર મમતા બેનર્જીની રાજકીય કારકિર્દીની બીજી સૌથી મોટી હાર છે. વર્ષ 1989માં તેમણે લોકસભા ચૂંટણીમાં માલિની ભટ્ટાચાર્ય વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાની સીટ બદલી અને 1991થી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી દક્ષિણ કોલકાતા સીટથી સાંસદ તરીકે ચૂંટાી આવ્યા. દીદીએ 32 વર્ષ બાદ હારનો સામનો કરવો પડ્યો.
1997માં મમતા બેનર્જીએ મુકુલ રોય સાથે મળીને તૃણમૂલ કોંગ્રેસનો પાયો રાખ્યો હતો. 11 ડિસેમ્બર 1998ના રોજ મમતાદીદીએ સમાજવાદી પાર્ટીના સાંસદ દરોગા પ્રસાદ સરોજને કોલર પકડીને વેલમાંથી બહાર કાઢ્યા હતા. તેઓ વેલમાં મહિલા અનામત બિલના વિરોધમાં હોબાળો મચાવી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે