મહાગઠબંધનનું કોકડું પાછું ગુંચવાયું?, 2019ની ચૂંટણીમાં માયાવતીને જોઈએ છે 40 સીટ

માયાવતી 2019ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં ટિકિટ ફાળવણી માટે પણ રણનીતિ બનાવી રહ્યાં છે. તેઓ યુપીમાં 80માંથી ઓછીમાં ઓછી 40 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.

મહાગઠબંધનનું કોકડું પાછું ગુંચવાયું?, 2019ની ચૂંટણીમાં માયાવતીને જોઈએ છે 40 સીટ

નવી દિલ્હી: કૈરાના અને નૂરપુર પેટાચૂંટણીમાં મહાગઠબંધનની જીત પર બીએસપી સુપ્રીમો માયાવતીએ ચૂપ્પી સાંધી છે. કાર્યકર્તાઓએ ખુબ ઉજવણી કરી પરંતુ પાર્ટી પ્રમુખ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. કર્ણાટકમાં વિપક્ષી એક્તાના સૌથી મોટા પ્રદર્શન બાદ માયાવતીએ થોડા દિવસ પહેલા દિલ્હીની મુલાકાત કરી હતી. ઝી ન્યૂઝની એક્સક્લુઝિવ જાણકારી મુજબ બીએસપી અને કોંગ્રેસમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીને લઈને વાત થઈ છે. જેમાં એમપીમાં બીએસપીને 30 બેઠકો આપવા માટે કોંગ્રેસ રાજી થઈ ગઈ છે. આ સાથે જ માયાવતી 2019ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં ટિકિટ ફાળવણી માટે પણ રણનીતિ બનાવી રહ્યાં છે. તેઓ યુપીમાં 80માંથી ઓછીમાં ઓછી 40 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. ગત અઠવાડિયે લખનઉમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા માયાવતીએ કહ્યું હતું કે જો બીએસપીને મહાગઠબંધનમાં સન્માનજનક સ્થિતિ ન મળી તો તેઓ લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે.

અખિલેશનો પણ ગઠબંધન પર બહુ આતુર જણાતા નથી
એસપી પ્રમુખ અખિલેશ યાદવે માયાવતીના આ સન્માનજનકવાળા નિવેદન પર કહ્યું હતું કે તમે જાણો છો કે સન્માન આપવામાં અમે લોકો આગળ છીએ.... અને સન્માન કોણ નહીં આપે તે પણ તમે જાણો છો. અખિલેશના આ નિવેદનથી સ્પષ્ટ થાય છેકે ગઠબંધનને લઈને તેઓ કોઈ પણ પ્રકારની આતુરતા ધરાવતા હોય તેવું લાગતું નથી. એસપી અને બીએસપીમાં સીટોની વહેંચણીને લઈને જે ફોર્મ્યુલા તૈયાર થયો છે તે 2014ની પાર્ટીની સ્થિતિ પર આધારિત છે. એટલે કે જે પક્ષ લોકસભા ચૂંટણીમાં બીજા સ્થાને રહ્યો હતો તે પક્ષનો ઉમેદવાર આ વખતે ચૂંટણી લડશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ આધાર પર બીએસપીને 80માંથી 34 બેઠકો મળી રહી હતી અને સપાને 31. આ ગઠબંધનમાં કોંગ્રેસ અને આરએલડીને પણ જગ્યા મળવાની છે.

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ-બીએસપી સાથે મળીને લડશે ચૂંટણી
એક જૂનના રોજ બીએસપી અને કોંગ્રેસ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડવા તૈયાર છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ બીએસપી માટે 30 બેઠકો છોડશે. જ્યારે રાજસ્થાન, છત્તીસગઢમાં સીટોની વહેંચણીને લઈને બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા ચાલુ છે. બીએસપી યુપીમાં સપા સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જો કે હજુ સુધી ગઠબંધનને લઈને તસ્વીર સ્પષ્ટ નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news