"માફ કરજો! અમારા આ મોરચાને કારણે તમને મુશ્કેલી પડી છે... અમે ખેડૂત છીએ, અમારા પ્રાણ સસ્તા છે..."
દિલ્હીમાં શુક્રવારે યોજાયેલી ખેડૂત મુક્તિ માર્ચથી પહેલાં ગુરૂવારે ખેડૂતો પેમ્ફ્લેટ વહેંચીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું
Trending Photos
નવી દિલ્હીઃ "માફ કરજો ! અમારા આ મોરચાને કારણે તમને મુશ્કેલી પડી છે, તેનાથી તમને મુશ્કેલી પડી છે. અમે ખેડૂત છીએ, અમારા પ્રાણ સસ્તા છે." આ માત્ર બે-ચાર લાઈન નથી, તેને વાંચીને આગળ પહોંચાડો. આ એ લાખો ખેડૂતોનું દર્દ છે, જે તેમણે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા દરમિયાન લોકોને વહેંચેલા પેમ્ફ્લેટમાં વ્યક્ત કર્યું છે. ખેડૂતોએ પીળા રંગના આ પેમ્ફલેટનામાં તેમની સાથે થઈ રહેલા અન્યાયને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પેમ્ફલેટ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
(ખેડૂતોએ ગૂરુવારે વહેંચેલા પેમ્ફલેટનો ફોટો સોશિયલ મીડિયામાંથી)
આ પેમ્ફલેટમાં ખેડૂતોએ લખ્યું છે કે, "અમને માફ કરજો. અમારા આ મોરચાને કારણે તમને ઘણી અગવડ પડી હશે... અમે ખેડૂત છીએ... તમને હેરાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે ખૂબ જ પરેશાન છીએ. સરકારને અને તમારા સુધી અમારું દુઃખ સંભળાવા માટે ઘણે દૂરથી આવ્યા છીએ. અમને તમારી માત્ર એક મિનિટ જોઈએ છે."
(દિલ્હીમાં ખેડૂતોનો મોરચો)
મળે છે ઓછી કિંમત
ખેડૂતોએ આ પેમ્ફલેટમાં એ કિંમતોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમની સાથે અન્યાય થાય છે. તેમણે લખ્યું છે કે, જે મગદાળ લોકો રૂ.120ની એક કિલોના દરે ખરીદે છે, તેના અમને માત્ર પ્રતિ કિલો રૂ.46 મળે છે. આ જ રીતે જે ટામેટા લોકો બજારમાંથી રૂ.30ના કિલો ખરીદી છે, તેના ખેડૂતોને એક કિલોના માત્ર રૂ.5 મળે છે. લોકો જે સફજન બજારમાં રૂ.110ના કિલો ખરીદે છે, તેની કિંમત ખેડૂતને કિલોદીઠ માત્ર રૂ.10 ચૂકવવામાં આવે છે. રૂ.42નું લીટર વેચાતા દૂધની કિંમત ખેડૂતને માત્ર પ્રતી લીટર રૂ.20 ચૂકવવામાં આવે છે.
'અમારા પ્રાણ પણ સસ્તા છે'
ખેડૂતોએ વધુમાં લખ્યું છે કે, 'અમારી મુશ્કેલી એ છે કે, અમે દરેક વસ્તુ મોંઘી ખરીદીએ છીએ અને સસ્તી વેચીએ છીએ. અમારા પ્રાણ પણ સસ્તા છે. છેલ્લા 20 વર્ષમાં 3 લાખથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. અમારી મુશ્કેલીની ચાવી સરકાર પાસે છે, પરંતુ તે અમારું સાંભળતી નથી, તે અમારી સામે જોતી નથી. મીડિયાની ચાવી તમારી પાસે છે. તમે અમારી વાત સાંબળશો એ આશા સાથે અમે અમારી દુઃખ-તકલીફો તમને સમજાવવા માટે આવ્યા છીએ.'
'સંસદનું સત્ર ખેડૂતો પર રાખવામાં આવે'
ખેડૂતોએ પેમ્ફલેટમાં માગણી કરી છે કે, 'અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે, સંસદનું એક વિશેષ સત્ર ખેડૂતોની સમસ્યા પર બોલાવવી જોઈએ. તેમાં ખેડૂતો માટે બે કાયદા પસાર કરવામાં આવે. પાકના યોગ્ય ભાવની ગેરન્ટી આપતો કાયદો અને ખેડૂતોને દેવા મુક્ત કરવાનો કાયદો. અમે કંઈ ખોટું માગતા નથી?'
ખેડૂતોએ પેમ્ફલેટમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યા બાદ અંતમાં જણાવ્યું છે કે, "જો તમને અમારી વાત સાચી લાગી હોય તો આ મોરચામાં અમારી સાથે માત્ર બે ડગલાં ચાલો." આ રીતે તેમણે લોકોને મોરચામાં સામેલ થવાની પણ અપીલ કરી છે.
દિલ્હીમાં ભેગા થયા છે લાખો ખેડૂત
દેશના જુદા-જુદા ભાગમાંથી લાખો ખેડૂતો ફરી એક વખત ગુરુવારથી દિલ્હીમાં એક્ઠા થયા છે. પોતાની વિવિધ માગો સાથે તેમણે સંસદ તરફ કૂચ કરી હતી. ખેડૂતોએ સરકાર સામેના આ પ્રદર્શનને 'ખેડૂત મુક્તિ મોરચા' નામ આપ્યું હતું. તેઓ દેવા માફી, પાકના ઉચિત લઘુત્તમ ટેકાના ભાવ સહિત પોતાની અન્ય માગણીઓ પૂરી કરવા માટે દિલ્હીની સડકો પર ઉતરી આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે