PM મોદી લેશે કોરોનાની રસી, રસી અંગે સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ
કોરોનાની મહામારીથી લોકોને બચાવવા માટે દેશમાં રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના મતે બીજા ચરણમાં પ્રધાનમંત્રી મોદી કોરોનાની રસી લેશે.
Trending Photos
નવી દિલ્લીઃ કોરોનાના મહામારીથી લોકોને બચાવવા માટે ભારતમાં હાલ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, રસીકરણ મુદ્દે ઘણાં લોકો સવાલ ઉઠાવી રહ્યાં હતાં. આ તમામને મોદી સરકારે જવાબ આપી દીધો છે. સૂત્રોના મતે પ્રધાનમંત્રી મોદી રસીકરણના બીજા ચરણમાં કોરોનાની રસી લેશે. એટલું જ નહીં તેમની સાથે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ રસીકરણ અભિયાનમાં જોડાઈને રસી લેશે. પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે થયેલી બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જાણાવી રહ્યાં છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતુંકે, કોઈએ ગભરાવાની જરૂર નથી. બીજા ચરણમાં જેની પણ ઉંમર 50 વર્ષથી વધારે છે તેમને બધાને કોરોનાની રસી આપવામાં આવશે. રસીકરણ અંગે મોદી સરકારના આ સૌથી મોટા નિર્ણયથી રસી મુદ્દે સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.
આમ, પણ જે પણ સાંસદો કે ધારાસભ્યોની ઉંમર 50 વર્ષ કરતા વધારે છે તેમને બીજા ચરણમાં કોરોનાની રસી આપવામાં આવશે. દેશભરમાં હાલ કોરોનાના રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો એટલેકે, પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. જે અંતર્ગત દેશભરમાં 7 લાખથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. સ્વાસ્થ્ય કર્મીઓના રસીકરણ બાદ બીજા ચરણની શરૂઆત થશે.
કોરોના રસીકરણ અભિયાનના બીજા ચરણમાં સેના, અર્ધ સૈનિક દળોના જવાનો, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે.જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યુંકે, કોરોનાના રસીકરણ અભિયાનો બીજો તબક્કો ક્યારે શરૂ થશે.જોકે, બીજા ચરણના રસીકરણ માટેની ગાઈડલાઈન સરકારે નક્કી કરી લીધી છે. જે અંતર્ગત બીજા ચરણમાં જ પ્રધાનમંત્રી મોદી પણ કોરોનાની રસી લેશે. બીજા ચરણમાં પ્રધાનમંત્રી મોદી સહિત મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ અને ઘણાં વીવીઆઈપી લોકો કોરોનાની રસી લેશે. જેમની પણ ઉંમર 50 વર્ષથી વધારે હશે તે તમામને બીજા ચરણમાં કોરોનાની રસી આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર તરફથી એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છેકે, કયા તબક્કામાં કઈ રસી આપવાની છે, એ સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર પર નિર્ભર છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યો છે જ્યાં કોરોના રસીકરણ અભિયાનને ખુબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ પંજાબ અને દિલ્લી જેવા રાજ્યોમાં સ્વાસ્થ્ય કર્મીઓ હજુ પણ કોરોનાની રસી લગાવવાથી દૂર ભાગી રહ્યાં છે. હવે આવા સ્વાસ્થ્ય કર્મીઓનું કાઉંસલિંગ કરવામાં આવશે.
મહત્ત્વનું છેકે, ભારતમાં અત્યાર સુધી કોરોનાની રસી તરીકે બે વેક્સીનને મંજૂરી આપી દેવામાં આવી છે. કોવિશીલ્ડ અને કોવૈક્સીન આ બન્ને રસીઓને સરકારે સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત હજુ પણ અન્ય દવા બનાવતી કંપનીઓના વેક્સીનના ટ્રાયલ ચાલુ છે. તેમજ રસીકરણ માટે ભારત સરકારે CO-WIN ડેશ બોર્ડ તૈયાર કર્યું છે. જેમાં કોરોનાના રસીકરણ અંગેની સંપૂર્ણ વિગતોની અપડેટ રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે