Farmers Protest: PM મોદીએ ખેડૂતોને આપ્યો સ્પષ્ટ સંદેશ, 'MSP હતી, છે અને રહેશે'
પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ આવ્યું તો ભારત માટે દુનિયા ચિંતિત હતી. જો ભારતે પોતાને સંભાળ્યું ન હોત તો દુનિયા માટે સંકટ પેદા થશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી. પરંતુ આજે દુનિયા એ વાત પર ગર્વ કરે છે કે ભારતે આ લડાઈ જીતી છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે માનવ જાતિએ આવા કપરા સમયમાંથી પસાર થવું પડશે, આવા પડકારો વચ્ચે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ સાંભળનારા સાંસદોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે 50થી વધુ સાંસદોએ 13 કલાકથી વધુ સમય સુધી પોતાના વિચાર રજુ કર્યા. તેમણે પોતાના અમૂલ્ય વિચારો વ્યક્ત કર્યા. આથી હું તમામ સાંસદોનો આભાર માનું છું.
વિપક્ષ પર આકરા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે અનેક પડકારો વચ્ચે રાષ્ટ્રપતિજીનું આ દાયકાનું પ્રથમ ભાષણ થયું. પરંતુ એ પણ સાચું છે કે જ્યારે સમગ્ર વિશ્વ પટલ તરફ જોઈએ છીએ, ભારતના યુવા મનને જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે આજે ભારત સાચ્ચે જ એક અવસરોની ભૂમિ છે. અનેક અવસર આપણી રાહ જોઈ રહ્યા છે. જે દેશ યુવા હોય, જે દેશ ઉત્સાહથી ભરેલો હોય, જે દેશ અનેક સપનાને લઈને સંકલ્પ સાથે સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય તે દેશ આ અવસરોને ક્યારેય જવા દે નહીં. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન તમામ હાજર રહ્યા હોત તો લોકતંત્રની ગરિમા વધત. પરંતુ રાષ્ટ્રપતિનું અભિભાષણ એટલું પ્રભાવશાળી રહ્યું કે વગર સાંભળ્યે જ બધા સુધી વાત પહોંચી ગઈ. વિપક્ષ સાંભળ્યા વગર જ તેમના ભાષણ પર આટલું બધુ બોલી શક્યો.
You might've seen on social media-an old woman sitting outside her hut on footpath, with a lit earthen lamp, praying for welfare of India. We're mocking her! If somebody who never went to school thinks they can serve India by lighting lamps, they can do it. It's being mocked!: PM pic.twitter.com/Q5KhMWAcbt
— ANI (@ANI) February 8, 2021
તમે ઉડાવી મજાક
પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ આવ્યું તો ભારત માટે દુનિયા ચિંતિત હતી. જો ભારતે પોતાને સંભાળ્યું ન હોત તો દુનિયા માટે સંકટ પેદા થશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી. પરંતુ આજે દુનિયા એ વાત પર ગર્વ કરે છે કે ભારતે આ લડાઈ જીતી છે. આ લડત કોઈ સરકારે કે વ્યક્તિએ નથી જીતી પરંતુ હિન્દુસ્તાનને તો તેનું ક્રેડિટ જાય છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં એક વૃદ્ધ મહિલાએ ઝૂંપડી બહાર દીવો પ્રગટાવ્યો, પરંતુ તેની પણ મજાક ઉડાવવામાં આવી. જેણે શાળાનો દરવાજો પણ નથી જોયો, પણ તેમણે દેશમાં સામૂહિક શક્તિનો પરિચય કરાવ્યો. વિરોધ કરવા માટે કેટલાક મુદ્દા હોય છે. પરંતુ દેશનું મનોબળ તોડનારી વાતોમાં ન પડો. આપણા કોરોના વોરિયર્સ, જેમણે કપરા સમયમાં જવાબદારી નિભાવી, તેમનો આદર કરવો જોઈએ. દેશે આમ કરીને બતાવ્યું.
ભારતનું લોકતંત્ર હ્યુમન ઈન્સ્ટિટ્યૂશન
પીએમ મોદીએ કહ્યું કે લોકતંત્રને લઈને અહીં ઘણા ઉપદેશ આપવામાં આવ્યા છે. પરંતુ હું નથી માનતો કે જે વાતો અહીં જણાવવામાં આવી છે તેના પર દેશનો કોઈ પણ નાગરિક ભરોસો કરશે. ભારતનું લોકતંત્ર એવું નથી કે તેની કોઈ ખાલ આ રીતે ઉધેડી શકે. કોરોનાકાળમાં ભારતે વૈશ્વિક સંબંધોમાં એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. એ જ રીતે ભારતે આપણા ફેડરલ સ્ટ્રક્ચરને આ કોરોનાકાળમાં, આપણી અંતર્ભૂત તાકાત શું છે, સંકટના સમયે આપણે કેવી રીતે મળીને કામ કરી શકીએ છીએ, તે કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને કરી બતાવ્યું છે. આપણું લોકતંત્ર કોઈ પણ રીતે વેસ્ટર્ન ઈન્સ્ટિટ્યૂશન નથી, તે એક હ્યુમન ઈન્સ્ટિટ્યૂશન છે. ભારતનો ઈતિહાસ લોકતાંત્રિક સંસ્થાનોના ઉદાહરણોથી ભરેલો છે. પ્રાચિન ભારતમાં 81 ગણતંત્રોનું વર્ણન મળે છે.
પીએમ મોદીએ કહ્યું કે અમારે દુનિયા પાસેથી લોકતંત્ર શીખવાની જરૂર નથી. ભારત મધર ઓફ ડેમોક્રેસી છે. જ્યારે દેશમાં ઈમરજન્સી લાગી તો ન્યાયપાલિકા અને દેશની શું હાલત હતી તે બધાને ખબર છે. પરંતુ દેશનું લોકતંત્ર એટલું શક્તિશાળી છે કે ઈમરજન્સી પણ આપણે પાર કરી નાખી.
પીએમ મોદીએ ગણાવી સરકારની ઉપલબ્ધિઓ
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં ડબલ ડિજિટ ગ્રોથનું અનુમાન છે. દુનિયાના અનેક દેશોને રોકાણ મળતું નથી ત્યારે ભારતમાં લોકો રોકાણ કરવા માંગે છે. ક્યારેક અહીં મોબાઈલ ફોનને લઈને મજાક ઉડાવવામાં આવી, પરંતુ આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ નિર્માતા છે. પીએમ મોદીએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક હોય કે એરસ્ટ્રાઈક, ભારતની તાકાત દુનિયાએ જોઈ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી સરકાર પહેલા દિવસથી ગરીબો માટે કામ કરી રહી છે. જો ગરીબોને આત્મવિશ્વાસ મળ્યો તો તેઓ પોતે મહેનત કરીને આગળ વધશે. આજે દેશમાં 10 કરોડ શૌચાલય બન્યા, 41 કરોડથી વધુ બેન્ક ખાતા ખુલ્યા, 2 કરોડ ઘર બન્યા, 8 કરોડથી વધુ મફત સિલિન્ડર અપાયા.
કૃષિ કાયદા પર બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણે નક્કી કરવું પડશે કે આપણે સમસ્યાનો હિસ્સો બનીશું કે સમાધાનનું માધ્યમ બનીશું. રાજનીતિ અને રાષ્ટ્રનીતિમાં આપણે કોઈ એકને પસંદ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે સદનમાં ખેડૂત આંદોલનની ભરપૂર ચર્ચા કરવામાં આવી. જે પણ જણાવવામાં આવ્યું તે આંદોલનને લઈને બતાવવામાં આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા થઈ નહીં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પૂર્વ પીએમ દેવગૌડાએ સરકારના પ્રયત્નોને બિરદાવ્યા, સાથે સૂચનો પણ આપ્યા. પીએમ મોદીએ ચૌધરી ચરણ સિંહના કથનને સદનમાં વાંચ્યું. ખેડૂતોનું સેન્સેસ લેવામાં આવ્યું તો 33 ટકા ખેડૂતો એવા છે કે જેમની પાસે જમીન 2 વીઘાથી પણ ઓછી છે. 18 ટકા એવા છે જેમની પાસે 2-4 વીઘા જમીન છે. તેઓ ગમે તેટલી મહેનત કરી લે પરંતુ પોતાની જમીન પર તેમનો ગુજારો થઈ શકે નહીં. હાલના સમયમાં જેમની પાસે એક હેક્ટરથી ઓછી જમીન છે, તેવા 68 ટકા ખેડૂતો છે. 86 ટકા ખેડૂતો પાસે 2 હેક્ટરથી પણ ઓછી જમીન છે. આપણે આપણી યોજનાઓને કેન્દ્રમાં 12 કરોડ ખેડૂતોને રાખવા પડશે.
ખેડૂતો માટે શું કર્યું તે જણાવ્યું પીએમ મોદીએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદનમાં કહ્યું કે ચૂંટણી સમયે કરજમાફી કરવામાં આવે છે. પરંતુ તેનાથી નાના ખેડૂતોને ફાયદો થતો નથી. ગત પાક વીમા યોજના પણ મોટા ખેડૂતો માટે હતી, જે ફક્ત બેન્ક પાસેથી લોન લેતા હતા. યુરિયા હોય કે બીજી કોઈ યોજના, પહેલા તમામ યોજનાઓનો લાભ 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો માટે હતો. 2014 બાદ અમે અનેક પરિવર્તન કર્યા અને પાક વીમાના દાયરાને વધાર્યો. પીએમ મોદીએ કહ્યું કે પાક વીમા યોજના હેઠળ 90 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા. અમે લગભગ પોણા બે કરોડ લોકો સુધી કિસાન ક્રેડિટ કાર્ડ પહોચાડ્યા. પીએમ મોદીએ કહ્યું કે અમે કિસાન સન્માન નિધિ યોજના લાગુ કરી. દસ કરોડ પરિવારોને તેનો લાભ મળ્યો અને 1.15 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં ગયા છે. બંગાળમાં રાજકારણ આડે ન આવ્યું હોત તો ત્યાંના લાખો ખેડૂતોને લાભ મળત. અમે સો ટકા ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ રજુ કર્યું.
યુ ટર્ન કેમ લઈ રહ્યો છે વિપક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શરદ પવાર સહિત અનેક કોંગ્રેસના નેતાઓએ કૃષિ સુધારા વિશે વાત કરી છે. શરદ પવારે હજુ પણ સુધારાનો વિરોધ કર્યો નથી, અમને જે સારું લાગ્યું તે કર્યું અને આગળ પણ સુધારા કરતા રહીશું. પીએમ મોદીએ કહ્યું કે આજે વિપક્ષ યુટર્ન લઈ રહ્યો છે. કારણ કે રાજકારણ હાવી છે.
પીએમ મોદીએ સદનમાં પૂર્વ પીએમ મનમોહન સિંહના નિવેદનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આપણી સોચ છે કે મોટા માર્કેટ લાવવામાં જે અડચણ છે, અમારી કોશિશ છે કે ખેડૂતોને ઉપજ વેચવાની મંજૂરી હોય. પીએમ મોદીએ કહ્યું કે 'જે મનમોહન સિંહે કહ્યું તે મોદીએ કરવું પડી રહ્યું છે. તમે ગર્વ કરો.'
MSP હતી, છે અને રહેશે...
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજીએ કૃષિ સુધારા કરવા ડ્યા ત્યારે પણ તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ પાછળ ન હટ્યા. ત્યારે લેફ્ટવાળા કોંગ્રેસને અમેરિકાના એજન્ટ ગણાવતા હતા. આજે તેઓ મને ગાળ આપે છે. પીએમએ કહ્યું કે ગમે તે કાયદો આવે, થોડા સમય બાદ સુધારા થાય જ છે. તેમણે અપીલ કરતા કહ્યું કે આંદોલનકારીઓને સમજાવતા આપણે આગળ વધવું પડશે. ગાળો મારા ખાતામાં જવા દો પરંતુ સુધારા થવા દો. પીએમ મોદીએ કહ્યું કે આંદોલનમાં વૃદ્ધો બેઠા છે, તેમણે ઘરે જવું જોઈએ. આંદોલન ખતમ કરો અને ચર્ચા આગળ ચાલતી રહે. ખેડૂતો સાથે સતત વાતચીત ચાલુ છે.
PM મોદીએ ફરીથી ખેડૂતોને ભરોસો અપાવતા કહ્યું કે MSP છે, હતી અને રહેશે. મંડીઓને મજબૂત કરવામાં આવી રહી છે. જે 80 કરોડ લોકોને સસ્તામાં રાશન અપાય છે તે પણ ચાલુ રહેશે. ખેડૂતોની આવક વધારવા માટે બીજા ઉપાય પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જો હવે મોડું કરીશું તો ખેડૂતોને અંધકાર તરફ ધકેલી દઈશું.
આંદોલનજીવીઓથી બચીને રહો
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક બુદ્ધિજીવીઓ હોય છે પરંતુ કેટલાક લોકો આંદોલનજીવી થઈ ગયા છે. દેશમાં કઈ પણ થાય તેઓ ત્યાં પહોંચી જાય છે. ક્યારેક પડદા પાછળ તો ક્યારેક ફ્રન્ટ પર. આવા લોકોને ઓળખીને તેમનાથી બચવું પડશે. આ લોકો પોતે આંદોલન ચલાવી શકતા નથી, પરંતુ કોઈ આંદોલન ચાલતું હોય ત્યાં પહોંચી જાય છે. આ આંદોલનજીવી જ પરજીવી છે, જે દરેક જગ્યાએ મળી આવે છે. તેમણે કહ્યું કે એક નવું FDI (Foreign destructive ideology) મેદાનમાં આવ્યું છે, જેનાથી દેશે બચવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત કોઈ સરકારનું નહીં પરંતુ દેશનું આંદોલન છે.
શીખોનું સન્માન જરૂરી
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો એવા છે જે ભારતને અસ્થિર કરવા માંગે છે. આવામાં આપણે સતર્ક રહેવું જોઈએ. પંજાબના ભાગલા પડ્યા, 1984ના રમખાણ થયા. કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં પણ એવું થયું. તેનાથી દેશને ખુબ નુકસાન થયું છે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો શીખ ભાઈઓના મગજમાં ખોટી વાતો ભરવા લાગ્યા છે. આ દેશ દરેક શીખ પર ગર્વ કરે છે. મેં પંજાબમાં રોટી ખાધી છે, શીખ ગુરુઓની પરંપરા અમે માનીએ છીએ. તેમના માટે જે ભાષા બોલાય છે તેનાથી દેશનું ભલું નહીં થાય.
ગુલામ નબી આઝાદ પર છોડ્યું વ્યંગબાણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદ ઉપર પણ વ્યંગ કર્યો. તેમણે કહ્યું કે ગુલામ નબીજીએ અનેક મુદ્દાઓ પર સરકારની પ્રશંસા કરી, પરંતુ મને ડર છે કે તેમની પાર્ટી તેને G-23 સંબંધે ન લઈ લે. ચીન મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જવાનોએ પોતાનું કામ કર્યું અને દરેકનો સામનો કર્યો. LACની સ્થિતિ પર ભારતનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે. બોર્ડરની સુરક્ષા અંગે અમારી પ્રતિબદ્ધતામાં કોઈ કમી આવી નથી. તેમણે પોતાના સંબોધનના અંતમાં વેદના મંત્રનો ઉલ્લેખ કર્યો. તેમણે સદનમાં અયુતો અહમ...મંત્ર વાંચ્યો.
મોદી છે અવસરનો લાભ લઈ લો
પીએમ મોદીએ ભાષણ સમાપ્ત કરતા કહ્યું કે કોરોનાના કારણે તમે લોકો ફસાયેલા રહેતા હશો, પરંતુ તમે બધો ગુસ્સો મારા પર કાઢી નાખ્યો તો તમારું પણ મન હળવું થયું. હું તમારા કામ તો આવ્યો, મારું સૌભાગ્યા માનીશ. આ આનંદ તમે સતત લેતા રહો ચર્ચા કરતા રહો. મોદી છે અવસર લઈ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે