અરે, આ શું? ટ્રેનની પણ નીકળી ગઈ હવા...
રેલવેએ આપેલી માહિતી પ્રમાણે આ ઘટનાક્રમ મંગળવાર સાંજનો છે
Trending Photos
નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર એક ટ્રેનનું વજન એટલું બધું વધી ગયું કે મોટા પ્રમાણમાં લોકોને ખેંચીને બહાર કાઢવા પડ્યા હતા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે આરપીએફ જવાનોએ દરેક બોગીમાંથી ખેંચીખેંચીને માણસો બહાર કાઢી રહ્યા હતા અને બીજી તરફ રેલવે સ્ટાફ બોગીઓનું વજન ચેક કરી રહ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા પોણા બે કલાક સુધી ચાલી હતી. આ વજનનું પ્રેશર સામાન્ય થતા રેલવે સ્ટાફે આરપીએફ જવાનને ઇશારો કર્યો કે હવે લોકોને બહાર કાઢવાનું બંધ કરો અને પછી જ ટ્રેનને નવી દિલ્હીથી પટના તરફ રવાના કરવામાં આવી હતી.
રેલવેએ આપેલી માહિતી પ્રમાણે આ ઘટનાક્રમ મંગળવાર સાંજનો છે. અહીં મંગળવાર સાંજે દિલ્હીથી પટના જતી સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ (12394) સાંજે 5.25 વાગ્યે નવી દિલ્હીના રેલવે સ્ટેશનથી પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલ તરફ રવાના થાય છે. એ સમયે બિહાર જનારી મોટાભાગની ટ્રેનો મોડી હોવાથી હજારોની સંખ્યામાં લોકો આ ટ્રેનમાં ચડી ગયા હતા. ટ્રેન રવાના થતા પહેલાં એની તપાસ કરવામાં આવતા ખબર પડી કે ભારે ભીડના કારણે ટ્રેનનું પ્રેશર વધી ગયું હતું અને એની સ્પ્રિંગ સાવ દબાઈ ગઈ હતી. આ સમયે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનને આગળ મોકલવાની મનાઈ ફરમાવી દીધી હતી.
વજન વધતા રેલવેએ પહેલાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમની મદદથી લોકોને ઉતરી જવાનું કહ્યું પણ લોકો પોતાની મેળે ઉતરવા તૈયાર ન થતા નાછૂટકે રેલવે પોલીસ ફોર્સની મદદ લેવી પડી હતી. આરપીએફે બળજબરીથી 100થી 115 લોકોને ટ્રેનમાંથી ઉતાર્યા જેમાં લગભગ પોણા બે કલાક લાગી ગયા હતા. આ સંજોગોમાં ટ્રેન પોતાના નિયત સમયથી 1.50 કલાક મોડી ઉપડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે