રાહુલ ગાંધીને મળ્યા બાદ શત્રુઘ્ન સિન્હાએ આપ્યું મોટું નિવેદન

ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં જોડાવવાના હતાં પરંતુ હવે તે હાલ પૂરતું ટળ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ચૈત્રી નોરતામાં કોંગ્રેસમાં જોડાશે.

રાહુલ ગાંધીને મળ્યા બાદ શત્રુઘ્ન સિન્હાએ આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં જોડાવવાના હતાં પરંતુ હવે તે હાલ પૂરતું ટળ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ચૈત્રી નોરતામાં કોંગ્રેસમાં જોડાશે. આ અગાઉ શત્રુઘ્ન સિન્હાએ બિહારના કોંગ્રેસ નેતાઓ સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. કહેવાય છે કે મીટિંગમાં સીટોને લઈને મહામંથન કરાયું હતું. આ સાથે જ સિન્હાના કોંગ્રેસમાં જોડાવવા મુદ્દે પણ ચર્ચા કરાઈ. 

મીટિંગ પૂરી થયા બાદ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સીટો અંગે વાતચીત થઈ ગઈ છે. શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં જોડાવવા મુદ્દે તેમણે કહ્યું કે યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે. આ અંગેની જાહેરાત માટે હજુ થોડો વધુ સમય લેવામાં આવ્યો છે. પરંતુ તે કોંગ્રેસ જોઈન કરશે તેની સાથે સ્ટાર નેતા અને સ્ટાર પ્રચારક તરીકે પાર્ટીમાં હશે. 

આ બાજુ શત્રુઘ્ન સિન્હાએ  કહ્યું કે આજે તેમની મુલાકાત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે થઈ છે. તેમણે રાહુલ ગાંધીના ખુબ વખાણ કર્યાં અને કહ્યું કે તેમનો પહેલેથી ગાંધી પરિવાર સાથે ઘરોબો રહ્યો છે. આ સાથે જ તેમણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના દાવેદાર પણ ગણાવ્યાં. કોંગ્રેસની સદસ્યતાને લઈને શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે નવરાત્રિના શુભ અવસરે તેઓ પાર્ટીમાં જોડાવવાની જાહેરાત કરશે. 

— ANI (@ANI) March 28, 2019

સિન્હાએ પટણાસાહિબ બેઠક પરથી ચૂંટણી લડવાને લઈને કહ્યું કે સ્થિતિ ભલે ગમે તે હોય પરંતુ લોકેશન તે જ રહેશે. એટલે કે તેઓ કોઈ પણ સંજોગોમાં પટણાસાહિબથી જ લોકસભા ચૂંટણી લડશે. શત્રુઘ્ન સિન્હા 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતાં. આ વખતે ભાજપ તરફથી રવિશંકર પ્રસાદ ચૂંટણી લડી રહ્યાં છે. 

જો કે શત્રુઘ્ન સિન્હાની કોંગ્રેસની સદસ્યતાને લઈને થઈ રહેલા વિલંબના કારણે બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કહેવાય છે કે પટણાસાહિબ બેઠકને લઈને કોંગ્રેસમાં કોકડું ગુંચવાયું છે. જેના કારણે વાર લાગી રહી છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સિન્હા હજુ સ્થિતિનો કયાસ કાઢી રહ્યાં છે. કારણ કે મહાગઠબંધનમાં બિહારમાં કોંગ્રેસની સીટોને લઈને ઘમાસાણ ચાલુ છે. 

જુઓ LIVE

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news