સ્મૃતિનો કેજરીવાલ સરકાર પર પ્રહાર, 'નિર્ભયાના સગીર દોષિતને 10,000 રૂપિયા કેમ આપ્યાં?'
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ આજે નિર્ભયા કેસ (Nirbhaya gangrape case) ના એક દોષિત મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિ દ્વારા ફગાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે જે પ્રકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ મહોદયને ઝડપથી દયા અરજી નિકાલ લાવવા માટે મોકલી અને તેના પર રાષ્ટ્રપતિ મહોદયે વાર લગાડ્યા વગર તેને ફગાવવાનો નિર્ણય લીધો તેનાથી દેશની મહિલાઓમાં ન્યાય પ્રત્યે એક નવી આશા જાગી છે. તેમણે કહ્યું કે નિર્ભયાને જે ન્યાય મળી રહ્યો છે તેમાં તેની માતા આશાદેવીના સંઘર્ષની મોટી ભૂમિકા છે અને અમે તેમના જુસ્સાને સલામ કરીએ છીએ.
દિલ્હી (Delhi) ભાજપ કાર્યાલય પર આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અત્યંત દુખદ છે કે જ્યાં આખો દેશ નિર્ભયાને ઝડપથી ન્યાય મળે તેના પક્ષમાં એક સૂરે બોલી રહ્યો છે ત્યાં છેલ્લા 5 વર્ષમાં અનેકવાર નિર્ભયા મામલે અદાલતોમાં જોવા મળ્યું કે કઈ રીતે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મામલાને ખેંચ્યો.
મામલો લટકાવવાનો પ્રયત્ન
સ્મૃતિએ કહ્યું કે "હું એક મહિલા કાર્યકર તરીકે આમ આદમી પાર્ટીની સરકારની આ ટાળવાની વૃત્તિ પર આક્રોશ વ્યક્ત કરું છું અને દેશના તમામ નાગરિકોને જણાવવા માંગુ છું કે જેલ વિભાગ દિલ્હી સરકાર હેઠળ આવે છે અને સુપ્રીમ કોર્ટે જુલાઈ 2018માં નિર્ભયાના આરોપીઓની રિવ્યુ પિટિશન ફગાવી હતી અને ત્યારબાદ લાંબા સમય સુધી જેલ પ્રશાસન અને ત્યારબાદ કેજરીવાલ સરકાર પોતે પણ મામલો દબાવીને બેસી રહ્યાં. આ પ્રકારે દિલ્હી સરકારના વકીલ રાહુલ મહેરાએ હજુ હમણા જ બે દિવસ પહેલા કોર્ટમાં મામલાને વ્યવસ્થાઓનો હવાલો આપીને લટકાવવાનો પ્રયત્ન કર્યો."
માતાને ન્યાયથી વંચિત કેમ રખાયા?
સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું કે દિલ્હી અને દેશની જનતા જાણવા માંગે છે કે આખરે એવું તે કયું કારણ છે કે નિર્ભયા કેસમાં તેમની માતાને ન્યાયથી વંચિત રાખવામાં આવ્યાં? કયું કારણ છે કે આમ આદમી પાર્ટીના વકીલે કોર્ટમાં કહ્યું કે વર્તમાનમાં બળાત્કારીઓને સજા આપવામાં મોડું થઈ શકે છે? શું કારણ છે કે બળાત્કારમાં સૌથી વધુ બર્બરતા કરનારા સગીર દોષિતના છૂટકારા પર આમ આદમી પાર્ટીની સરકારે તેને 10000 રૂપિયા આપ્યાં હતાં?
આ VIDEO પણ ખાસ જુઓ...
આવી પાર્ટી પર ધિક્કાર છે
ભાજપના નેતા સ્મૃતિએ કહ્યું કે હું આમ આદમી પાર્ટીની સરકારને કહેવા માંગુ છું કે જુલાઈ 2018ની રિવ્યુ પિટિશન કોર્ટ દ્વારા ફગાવવામાં આવ્યાં બાદ આમ આદમી પાર્ટીની સરકારના કારણે નિર્ભયાના ગુનેહગારોને નિર્ધારિત સમયે ફાંસી આપી શકાઈ નહીં. આવી પાર્ટી પર ધિક્કાર છે. આ માત્ર મારું નહીં પરંતુ હિન્દુસ્તાનના દરેક ન્યાયપ્રેમીનું માનવું છે.
અરજી ફગાવી
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસના એક દોષિત મુકેશની દયા અરજી ફગાવી દીધી. આ અગાઉ ગૃહ મંત્રાલયે ગુરુવારે રાતે જ રાષ્ટ્રપતિ પાસે દયા અરજીની ફાઈલ મોકલી દીધી હતી અને તેને ફગાવવાની ભલામણ કરી હતી. કોર્ટે નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા સંભળાવેલી છે અને આજે જે નવું ડેથ વોરન્ટ બહાર પડ્યું તે મુજબ નિર્ભયાના દોષિતોને પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે