કર્ણાટક સંકટ: યથાસ્થિતિ જળવાઈ રહેશે, સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 16 જુલાઈએ

કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો અને કર્ણાટક વિધાનસભાના સ્પીકરની દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવાર સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

Updated By: Jul 12, 2019, 01:48 PM IST
કર્ણાટક સંકટ: યથાસ્થિતિ જળવાઈ રહેશે, સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 16 જુલાઈએ
ફાઈલ ફોટો

નવી દિલ્હી: કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો અને કર્ણાટક વિધાનસભાના સ્પીકરની દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવાર સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પીકરને ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા માટે મંગળવાર સુધીનો સમય આપ્યો છે. હવે આ મામલે તે જ દિવસે આગામી સુનાવણી થશે. કોર્ટે આદેશ આપ્યો છે કે ત્યાં સુધી યથાસ્થિતિ જળવાયેલી રહેશે. તેનો સીધો અર્થ એ છે કે સ્પીકર ત્યાં સુધી ધારાસભ્યોને અયોગ્ય પણ ઠેરવી શકશે નહીં. કોંગ્રેસે બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા માટે સ્પીકરને અરજી આપી છે. આ અગાઉ ગુરુવારે કોર્ટે તે દિવસે સ્પીકરને રાજીનામા પર નિર્ણય લેવાનું કહ્યું હતું. 

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી બેન્ચે સંબંધિત પક્ષોની દલીલો સાંભળી. બળવાખોર ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતોગીએ સ્પીકર પર જાણી જોઈને રાજીનામા નિર્ણય લેવામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો. વકીલ મુકુલ રોહતોગીએ કહ્યું કે સ્પીકર રાજીનામું મંજૂર ન કરીને તેમને અયોગ્ય જાહેર કરવા માગે છે. તેમણે કહ્યું કે રાજીનામા પર નિર્ણય લેવાની વાત વિધાનસભામાં સ્પીકરના અધિકાર ક્ષેત્ર  સાથે કોઈ લેવા દેવા નથી. સ્પીકરનો હેતુ રાજીનામાને પેન્ડિંગ રાખીને ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો છે જેથી કરીને તેમના રાજીનામા નિષ્પ્રભાવી થઈ જાય. જો સ્પીકર રાજીનામા પર નિર્ણય ન લે તો તે સીધે સીધુ કોર્ટનો અનાદર છે. 

જવાબમાં સ્પીકર રમેશકુમાર તરફથી હાજર થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ તેમને મળેલા વિશેષાધિકારોનો હવાલો આપતા કહ્યું કે રાજીનામાના નિર્ણય અગાઉ સ્પીકર તેના કારણને લઈને પહેલા સંતુષ્ટ થવા માંગે છે. તેમણે આર્ટિકલ 190નો ઉલ્લેખ કરતા કહ્યું કે સ્પીકર જ્યાં સુધી સંતુષ્ટ નહીં થાય કે રાજીનામા મરજીથી અપાયા છે, કોઈ દબાણ નથી  ત્યાં સુધી તેઓ નિર્ણય લઈ શકે નહીં. 

સિંઘવીની દલીલો પર સીજેઆઈ રંજન ગોગોઈએ કડક ટિપ્પણી કરી હતી. તેમણે પૂછ્યું કે શું સ્પીકર  સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રને પડકારી રહ્યાં છે. જેના પર સિંઘવીએ કેટલીક જોગવાઈનો હવાલો આપ્યો અને કહ્યું કે સ્પીકરનું પદ એક બંધારણીય પોસ્ટ છે. સિંઘવીએ કોર્ટને કહ્યું કે કોંગ્રેસે સ્પીકરને બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા માટે અરજી પણ આપી છે અને સ્પીકરની બંધારણીય જવાબદારી છે કે તેઓ ધારાસભ્યોની અયોગ્યતા સંબંધિત અરજીઓ પર વિચાર કરે. 

જુઓ LIVE TV

સુનાવણીમાં ત્રીજા નંબર પર કર્ણાટક ચીફ મિનિસ્ટર તરફથી વકીલ રાજીવ ધવને દલીલ આપતા કહ્યું કે આખરે કયા આધાર પર બંધારણની કલમ 32નો હવાલો આપીને અરજી દાખલ કરાઈ છે? સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપનું ઔચિત્ય કેવી રીતે બને? જે કારણ વિધાયકો તરફથી ગણાવવામાં આવ્યું છે, તે તો આ દાયરામાં આવતું નથી. સ્પીકરની જવાબદારી છે છે તેઓ એ સુનિશ્ચિત કરે કે રાજીનામું યોગ્ય છે કે નહીં. 

રાજીવ ધવને કહ્યું કે બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પાસેથી શું અપેક્ષા રાખે છે? તેઓ રાજકીય મામલે કોર્ટને વગર કારણે ઢસડે છે. તેમણે કહ્યું કે સ્પીકરે પોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ધારાસભ્યોના રાજીનામા અને તેમને અયોગ્ય જાહેર કરવાના મામલે જલદી નિર્ણય લેશે. તેમાં કોર્ટના આદેશની કોઈ જરૂર નથી. 

તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે હાલના હાલાતને ધ્યાનમાં રાખતા ‘Status Quo’ એટલે કે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે. એટલે કે સ્પીકર ન તો બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લઈ શકે અને ન તો તેમને અયોગ્ય જાહેર કરી શકે. 16 જુલાઈના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે અને કોર્ટ બંધારણીય મુદ્દાઓ પર વિચાર કરશે. 

એક સાથે 3 અરજીઓ પર થઈ હતી સુનાવણી
કર્ણાટકના રાજકીય સંકટને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક સાથે 3 અરજીઓ પર સુનાવણી થઈ હતી. પહેલી અરજી 10 બળવાખોર ધારાસભ્યો તરફથી હતી તો બીજી અરજી કર્ણાટક વિધાનસભાના સ્પીકર તરફથી કરાઈ હતી. ત્રીજી અરજી શુક્રવારે યુથ કોંગ્રેસના નેતા અને વકિલ અનિલ ચાકો જોસેફ તરફથી કરાઈ હતી. જોસેફે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે કર્ણાટક રાજકીય સંકટ મામલે તત્કાળ હસ્તક્ષેપની માગણી કરી હતી. તેમણે કોર્ટને કહ્યું કે ધારાસભ્યોના રાજીનામા એક પ્રકારે પક્ષપલટો જ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...