Tractor Parade: લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવા માટે આ અભિનેતાએ ખેડૂતોને ઉક્સાવ્યા?
Trending Photos
નવી દિલ્હી: ગઈ કાલે ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (tractor parade) દરમિયાન લાલ કિલ્લા (Red Fort) પર એક ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ હવે ખેડૂત આંદોલનને લઈને ચારેબાજુથી સવાલો ઉઠવા લાગ્યા છે. આ મામલે પંજાબી ફિલ્મ કલાકાર દીપ સિદ્ધુ (Deep Sidhu) નો ભારે વિરોધ થઈ રહ્યો છે. તેના પર આરોપ લાગ્યા છે કે જ્યારે લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવ્યો ત્યારે તે ત્યાં હાજર રહ્યો હતો અને તેણે લોકોને સાથ આપ્યો.
ધાર્મિક ઝંડો ફરકાવવાનો દીપ સિદ્ધુએ આ રીતે કર્યો બચાવ
ચારેબાજુથી ઘેરાયેલા દીપ સિદ્ધુ (Deep Sidhu) એ પણ હવે સ્વીકાર્યું છે કે જ્યારે લાલ કિલ્લા (Red Fort) પર નિશાન સાહેબ (Nishan Sahib) નો ઝંડો ફરકાવવામાં આવ્યો ત્યારે તે ત્યાં હાજર હતો.
રિપોર્ટ મુજબ પોતાના પર લાગેલા આરોપ પર પ્રતિક્રિયા આપતા દીપ સિદ્ધુએ એ વાતનો સ્વીકાર કર્યો કે ઝંડો ફરકાવતી વખતે તે ત્યાં હાજર હતો. જો કે તેણે એમ કહીને સ્વબચાવ કર્યો કે તેણે કે તેના સમર્થકોએ તિરંગા ઝંડાને ત્યાંથી હટાવ્યો નહતો. સિદ્ધુએ કહ્યું કે નિશાન સાહિબનો ઝંડો ફરકાવવો એ વિરોધનો એક સાંકેતિક સંકેત હતો.
અત્રે જણાવવાનું કે નિશાન સાહિબ શીખ ધર્મનું પ્રતિક છે અને આ ઝંડાને તમામ ગુરુદ્વારા પરિસરોમાં લગાવવામાં આવે છે.
ફેસબુક પોસ્ટમાં કર્યો આ દાવો
દીપ સિદ્ધુ (Deep Sidhu) પર આરોપ છે કે તેણે ખેડૂતોને લાલ કિલ્લા તરફ માર્ચ કરવા માટે ઉક્સાવ્યા. જો કે ગણતંત્ર દિવસના અવસરે ટ્રેક્ટર પરેડ (Tractor Parade) દરમિયાન લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાની ઘટના પર દીપ સિદ્ધુએ મંગળવારે પ્રદર્શનકારીઓના કૃત્યનો એમ કહીને બચાવ કર્યો કે તે લોકોએ રાષ્ટ્રીય ધ્વજ હટાવ્યો નથી અને ફક્ત એક પ્રતિકાત્મક વિરોધ તરીકે 'નિશાન સાહિબ'ને લગાવવામાં આવ્યો હતો.
દીપ સિદ્ધુએ ફેસબુક પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં દાવો કર્યો કે આ કોઈ યોજનાબદ્ધ પગલું નહતું અને તેને કોઈએ સાંપ્રદાયિક રંગ આપવો જોઈએ નહીં જેવું કટ્ટરપંથીઓ દ્વારા થઈ રહ્યું છે.
સિદ્ધુએ કહ્યું કે નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા માટે, અમે નિશાન સાહિબનો અને ખેડૂતોનો ઝંડો લગાવ્યો અને આ સાથે જ ખેડૂત મજૂર એક્તાના નારા પણ લગાવ્યા. તેમણે નિશાન સાહિબ તરફ ઈશારો કરતા કહ્યું કે આ ઝંડો દેશની વિવિધતામાં એક્તાનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે એમ પણ કહ્યું કે લાલ કિલ્લા પર ધ્વજ સ્તંભથી રાષ્ટ્રીય ધ્વજ હટાવ્યો નથી અને કોઈ પણ દેશની એક્તા અને અખંડિતતા પર સવાલ ઉઠાવ્યો નથી.
લાલ કિલ્લા પર હિંસાની ઘટનાની ટીકા
વિભિન્ન પક્ષોના નેતાઓએ લાલ કિલ્લા પર હિંસાની ઘટનાની ટીકા કરી છે. કોંગ્રેસના નેતા શશિ થરૂરે ઘટનાનો એક વીડિયો શેર કરતા કહ્યું કે તેઓ શરૂઆતથી જ ખેડૂતોના પ્રદર્શનનું સમર્થન કરી રહ્યા હતા પરંતુ અરાજકતા સ્વીકાર કરી શકાય નહીં.
અભિનેતા સની દેઓલના સહયોગી રહી ચૂક્યો છે સિદ્ધુ
છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોલન સાથે જોડાયેલા દીપ સિદ્ધુએ કહ્યું કે 'જ્યારે લોકોના વાસ્તવિક અધિકારીઓને નજરઅંદાજ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારે એક જન આંદોલનમાં ગુસ્સો ભડકી જાય છે. તેણે કહ્યું કે આજની સ્થિતિમાં એ ગુસ્સો ભડકી ગયો.'
સિદ્ધુ અભિનેતા સની દેઓલનો સહયોગી હતો અને દેઓલે 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન ગુરુદાસપુર સીટ પરથી ચૂંટણી લડી હતી. જો કે ભાજપ સાંસદે ગત વર્ષ ડિસેમ્બરમાં ખેડૂત આંદોલનમાં સામેલ થયા બાદ સિદ્ધુથી અંતર જાળવી લીધુ હતુ. સની દેઓલ સાથે તેણે પણ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તે સમયની મુલાકાતનો ફોટો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને સની દેઓલના વિરોધીઓ તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે.
સની દેઓલે કરી સ્પષ્ટતા
આ બાજુ ફોટો વાયરલ થયા બાદ ગુરુદાસપુરથી ભાજપના સાંસદ અને બોલીવુડ અભિનેતા સની દેઓલે ( Sunny Deol ) સ્પષ્ટતા કરવી પડી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'લાલ કિલ્લા પર જે થયું તે જોઈને મન દુ:ખી થઈ ગયું છે. હું પહેલા પણ 6 ડિસેમ્બરના રોજ ટ્વિટરના માધ્યમથી સ્પષ્ટ કરી ચૂક્યો છું કે મારા કે મારા પરિવારને દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી, જયહિન્દ.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
NIA એ પાઠવ્યું હતું સમન
કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા નેતાઓમાંથી એક સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમે સિદ્ધુને શરૂઆતથી જ અમારા પ્રદર્શનથી દૂર કર્યો હતો. અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે દીપ સિદ્ધુને Sikhs For Justice (SFJ) સાથે કનેક્શન મુદ્દે NIA એ સમન પાઠવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે