કેમ અચાનક સમાપ્ત થઈ ગયું ખેડૂત આંદોલન? કોણે ભજવી મહત્ત્વની ભૂમિકા

ખેડૂતોની આ આંદોલન ઉગ્ર બની શકે એમ હતી, જેના કારણે દિલ્હી-એનસીઆરની પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ હતું 

કેમ અચાનક સમાપ્ત થઈ ગયું ખેડૂત આંદોલન? કોણે ભજવી મહત્ત્વની ભૂમિકા

પ્રતીક શ્રીવાસ્તવ, નવી દિલ્હીઃ ભારતીય ખેડૂત સંઘની આગેવાનીમાં શરૂ થયેલું 'ખેડૂત આંદોલન' 2 અને 3 ઓક્ટોબરની મધ્યરાત્રીમાં અત્યંત શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું. આ આંદોલન ઉગ્ર થવાની સંભાવના હતી. દિલ્હી અને એનસીઆરની પ્રજાને આ આંદોલનને કારણે પારાવાર મુશ્કેલીમાં મુકાવું પડે એવી પરિસ્થિતી સર્જાઈ હતી. સાથે જ કેન્દ્રની મોદી સરકાર માટે પણ એક નવી મુશ્કેલી ઊભી થાય એમ હતું. 

વિરોધ પક્ષને આ આંદોલન સાથે એક નવો મુદ્દે મળી શકે એમ હતો. ખેડૂત આંદોલનના મૂળ કારણોને પણ બાજુ પર મુકીને આગામી ચૂંટણીને જોતાં એન્ટી મોદી વર્ગ તેનો એક હથિયાર તરીકે ઉપયોગ કરી શકે એમ હતો. જોકે, આ બધી જ સંભાવનાઓ પર પાણી ફરી વળ્યું. આ તમામ બાબતોને ઘટતા પહેલાં જ અટકાવી દેવામાં કેટલાક પાત્રોએ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ભૂતકાળમાં થયેલા તમામ ખેડૂત આંદોલનોની ભયાનક્તા, નકારાત્મક રાજકારણ, હિંસક ઘટનાઓમાંથી બોધપાઠ લીધો હતો. 

જાણો કોણે કેવી ભૂમિકા ભજવીને આ આંદોલનને અત્યંત શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. 

કેન્દ્ર સરકાર 
કેન્દ્ર સરકારે સમય પારખીને કામ લીધું અને તાત્કાલિક પગલાં લીધાં. સરકારે કેટલીક માગણી સ્વીકારી અને કેટલીક માગણી માટે સમય માગી લીધો. ભારતીય કિસાન સંઘનો ભલે આરોપ હોય કે આ સરકાર ખેડૂત વિરોધી છે, પરંતુ કેન્દ્રની તાત્કાલિક પ્રતિક્રિયા અને ખેડૂતો સાથેની વાટાઘાટો ઘણું કામ કરી ગઈ. ગૃહમંત્રી રાજનાથ સિંહના ઘરે બેઠક બાદ મંગળવારે સાંજે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સુરેશ રાણા અને લક્ષ્મી નારાયણ આંદોલન સ્થળે પહોંચ્યા. 

અહીં લક્ષ્મીનારાયણને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો, જ્યારે સુરેશ રાણાએ તેમના પ્રસ્તાવો પર ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરી. તેમણે ખેડૂતોને આશ્વાસન આપ્યું કે, તેમની સાથે ન્યાય કરવામાં આવશે. વિરોધ પક્ષો જ્યાં સુધી રાજનીતિ અંતર્ગત કોઈ પગલું ભરે એ પહેલાં જ કેન્દ્ર સરકારે પાળ બાંધી લીધી. 

ગજેન્દ્ર સિંહ શેખાવત 
ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે વાટાઘાટો બાદ ખેડૂતો વચ્ચે જવાબ લઈને પહોંચેલા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેકાવતે ખેડૂતોને દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું. તેમણે ખેડૂતોને વડા પ્રધાન મોદીનું વચન અપાવ્યું કે તેઓ ખેડૂતોને દેશમાં મજબૂત કરવા માગે છે. ખેડૂતોની જીએસટી અને 10 વર્ષ જૂનાં વાહનો બંધ ન કરવાની માગણી પર સકારાત્મક રીતે વિચારશે. જે માગણી બંધારણીય હશે તેને કોર્ટમાં કેસ લડીને ઉકેલ લાવશે. સાથે જ અન્ય માગણીઓ પર ત્રણ મહિનામાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. 

યોગી આદિત્યનાથ 
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ખેડૂતો અને તેમનાં મુદ્દાઓને નજરઅંદાજ ન કરીને 1 ઓક્ટોબરની રાત્રે જ ખેડૂતોના પ્રતિનિધિ મંડળ સાથે હિન્ડન એરબેઝ ખાતે બેઠક કરી. જોકે આ બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, પરંતુ યોગી આદિત્યનાથ એ સંદેશો આપવામાં સફળ રહ્યા કે સરકાર ખેડૂતોની ચિંતા કરે છે અને તેમની સાથે વાટાઘાઠો કરીને તેમની સમસ્યાઓ સાંભળવા માગે છે. 

નરેશ ટિકૈત
ભારતીય ખેડૂત સંઘના અધ્યક્ષ નરેશ ટિકેતને પણ તેનું શ્રેય જાય છે. તેમણે આ આંદોલનને એન્ટી મોદી તત્વોનો હાથો બનવા દીધું નહીં. નરેશ ટિકેતે મોડી રાત્રે જાતે જ નિવેદન આપ્યું કે, અમારો હેતુ કિસાન ઘાટ પર પુષ્પાંજલિ સાથે ખેડૂત યાત્રા સમાપ્ત કરવાનો હતો. આથી અમે પાછા ફરી રહ્યા છીએ. મંગળવારે રાત્રે હજારો ખેડૂતો પોતાના ટ્રેક્ટરમાં કિસાન ઘાટ પહોંચ્યા અને ચૌધરી ચરણ સિંહની સમાધી પર ફૂલ ચડાવીને યાત્રાને સમાપ્ત કરી. 

દિલ્હી પોલીસ 
દિલ્હી પોલીસે કુશળ રણનીતિ અને જવાબદારી દેખાડતાં સવારથી જ ખેડૂતોને દિલ્હી-યુપી બોર્ડર પર અટકાવી રાખ્યા હતા. ત્યાર બાદ સૌથી સારું કામ મોડી રાત્રે તેમને કિસાન ઘાટ જવાની મંજુરી આપવાનું હતું. દિલ્હી પોલીસના આ પગલાંને લીધી ખેડૂત નેતાઓને ઉગ્ર વિરોધ કરવાની તક મળી નહીં અને 3 ઓક્ટોબરનો દિવસ ઊગે એ પહેલાં જ આંદોલન સમાપ્ત થઈ ગયું. દિલ્હી પોલીસનાં 3 હજાર જવાનોએ દિલ્હી-યુપી બોર્ડર પર ખેડૂત યાત્રાને અટકાવી રાખી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news