એક જમાનામાં પાઘડી કરતી હતી આઈકાર્ડનું કામ, જાણો 370 પ્રકારની પાઘડીનો રસપ્રદ ઈતિહાસ

આધાર કાર્ડ કે દસ્તાવેજ વગર લોકો અને સંપ્રદાયની ઓળખ આપતી પાઘડી કેમ ભૂલાઈ ગઈ. આદિકાળથી ચાલતી સંસ્કૃતિ હાલ કેમ શોખ પુરતી સિમિત બની ગઈ છે, ક્યાં ગયો એ અદભૂત પાઘડીનો વારસો.
 

એક જમાનામાં પાઘડી કરતી હતી આઈકાર્ડનું કામ, જાણો 370 પ્રકારની પાઘડીનો રસપ્રદ ઈતિહાસ

highlights

  • PM મોદીનો પાઘડી પ્રેમ 
  • ભારતમાં 370 પ્રકારની પાઘડીનો ભવ્ય ઈતિહાસ
  • પાઘડી પરથી કેવી રીતે થતી હતી પ્રદેશની ઓળખ થતી
  • સભાઓથી લઈ ફિલ્મો સુધી જોવા મળે પાઘડીનો પ્રભુત્વ
  • આદિકાળથી જળવાયેલી પાઘડીનો વારસો શોખ પુરતો કેમ સિમિત થયો

ઝી બ્યૂરો, અમદાવાદઃ જ્યારે આધાર કાર્ડ નહોંતા, જ્યારે ચૂંટણી અને રાશન કાર્ડ નહોંતા, જ્યારે પાસપોર્ટ સાઈઝના ફોટા નહોંતા. ત્યારે લોકો અને સમુદાયની ઓળખ આપતી હતી પાઘડી.પરંતુ હાલ એ જ પાઘડીઓ શોખ અથવા મ્યુઝિયમ પુરતી સમિત બની ગઈ છે..આદિકાળથી ચાલતી પરંપરાગત આ સંસ્કૃતિને હાલ મ્યુઝિયમમાં જોઈને લોકો ખુશ થઈ રહ્યા છે અને પારપરીક પાઘડીએ આજે હેલમેટનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આજે લોકોના માથે અલગ અલગ પ્રકારીના હેલમેટ જોવા મળે છે. પરંતુ એક સમય હતો જ્યારે લોકોના માથે વિવિધ પ્રકારની પાઘડીઓ જોવા મળતી હતી. એટલું નહીં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે પ્રદેશમાં જાય ત્યાંની પરંપરાગત પાઘડી પહેરવાનું ક્યારે નથી ભૂલતા.

પાઘડી બંધ બેસતી જ પહેરવી જોઈએ
કહેવત છે કે ‘બંધ બેસતી પાઘડી ના પહેરવી’. પરંતુ વાસ્તવમાં પાઘડી તો બંધ બેસતી જ પહેરવી જોઈએ. જો પાઘડી ઢીલા પોચી પહેરી તો લોકો વચ્ચે હાંસીને પાત્ર બની જશો. કેમ કે ‘લાંબો ડગલો, મૂંછો વાંકડી, શિરે પાઘડી રાતી’ એ જ છે છેલછબિલા ગુજરાતીની ઓળખ. ત્યારે પાઘડી પહેરવી એ પણ એક પરંપરા છે. ત્યારે કઈ પાઘડી અને કેવી રીતે પહેરવી એ પણ એટલું જ જરૂરી છે. કેમ એવું પણ કહેવાય છે કે ‘અહંકારની પાઘડી જો આપણાં માથા પરથી ઉતરી જાય તો આપણાં જીવનની દરેક સમસ્યાઓ પણ પા-ઘડીમાં જતી રહે!’

ભારતમાં 370 પ્રકારની પાઘડીઓ
કહવેયા છે પાઘડીએ પુરુષ પરખાતા હતા. પ્રદેશ અને પુરુષની તેની પાઘડી પરથી જ ઓળખ થઈ જતી હતી. ભારતમાં કુલ 370 પ્રકારની પાઘડીઓ જોવા મળે છે. જેમાં 50થી વધુ એવી પાઘડી છે જે સૌરાષ્ટ્રની શાન ગણાતી હતી. ત્યારે આવી વિવિધ પાઘડીઓના નામ પર નજર કરીએ તો. વિંજાણની પાઘડી, ઓખાની આંટીયાળી પાઘડી, બાબીની બત્તી, નંદાણાની પાઘડી, સોરઠી પાટલીયાળી, વઢવાણી પાઘડી, કાઠીઓની પાઘડી, ખુમાણની પાઘડી, બાબરાની પાઘડી, જેસલમેર, મેવાડ,  અમદાવાદી પાઘ, ગાયકવાડી પાઘડી, નાગર બ્રાહ્મણ અને વ્યાપારી, ભરવાડી ભોજપુરી પાઘડી, કળાભરેલી કાઠીયાવાડી પાઘડી, છત્રપતિ શિવાજીની પાઘડી, કોલ્હાપુરની પાઘડી, પંજાબી પાઘ, મૈસુરની માઘ, બહારવટાની કાળી પાઘ, મુઘલશાહી પાઘડી, વોહરાની પાઘ, સોનાસળીની પઘડી,મરાઠી છોગાદાર સાફો.

પાઘડી પરથી પ્રદેશની ઓળખ થતી હતી
પહેલાના જમાનામાં લોકોને પુછવું નહોંતુ પડતું કે ક્યાંથી આવો છો. કેમ કે પુરુષના માથે પહેરેલી પાઘડી જ બધુ કહી દેતી હતી. જેમાં કાઠીયાવાડી હાલાઈ, કચ્‍છી, સાત અલગ અલગ રંગોના લેરીયા જેવા કપડામાંથી બંધાતી રાજસ્‍થાની, જાલાવાડી, ગોહિલવાડ, સોરઠી સહિત અલગ અલગ ૫૦ કરતા વધુ પ્રકારની પાઘડીઓ હતી. જેમાં સારા પ્રસંગોએ લાલ લીલી બાંધણી અને શોકમય પ્રસંગોમાં સફેદ પાઘડી પહેરવામાં આવતી હતી.

પ્રધાનમંત્રી મોદી જ્યાં જાય તે પ્રદેશની પારંપરીક પાઘડી પહેરે છે
રાજનેતા નેતા હોય કે અભિનેતા, સભાઓ હોય કે ફિલ્મો તમામ જગ્યાએ પાઘડીનું મહત્વ દર્શાવવામાં આવે છે.એટલે જ આપણા પ્રધાનમંત્રી પણ જે પ્રદેશમાં જાય છે ત્યાંની પાઘડી પહેરવાનું ભૂલતા નથી. પ્રધાનમંત્રીના જામનગરથી લઈને જમ્મુ કાશ્મીર સુધીના દરેક પ્રદેશના પ્રવાસમાં પરંપરાગત પાઘડીમાં જોવા મળ્યા છે. જેમાં સૌથી પ્રથમ વાત કરીએ જમ્મુ કાશ્મીરની જ્યાં પ્રધાનમંત્રી લાલ રંગની સોની બોર્ડર વાળી પાઘડીમાં જોવા મળ્યા હતા. તો અરૂણાચલ પ્રદેશમાં પરંપરાગત પાઘડીમાં પ્રધાનમંત્રી અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. એવી જ રીતે મરાઠી, જામનગરની પરંપરાગત લાલ પાઘડી, રાજસ્થાની સહિતની પરંપરાગત પાઘડીમાં પ્રધાનમંત્રી જોવા મળ્યા છે. એટલું જ નહીં પણ પૂર્ણાંચલ, ત્રિપુરા જેવા પ્રદેશમાં પહેરાથી હેટ અને ટોપીમાં અલગ અંદાજમાં જોવા મળ્યા છે પ્રધાનમંત્રી.

પ્રદેશ બદલાય તેમ પાઘડી પણ બદલાય
મોરબીની વાડની ઈંઢોણી, ને ગોંડલની ચાંચ , જામનગરનો ઉભો પૂળો અને પાઘડીએ રંગ પાંચ , બારાડીની પાટલીયાળી, બરડે ખૂંપાવાળી, ઝાલાવાડની આંટલ્યાળી, ભારે રુવાબ ભરેલી ઘેરીને ગંભીર ઘેડની એને જોતા આંખ ઠરેલી, સોરઠની તો સીધી સાદી, ગીરની કુંડાળું, ગોહીલવાડની લંબગોળ અને વળાંકીવધરાળું. જેની ડાબા કે જમણા પડખે એક જ સરખી આંટી,  કળા ભરેલી કાઠીયાવાડીની પાઘડી શિર પલાનટી, ભરવાડોનું ભોજ્પરુને, રાતે છેડે રબારી, સિપાહીઓને સાફો, ફકીરોને લીલો કટકો, મુંજાવરને માફો, વરણકાટીયો વેપારી, ચારણ,બ્રાહ્મણ, સાધુ, જ્ઞાતિ પાઘડીએ પરખાતી.

ગુજરાતમાં કેટલા પ્રકારની પાઘડી જોવા મળે છે?
ગુજરાતના વિવિધ પ્રદેશમાં અલગ અલગ પરંપરાગત  વાઘડી જોવા મળે છે..જેમાં કાઠિયાવાડમાં ઓખામંડળ, હાલાર, ઝાલાવાડ, પાંચાળ, બારાડી, નાઘેર, સીમર, મચ્છુકાંઠો, બાબરીયાવાડ, વાળાક પાઘડી જોવા મળે છે..જ્યારે કચ્છમાં  વાગડ, ગરડો, પાવર, માકવટ, મેઆણી, અબડાસો, મોડાસો, કાંઠી અને પ્રાંથડ પાઘડી જોવા મળે છે..ઉત્તર ગુજરાતમાં ચોરાડ, જતવાડો, નહેર, વઢિયાર, ઢાંઢર, છપ્પન, પાટણવાડો અને દંઢાવ્ય પ્રકારની પાઘડીઓ જોવા મળે છે. અમદાવાદમાં ભાલ, કનેર અને નળકાંઠાની પાઘડીઓ હોય છે. દક્ષિણ ગુજરાતમાં ખંભાતબારું, વાંકળ, સંખેડા, મહુવાણ, કંઠાળ, નીમાડ, ખાનદેશ, મેવાડ, રાજ, મઠોર, ડાંગ અને બાગલાણ પંથકોમાં રહેતા વિવિધ જાતિના લોકોમાં પ્રાદેશીક પાઘડીઓ જોવા મળતી હોય છે.

રાજસ્થાની પાઘડીની વિશેષતા
રાજસ્થાનમાં પહેરવામાં આવતી પાઘડીઓને પઘડી કે પઘરી તરીકે ઓળખવામાં આવે છે.જેમાં શૈલી, રંગ અને કદ અનુસાર જુદા-જુદા પ્રકાર જોવા મળે છે. પાઘડી પરથી સામાજિક વર્ગ, જાતિ, પ્રદેશ અને પ્રસંગનો મહત્વ જાણી શકાય છે. પાઘડીનો  આકાર અને કદ વિવિધ પ્રદેશોની આબોહવાની પરિસ્થિતિઓ સાથે પણ બદલાઇ શકે છે. ગરમ રણના વિસ્તારોમાં પાઘડીઓ મોટી અને ઢીલી હોય છે. ખેડૂત અને ભરવાડો મોટી પાઘડીઓ પહેરે છે.રાજસ્થામાં પાઘડીઓનો થાકેલા મુસાફરો ઓશીકું, ધાબળા અથવા ટુવાલ તરીકે પણ ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ પાણી ગાળવ માટે પણ કરી શકાય છે.

પંજામાં કેવી પાઘડી પહેરાય છે?
શીખો દ્વારા પહેરવામાં આવતી પાઘડીને દસ્તાર કહે છે. બધા ખાલસા એટલે કે અમૃતધારી શીખો માટે દસ્તાર પહેરવી ફરજિયાત છે. વિવિધ શીખ શાખાઓ અને પ્રદેશો અનુસાર તેની બાંધવાની શૈલિ બદલાઈ શકે છે. શીખ પાઘડી શીખોની આગવી ઓળખ દર્શાવવા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે લાંબા ન કપાવેલા વાળને ઢાંકવા માટે પહેરવામાં આવે છે. જેમાં પટિયાલા શાહી દસ્તાર શૈલિ સૌથી પ્રચલિત શીખ પાઘડી છે. આ સિવાય મોરની, પોચવી, અમૃતસર શાહી, કેનેડીયન શૈલી અને અન્ય ઘણી પ્રાદેશિક શૈલિઓમાં પણ શીખ પાઘડી બંધાય છે.

પેશાવરી પાઘડી
પેશવારી પાઘડી પરંપરાગત રીતે પેશાવરમાં પહેરવામાં આવતી હોય છે. તેમાં કુલ્લા નામની ટોપી હોય છે. જેની આસપાસ લુંગી નામનું કાપડ વીંટવામાં આવે છે. પેશાવરની પાઘડી અન્ય પાઘડીઓ કરતા ઘણી અલગ જોવા મળે છે. જેથી તે ખાસ પેશાવરમાં જ જોવા મળે છે.

નિમાડી પાઘડી
મધ્યપ્રદેશના સાઉથ વેસ્ટ વિસ્તારને નિમાડ તરીકે ઓળખવામાં આવે છે. જેથી અહીં પહેરાતી પાઘડીને નિમાડી પાઘડી કહેવાય છે. નિમાડી પાઘડી અન્ય પાઘડીઓ કરતા પ્રમાણમાં મોટી હોય છે. ઓરિજન નિમાવડી પાઘડી હવે જોવા નથી મળતી. નિમાવડી પાઘડી બાંધવા માટે સ્પેશિયલ કાપડની જરૂર પડે છે. પણ વર્તમાન સમયમાં નિમાવડી પાઘડીનું કાપડ મળતું નથી.

હોલ્કરશાહી પાઘડી
રાજવંશના પહેરવેશ માટે તૈયાર કરવામાં આવેલી પાઘડીને હોલ્કરશાહી પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. આ પાઘડી બાંધવા માટે એક સપ્તાહ જેટલો સમય લાગે છે.આ કળા મહદઅંશે લુપ્ત થઈ રહી છે. જો કે હજુ હોલ્કરશાહી પાઘડી બાંધવાની કળા વર્તમાનમાં ગ્વાલીયર ખાતે માત્ર એક કલાકાર પાસે જ છે.

જોધપુરી ગજશાહી સાફા
જોધપુરી ગજશાહી સાફા લગ્નપ્રસંગે પહેરવામાં આવે છે. જેની શરૂઆત રાજસ્થાનના જોધપુરથી કરાઇ હતી. જોધપુરી સાફામાં પંચરંગી, બંધેજ, લહેરીયા અને સફેદ જેવા વિવિધ કલર હોય છે.ત્યારે લગ્ન પ્રસંગોમાં જોઘપુરી સાફા પ્રત્યે લોકોનું આકર્ષણ આજે પણ વધારે જોવા મળે છે.

બાડમેરી સોઢા પાઘડી
બાડમેરના રાજાઓ પહેરતા હતા તેને બાડમેરી સોઢા પાઘડી કહેવામા આવે છે. બાડમેર પ્રદેશ સુકો હોવાના કારણે પાઘડીમાં રંગીન કલરનો ઉપયોગ કરાય છે.બાડમેર જિલ્લો પાકિસ્તાનથી નજીક હોવાથી પાઘડીની બનાવટ પર પાકિસ્તાની કલ્ચરનો પણ પ્રભાવ જોવા મળે છે.

શિંદેશાહી પાઘડી
શિંદે અને હોલ્કર બંને મરાઠા રાજવંશો હોવાથી તેમનો પહેરવેશમાં ઘણી સમાનતા જોવા મળે છે..શિંદેશાહી પાઘડી વ્યક્તિના મસ્તક અનુસાર બનવાય છે અને જે એક વખત જ બંધાય છે.શિંદેશાહી પાઘડી બનાવવા માટે સાત દિવસનો સમય લાગે છે. પાઘડી બનાવતી વખતે તેમાં રંગ રંગવામાં આવે છે જેથી પાઘડી બનાવવામાં લાંબો સમય અને ભારે મહેનત લાગે છે.

પાઘડીથી સાફા કેમ અલગ હોય છે?
દેશ અને સંસ્કૃતિની ઓળખ ગણાતી પાઘડી બાંધીવી એટલી સરળ નહીં હોતી. પરંપરાગત પાઘડી સામાન્ય રીતે ૮૨ ઇંચ લાંબી અને ૮ ઇંચ પહોળી હોય છે..સાથે પાઘડી 6 થી 9 મીટર લંબાઈના કાપડના વળ ચડાવીને માથા પર બાંધવામાં આવે છે. જયારે સાફા લંબાઈમાં ટૂંકા અને પહોળા હોય છે. જેમાં સામાન્‍ય રીતે 2 મીટર લંબાઈના કાપડમાંથી 4 આંગળ પહોળા પટાની જેમ બાંધવામાં આવે છે. જેના પર માથે કલગી કે છોગુ હોય છે. આ કલગી પર અગાઉના મહારાજાઓ હીરા માણેક જેવા રત્‍નો પણ મઢાવતા હતા. જે રાજાઓની આગવી ઓળખ બનતી હતી. લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગોએ પાઘડી તથા સાફો પહેરવાની પ્રથા હજું પણ છે.

પાઘડીનું મહત્વ દર્શાવતા લોકગીત અને કહેવતો
પાઘડી પર અનેલ લોકગીત લખાયેલા જોવા મળે છે..જેમાં "તારી વાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે, વાંકીનદીવલામણે, કણશલેવાંકી જાર, પુરૂષની વાંકી પાઘડી, નેણા વાંકી નાર જેવા અનેક લોકગીત છે પાઘડી પર. એટલુ જ નહીં કેટલી કહેવતો પણ પાઘડી આધારીત છે જેમાં પાઘડી ઉછાળવી, પાઘડી ગઈ એટલે લાજ ગઈ, પાઘડીનો વળ છેડે જેવી તો અનેક કહેવત છે. જે પાઘડીનું મહત્વ દર્શાવે છે.

પાઘડીની ઉત્પતિ કેવી રીતે થઈ?
આદિકાળમાં નદી ,સરોવર કે ઝરણામાં નહાઈને લોકો નિકળતા હતા ત્યારે વાળ તેમના ચહેરા પર આવી જતા હતા. જેથી વાળને  બાંધવા ઝાડની ડાળી, પાંદડા અને વેલનો ઉપયોગ કરવા માંડ્યો. જે ધીરે ધીરે કાપડ સુધી પહોંચ્યા અને લાંબાગાળે તે પાઘડીમાં પરીવર્તિત થયા. ત્યાર બાદ ભાત, ભાતના કાપડમાંથી વિવિધ પાઘડી બનવા લાગી અને માનવજાતિ, જ્ઞાતિના ફાંટાઓ સાથે પાઘડીઓ પણ ફંટાવા લાગી. જેથી પ્રદેશ મુજબ પોતાની ઓળખ બતાવતી પાઘડીઓનું નિર્માણ થયું.

કેમ ભૂલાઈ ગયો પાઘડીનો વારસો?
આજના આધુનિક યુગમાં લોકો દેખાદેખી અને સ્ટાઈનો શોખ રાખે છે. જીન્સ અને ટી-સર્ટમાં સાફા અને પાઘડીઓ વિસરાઈ ગઈ છે. હવે માત્ર શોખ અને પ્રસંગો પુરતી સિમિત થઈ ગઈ છે પાઘડીઓ. પહેલાના જમાનામાં ખુલ્લા માથે ઘરની બહાર જવું અશુભ મનાતું હતું. એટલું નહીં પણ પાઘડીને નીચે મુકવીએ અપમાન માનતા હતા. પરંતુ આજના સુપરફાસ્ટ યુગમાં હવે પાઘડી ભૂલાઈ ગઈ છે. માત્ર લગ્ન પ્રસંગમાં વરરાજાને રીતિરીવાજ પુરતી પાઘડી બાંધવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news